Jamnagar

જામનગરની સરકારી ડેન્ટલ કોલેજના 1.39 કરોડના ચેકના અતિ ચકચાર જનક કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ

By GS Team
26 Jul 20262 mins read
TukuTouch Logo
જામનગર ડેન્ટલ કોલેજ કૌભાંડમાં પોલીસે સુરતથી હરેશ વસાવડા નામના વધુ એક આરોપીની ધરપકડ કરી છે. રોગી કલ્યાણ સમિતિના ખાતામાંથી 1.39 કરોડના 15 ચેકનો ગેરઉપયોગ કરી કૌભાંડ આચરવામાં આવ્યું હતું. અગાઉ શોભિત ગર્ગની ધરપકડ થઈ હતી. સેશન્સ કોર્ટે ડીનને આરોપી ન બનાવવા અને તપાસ અધિકારીઓ બદલાવા અંગે ગૃહ વિભાગ પાસેથી ખુલાસો માંગ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરની સરકારી ડેન્ટલ કોલેજના 1.39 કરોડના ચેકના અતિ ચકચાર જનક કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ

Jamnagar: જામનગરની ચકચારી ડેન્ટલ કોલેજની રોગી કલ્યાણ સમિતિના ખાતામાંથી રૂ. 1.39 કરોડના 15 ચેકનો ગેરઉપયોગ કરી કૌભાંડ આચરવાના કેસમાં સેશન્સ કોર્ટના કડક વલણ વચ્ચે પોલીસને વધુ એક સફળતા મળી છે. સીટી ‘બી’ ડિવિઝન પોલીસે સુરતથી હરેશ રવજીભાઈ વસાવડા નામના એક આરોપીની ધરપકડ કરી તેને જામનગર લાવી કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે ૨ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા બાદ આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યો છે.

આ કેસમાં નેશનલ હેલ્થ મિશન (એનએચએમ)ના કરાર આધારિત કર્મચારી શોભિત ગર્ગ સામે રોગી કલ્યાણ સમિતિના ડીનની સહિવાળા 15 ચેકનો ગેરઉપયોગ કરી કુલ રૂ. 1.39 કરોડ પોતાના ખાતામાં ટ્રાન્સફર કર્યાનો ગુનો નોંધાયો હતો. શોભિત ગર્ગની અગાઉ ધરપકડ થઈ ચૂકી છે અને તે જેલમાં છે.

દરમિયાન, આરોપીની જામીન અરજીની સુનાવણી દરમિયાન બચાવ પક્ષે ઉઠાવેલા ટેકનિકલ મુદ્દાને ધ્યાનમાં લઈને સેશન્સ કોર્ટે તપાસ અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા. કોર્ટે પૂછ્યું હતું કે ચેક પર જેમની સહીઓ છે તે ડીનને આરોપી કેમ બનાવવામાં આવ્યા નથી? ઉપરાંત દોઢ મહિનામાં કેસના ત્રણ તપાસ અધિકારીઓ બદલાયા હોવા અંગે પણ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી.

સેશન્સ કોર્ટે રાજ્યના ગૃહ વિભાગને આ મામલે લેખિત અહેવાલ કેમ મોકલવો નહીં તે અંગે ખુલાસો માંગ્યો છે તેમજ કેસની તપાસ કરનારા ત્રણેય પીએસઆઈને સોમવાર, તા. 27 જુલાઈએ અદાલતમાં હાજર રહી ખુલાસો કરવા ફરમાન કર્યું છે.

આ દરમિયાન પોલીસે સુરતથી ઝડપી પાડેલા હરેશ વસાવડાના બેંક ખાતામાં કૌભાંડની અમુક રકમ જમા થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતાં તેની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. હવે પોલીસ આર્થિક વ્યવહારોની વધુ તપાસ કરીને કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે દિશામાં તપાસ આગળ વધારી રહી છે.