Jamnagar

જામનગર નજીક ટ્રાન્સપોર્ટમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો : ત્રણ શખ્સો રૂ.1.99 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

By GS Team
19 Sep 20262 mins read
TukuTouch Logo
જામનગર-રાજકોટ હાઈવે પર રામપર નજીક શ્રી મોમાઈ ટ્રાન્સપોર્ટમાં થયેલી ચોરીનો ભેદ પંચકોશી-એ ડિવિઝન પોલીસે ઉકેલ્યો છે. પોલીસે 3 આરોપીઓને રૂ. 1.99 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. સીસીટીવી ફૂટેજ અને બાતમીના આધારે પોલીસે આઈધન વાઘેલા, પરવીન વાઘેલા અને ગગજી વાઘેલાને પકડી પાડ્યા. ચોરીમાં વપરાયેલી 2 મોટરસાઈકલ અને અન્ય સામાન જપ્ત કરાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર નજીક ટ્રાન્સપોર્ટમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો : ત્રણ શખ્સો રૂ.1.99 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

Jamnagar Theft Case : જામનગર-રાજકોટ હાઇવે પર રામપર ગામના પાટિયા પાસે આવેલી શ્રી મોમાઇ ટ્રાન્સપોર્ટમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ પંચકોશી-એ ડિવિઝન પોલીસે ઉકેલી ત્રણ આરોપીઓને રૂ.1.99 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.
પોલીસની ટીમ દ્વારા વણશોધાયેલા ઘરફોડ ચોરીના ગુનાઓ શોધવા માટે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન બનાવસ્થળ તથા આસપાસના વિસ્તારના અને કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના કેમેરાના ફૂટેજની તપાસ કરી આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
દરમિયાન પંચકોશી-એ ડિવિઝન પોલીસના કર્મચારીઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે મોમાઇ ટ્રાન્સપોર્ટમાં થયેલી ચોરીનો મુદ્દામાલ ત્રણ શખ્સો બે મોટરસાઇકલ પર લઇને વેચવા માટે નીકળવાના છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.
પોલીસે બાતમી મુજબની બંને મોટરસાઇકલને અટકાવી તપાસ કરતાં આરોપીઓ પાસેથી આલ્ફા કંપનીની બેટરી નંગ-1, કિંમત રૂ.12,000, ટ્રકની મોટી ઇલેક્ટ્રિક વાયર લૂમ નંગ-1, કિંમત રૂ.32,000 તથા નાની ઇલેક્ટ્રિક વાયર લૂમ નંગ-1, કિંમત રૂ.25,000 મળી આવી હતી.
આ ઉપરાંત ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી હીરો સ્પ્લેન્ડર મોટરસાઇકલ નંગ-2, કિંમત રૂ.1.10 લાખ તથા બે મોબાઇલ ફોન, કિંમત રૂ.10,000 મળી કુલ રૂ.1,99,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
પોલીસે આ ગુનામાં આઇધનભાઇ બચુભાઇ વાઘેલા, પરવીન ઉર્ફે કરીમ ગોવિંદભાઇ વાઘેલા બંને (રહે. ગુલાબનગર ઓવરબ્રિજ નીચે, પાણીના ટાંકા પાસે, રેલવે પાટાની બાજુમાં, જામનગર) તથા ગગજીભાઇ અજમલભાઇ વાઘેલા (રહે. ધુવાવ હાઉસિંગ બોર્ડ, પ્રભુભાઇની દુકાન સામેની શેરી, જામનગર)ને ઝડપી લીધા છે.
આ અંગે પંચકોશી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.ની કલમ 331(4), 305 તથા 54 મુજબ નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી લેવામાં આવ્યો છે. પોલીસે કબજે કરેલા મુદ્દામાલ અંગે વધુ તપાસ હાથ ધરી છે.