Jamnagar

જામનગરના મોટી બાણુગાર ગામે આંબેડકરવાડીની દીવાલ ટ્રેક્ટરથી તોડી પડાતા ચકચાર : 10 સામે એટ્રોસિટીનો ગુનો

By GS Team
14 Oct 20262 mins read
TukuTouch Logo
જામનગરના મોટી બાણુગાર ગામે આંબેડકરવાડીના બાંધકામ મુદ્દે વિવાદ વકર્યો છે. 13 ઓક્ટોબરે આશાબેન જાદવે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગામી સહિત 9 નામજોગ અને 1 અજાણ્યા શખ્સે જાતિગત અપમાન કરી મારામારી કરી હતી. ટ્રેક્ટર વડે આંબેડકરવાડીની દીવાલ તોડી પાડવામાં આવી હતી. પંચકોશી 'એ' ડિવિઝન પોલીસે 10 શખ્સો સામે એટ્રોસિટી સહિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના મોટી બાણુગાર ગામે આંબેડકરવાડીની દીવાલ ટ્રેક્ટરથી તોડી પડાતા ચકચાર : 10 સામે એટ્રોસિટીનો ગુનો

Jamnagar News : જામનગર તાલુકાના મોટી બાણુગાર ગામમાં અનુસૂચિત જાતિના સમાજ માટે બનાવવામાં આવી રહેલી આંબેડકરવાડીના બાંધકામને લઈને વિવાદ સર્જાયો છે. આ વિવાદ દરમિયાન સમાજના લોકોને જાતિ વિષયક અપમાનજનક શબ્દો કહી મારામારી કરવામાં આવી હોવાની તેમજ ટ્રેક્ટર વડે આંબેડકરવાડીની દીવાલ તોડી પાડવામાં આવી હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. આ મામલે પંચકોશી ‘એ’ ડિવિઝન પોલીસે નવ નામજોગ સહિત કુલ દસ શખ્સો સામે એટ્રોસિટી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
આ બનાવ અંગે મોટી બાણુગાર ગામે રહેતાં 28 વર્ષીય આશાબેન જાદવે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ ગત તા.13 ઓક્ટોબરના રોજ સવારે આશરે પોણા બાર વાગ્યાના અરસામાં તેઓ પોતાના ચાર વર્ષના પુત્રને બાલમંદિરમાંથી લેવા માટે નીકળ્યાં હતાં. તે દરમિયાન તેમના ઘરની પાછળ આવેલી શેરીમાં તેમના સમાજની આંબેડકરવાડીનું બાંધકામ ચાલી રહ્યું હોય, તે બાબતે કેટલાક શખ્સો સમાજના લોકો સાથે બોલાચાલી અને ઝઘડો કરી રહ્યા હતા. ફરિયાદમાં જણાવ્યા મુજબ રતુભાઈ ગામી, નીલેશભાઈ ગામી, સુરેશભાઈ ગામી, રમેશભાઈ ગામી, થોભણભાઈ ગામી, અંકિતભાઈ ભેસદડીયા, તુષારભાઈ ભેસદડીયા તથા ટીનાભાઈ પટેલ સહિતના શખ્સોએ એકસંપ થઈ સમાજના લોકોને અપશબ્દો કહી ધમકાવ્યા હતા.
આ દરમિયાન રતુભાઈ ગામીએ સમાજના લોકો વિરુદ્ધ જાતિ વિષયક અપમાનજનક શબ્દો ઉચ્ચાર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉપરાંત ટીનાભાઈ પટેલે ગુલશનભાઈ નામના વ્યક્તિને ધક્કો મારી જમીન પર પાડી દેતાં તેમને મોઢાના ભાગે ઈજા પહોંચી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. નરેન્દ્રભાઈ રાજાભાઈ નામના વ્યક્તિને પણ ઢીકા-પાટુનો માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. વધુમાં રતુભાઈનો પુત્ર દીપ ટ્રેક્ટર લઈને આવ્યો હતો અને એક અજાણ્યા શખ્સે ટ્રેક્ટર વડે આંબેડકરવાડીની દીવાલ તોડી પાડી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. અન્ય એક ટ્રેક્ટર વડે પણ દીવાલ તોડી નુકસાન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ દરમિયાન સમાજના લોકોને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.
બનાવ અંગે 112 ઇમરજન્સી સેવામાં જાણ કરવામાં આવતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વિવાદને શાંત પાડ્યો હતો.આ મામલે આશાબેન જાદવની ફરિયાદના આધારે પંચકોશી ‘એ’ ડિવિઝન પોલીસે રતુભાઈ ગામી સહિત નવ નામજોગ તથા એક અજાણ્યા શખ્સ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 296(બી), 351(3), 189, 190, 191, 324(2) તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આ બનાવની વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારીને સોંપવામાં આવી છે. આંબેડકરવાડીના બાંધકામ બાબતે સર્જાયેલા વિવાદને પગલે ગામમાં આ બનાવ ચર્ચાનો વિષય બન્યો છે.