જામનગરમાં કોંગ્રેસ કાર્યાલય સામે ભાજપ મહિલા મોરચાનાં ધરણાં-પ્રદર્શન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)માં વિદ્યાર્થીનીઓની જાતીય સતામણી અને શારીરિક શોષણના ગંભીર આક્ષેપોના મામલે કોંગ્રેસના સાંસદ અગોમચા બિમોલ અકોઇઝમ સામેના મુદ્દે કોંગ્રેસના નેતાઓની ચુપકીદીના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા, જામનગર શહેર દ્વારા ટાઉનહોલ નજીક આવેલા કોંગ્રેસ કાર્યાલય સામે ધરણાં-પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. મહિલા મોરચાની આગેવાનોએ આ મામલે કોંગ્રેસના વલણ સામે આક્રોશ વ્યક્ત કરી સાંસદને પક્ષમાંથી બરતરફ કરવાની માગણી કરી હતી.
આ પ્રસંગે ભાજપ મહિલા મોરચાનાં અધ્યક્ષા દક્ષાબેન અગ્રાવતે જણાવ્યું હતું કે, કોંગ્રેસ મહિલા સન્માનની વાતો તો મોટી-મોટી કરે છે, પરંતુ તેના આચરણમાં મહિલાઓના સન્માન પ્રત્યેની પ્રતિબદ્ધતા ક્યાંય દેખાતી નથી. કોંગ્રેસના સાંસદ સામે વિદ્યાર્થીનીઓની જાતીય સતામણીના ગંભીર આક્ષેપો થયા હોવા છતાં મહિલાઓના હિતરક્ષક હોવાનો દાવો કરતા રાહુલ ગાંધી, પ્રિયંકા વાડ્રા સહિતના કોંગ્રેસના નેતાઓના મોઢામાંથી એક શબ્દ પણ નીકળતો નથી, જે દુર્ભાગ્યપૂર્ણ છે.
તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે, મહિલાઓના સન્માન અને સુરક્ષાનો મુદ્દો કોંગ્રેસ માટે માત્ર ભાષણો આપવા અને રાજકીય લાભ મેળવવાનું સાધન બની રહ્યો છે. મહિલા સુરક્ષાના મુદ્દે કોંગ્રેસના નેતાઓની ભૂમિકા સામે સવાલ ઉઠાવતાં તેમણે જણાવ્યું હતું કે, તાજેતરમાં દિલ્હીમાં મહિલા સુરક્ષાકર્મી સાથે થયેલા કથિત અભદ્ર વર્તનના મુદ્દે પણ કોંગ્રેસના નેતાઓનું વલણ ચર્ચામાં આવ્યું હતું.
દક્ષાબેન અગ્રાવતે કોંગ્રેસના સાંસદ સામેના જાતીય સતામણીના આક્ષેપોની સખત શબ્દોમાં નિંદા કરી હતી અને કોંગ્રેસને પડકાર ફેંકતાં જણાવ્યું હતું કે, જો કોંગ્રેસ ખરેખર મહિલાઓના સન્માન અને સુરક્ષા માટે પ્રતિબદ્ધ હોય, તો સંબંધિત સાંસદને પક્ષમાંથી તાત્કાલિક બરતરફ કરે. આ મામલે કોંગ્રેસના મૌન અને તેના વલણ અંગે તેમણે સવાલો ઉઠાવ્યા હતા.
આ ધરણાં-પ્રદર્શનમાં ભાજપનાં શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, મેયર મોનિકાબેન વ્યાસ, મહિલા મોરચાનાં અધ્યક્ષ દક્ષાબેન અગ્રાવત, જિલ્લા મહિલા મોરચાનાં અધ્યક્ષ ધરતીબેન મજીઠિયા, પૂર્વ મેયર અમીબેન પરીખ, પ્રદેશ મહિલા મોરચાનાં મંત્રી ભાવિષાબેન ધોળકિયા, મહિલા મોરચાનાં મહામંત્રી અવનિબેન ત્રિવેદી, નિકિતાબેન કુંવારિયા સહિતનાં આગેવાનો અને મોટી સંખ્યામાં મહિલા મોરચાની કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. ઉપસ્થિત મહિલાઓએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી સામે વિરોધ વ્યક્ત કરી મહિલાઓના સન્માન અને સુરક્ષાના મુદ્દે કોંગ્રેસની ભૂમિકા અંગે સવાલો ઉઠાવ્યા હતા.




