Jamnagar

જામનગર કાલાવડ ધોરી માર્ગ પર હિટ એન્ડ રનના બનાવમાં બાઈક ચાલકને કારની ઠોકરે ગંભીર ઇજા

By GS Team
6 Jul 20262 mins read
TukuTouch Logo
જામનગરના કાલાવડ તાલુકાના જસાપર ગામ નજીક 7 જૂન, 2026ના રોજ રાત્રે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. દેવળાથી પરત ફરતા રાજેશભાઈ ફળદુના મોટરસાયકલને અજાણી કારે ટક્કર મારી હતી. અકસ્માતમાં રાજેશભાઈને ગંભીર ઈજાઓ થતા રાજકોટ ખસેડાયા હતા. પોલીસે અજાણ્યા કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર કાલાવડ ધોરી માર્ગ પર હિટ એન્ડ રનના બનાવમાં બાઈક ચાલકને કારની ઠોકરે ગંભીર ઇજા

Jamnagar Accident : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના જસાપર ગામ નજીક હિટ એન્ડ રન અકસ્માતનો ગુનો નોંધાયો છે. અજાણ્યા નંબરની ફોરવ્હીલ કારના ચાલકે બેફિકરાઈ અને ગફલતભરી રીતે કાર ચલાવી પાછળથી મોટરસાયકલને ટક્કર મારી અકસ્માત સર્જી ફરાર થઈ જતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ફરિયાદ મુજબ જસાપર ગામના રહેવાસી અને હીરા ઘસવાની મજૂરી કરતા રાજેશભાઈ વલ્લભભાઈ મોહનભાઈ ફળદુ (ઉંમર 41) તા.7 જૂન, 2026ની રાત્રે દેવળા ગામેથી પોતાના હોન્ડા પેશન પ્રો મોટરસાયકલ પર ઘરે પરત ફરી રહ્યા હતા. રાત્રે આશરે સાડા દસ વાગ્યે જસાપર ગામ પાસે પહોંચતા પાછળથી પૂરઝડપે આવી રહેલી અજાણ્યા નંબરની ફોરવ્હીલ કારએ તેમના મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત બાદ કારચાલક વાહન સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
અકસ્માતમાં રાજેશભાઈને જમણા પગ, ડાબા હાથ તેમજ ડાબા હાથની પાંચેય આંગળીઓમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જમણો પગ અને ડાબો હાથ ભાંગી જવા ઉપરાંત આંગળીઓમાં પણ ફ્રેક્ચર થતાં તેમને પ્રથમ કાલાવડ સરકારી હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટની આરોગ્યમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમના હાથ, પગ અને આંગળીઓનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. સારવાર પૂર્ણ થતાં તા.14 જૂન, 2026ના રોજ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ અજાણ્યા કારચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદના આધારે કાલાવડ ટાઉન પોલીસે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 281, 125(અ), 125(બ) તેમજ મોટર વાહન અધિનિયમની કલમ 177, 184 અને 134 હેઠળ ગુનો નોંધી અજાણ્યા કારચાલકની શોધખોળ અને વધુ તપાસ હાથ ધરી છે.