જામનગરમાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રી! જી.જી. હૉસ્પિટલમાં ત્રણ દર્દી દાખલ, આરોગ્ય વિભાગ ઍલર્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chandipura Virus In Jamnagar: રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ ધીમે-ધીમે વધી રહ્યો છે, ત્યારે જામનગરમાં આ વાયરસના કેસ સામે આવતા આરોગ્ય વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે. જામનગર શહેરમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના બે પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી વધુ એક શંકાસ્પદ કેસને જામનગરની સરકારી હૉસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે.
ત્રણેય બાળકોની સ્થિતિ અત્યંત ગંભીર
હાલમાં આ ત્રણેય દર્દીઓ જામનગરની જી.જી. હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. હૉસ્પિટલના પેડિયાટ્રિક (બાળરોગ) વિભાગના વડા ડૉ. સોનલ શાહના જણાવ્યાનુસાર, હૉસ્પિટલમાં દાખલ કરાયેલા ત્રણેય બાળકોની સ્થિતિ હાલ ગંભીર છે. બાળકોમાં ઝડપથી ફેલાતા આ રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે તબીબોની ખાસ ટીમો ચોવીસે કલાક સક્રિય થઈ ગઈ છે.
માખી કરડવાથી ફેલાય છે વાયરસ, બાળકોને સુરક્ષિત રાખો
તબીબોના જણાવ્યા મુજબ, ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે એક ખાસ પ્રકારની માખી (સેન્ડ ફ્લાય) કરડવાથી ફેલાય છે. આથી વાલીઓને અપીલ કરવામાં આવી છે કે.
•બાળકોને હંમેશાં ફૂલ સાઇઝના (આખું શરીર ઢંકાય તેવા) કપડાં પહેરાવવા જોઈએ.
•ઘરની આસપાસ સ્વચ્છતા રાખવી જેથી માખીઓનો ઉપદ્રવ ન વધે.
આ લક્ષણો દેખાય તો તરત જ દોડો હૉસ્પિટલ
આરોગ્ય વિભાગે લોકોને આ રોગથી ગભરાવાને બદલે સતર્કતા રાખવા ખાસ સૂચન કર્યું છે. જો તમારા બાળકમાં અચાનક તીવ્ર તાવ આવવો, શરીરમાં ખેંચ (આંચકી) આવવી અને સતત ઉલટી થવી અથવા ચક્કર આવવા જેવા લક્ષણો દેખાય, તો સમય બગાડ્યા વિના તાત્કાલિક નજીકની સરકારી હૉસ્પિટલ કે તબીબનો સંપર્ક કરવો:
જી.જી. હૉસ્પિટલના વહીવટી તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે હાલ પૂરતી દવાઓ અને આઇસોલેશનની સુવિધા ઉપલબ્ધ છે, અને જો આગામી દિવસોમાં દર્દીઓની સંખ્યા વધશે તો પણ તંત્ર દ્વારા સારવાર માટેની તમામ પૂર્વ તૈયારીઓ કરી લેવામાં આવી છે.









