જામનગરમાં ફ્લાયઓવરની નીચે હવે પાર્કિંગની સાથે સ્પોર્ટ્સ એક્ટિવિટીની સુવિધા પણ ઊભી કરાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: જામનગર શહેરમાં સાત રસ્તાથી સુભાષ બ્રિજ સુધીના ફોર-લેન એલિવેટેડ ફ્લાયઓવર બ્રિજની નીચેના વિશાળ વિસ્તારનો મહત્તમ ઉપયોગ થાય તે માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ફ્લાયઓવરના નીચેના ગાળાઓમાં પાર્કિંગની સુવિધા ઉપરાંત વિવિધ પ્રકારની સ્પોર્ટ્સ એક્ટિવિટી માટેના બ્લોક વિકસાવવામાં આવનાર છે. આ માટે કુલ 12 ગાળાઓને ચાર અલગ-અલગ ભાગમાં વહેંચી વિવિધ રમતગમતની સુવિધાઓ ઊભી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ફ્લાયઓવરની નીચેના ગાળાઓમાં પાર્કિંગ સહિત ફૂડ ઝોન, ટોયલેટ બ્લોક, વેઇટિંગ અને સિટિંગ જેવી નાગરિક સુવિધાઓ વિકસાવવાની કામગીરી અંગે આયોજન કરવામાં આવ્યું છે.
મહાનગરપાલિકાના આયોજન મુજબ ભાગ-૧માં વાલ્કેશ્વરી એરિયા નજીકના ત્રણ ગાળાઓ, એટલે કે પી-05થી પી-06, પી-06થી પી-07 અને પી-07થી પી-08માં સ્પોર્ટ્સ એક્ટિવિટી બ્લોક વિકસાવાશે. તે જ રીતે ભાગ-2માં ગુરુદ્વારા સર્કલ નજીકના બે ગાળાઓ, પી-21થી પી-22 અને પી-22થી પી-23નો સમાવેશ કરવામાં આવ્યો છે.
ભાગ-૩માં અંબર સર્કલ નજીકના પાંચ ગાળાઓ પી-41થી પી-42, પી-42થી પી-43, પી-43થી પી-44, પી-44થી પી-45 અને પી-45થી પી-46માં વિવિધ સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે બ્લોક બનાવવાનું આયોજન છે. જ્યારે ભાગ-4માં ફોરેસ્ટ ઓફિસ નજીકના બે ગાળાઓ, પી-74થી પી-75 અને પી-75થી પી-76નો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ચારેય સ્થળોએ બોક્સ ક્રિકેટ, પિકલબોલ, બેડમિન્ટન, ઓપન જિમ સહિતની વિવિધ રમતગમત પ્રવૃત્તિઓ માટે જરૂરી માળખાકીય સુવિધાઓ ઊભી કરવાની દિશામાં પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આ સુવિધાઓ કાર્યરત થયા બાદ શહેરના યુવાનો, બાળકો તેમજ રમતપ્રેમીઓને શહેરના મધ્ય વિસ્તારમાં જ વિવિધ રમતો માટે નવી જગ્યા ઉપલબ્ધ થશે.
આ ઉપરાંત ફ્લાયઓવરની નીચે અલગ-અલગ ચાર સ્થળોએ ટોયલેટ બ્લોક બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે બે સ્થળોએ ફૂડ કોર્ટ વિકસાવવાની કામગીરી પણ આયોજન હેઠળ છે. આમ, ફ્લાયઓવરની નીચેનો વિસ્તાર માત્ર વાહન પાર્કિંગ પૂરતો મર્યાદિત ન રહે પરંતુ રમતગમત, મનોરંજન અને ખાણીપીણી સહિતની વિવિધ નાગરિક સુવિધાઓથી ધમધમતો બને તે દિશામાં મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ સમગ્ર આયોજનમાં જામનગર મહાનગરપાલિકાના કમિશનર દીપેશ કેડિયા, ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, આસીસ્ટન્ટ કમિશનર ભાવેશ જાની, પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ વિભાગના રાજીવ જાની તથા તેમની ટીમ દ્વારા જરૂરી વ્યવસ્થા અને આયોજન આગળ ધપાવવામાં આવી રહ્યું છે.
જામનગરમાં નિર્માણ પામેલો આ એલિવેટેડ ફ્લાયઓવર શહેરના મહત્વના ટ્રાફિક જંક્શનોને જોડે છે અને તેની નીચેના વિસ્તારોને પણ નાગરિકલક્ષી ઉપયોગમાં લેવાના આ આયોજનથી ફ્લાયઓવર માત્ર ટ્રાફિક વ્યવસ્થાના ઉકેલ પૂરતો નહીં રહે, પરંતુ શહેરના નાગરિકોને નવી સુવિધાઓ આપતું સ્થળ પણ બનશે.
આગામી સમયમાં કામગીરી પૂર્ણ થયા બાદ જામનગરવાસીઓને ફ્લાયઓવરની નીચે જ વિવિધ રમતગમતની પ્રવૃત્તિઓ માટે આધુનિક અને સુવિધાયુક્ત સ્થળો ઉપલબ્ધ થવાની સંભાવના છે.









