જામનગરમાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલા ત્રણેય આરોપી ત્રણ દિવસના રિમાન્ડ પર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar : જામનગર શહેરમાં રાજપાર્કથી અન્નપૂર્ણા ચોકડી તરફ જવાના માર્ગ પર શુક્રવારે મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં યુવાનના મોતનો બનાવ પૂર્વઆયોજિત હત્યાનું કાવતરું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. અગાઉ થયેલી બોલાચાલી અને મનદુઃખનો ખાર રાખીને થાર મોટરકાર વડે આઈ-20 કારને પાછળથી જોરદાર ટક્કર મારવામાં આવી હતી. આ બનાવમાં અફઝલ રહીમ ચાવડા નામના યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ત્રણ યુવાનો ઈજાગ્રસ્ત થયા હતા.
પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, ગત તા.29મીની રાત્રે ચાની હોટલ પાસે થાર મોટરકારમાં સવાર શખ્સો સામે સામસામે તાકીને જોવાના મામલે બોલાચાલી અને માથાકૂટ થઈ હતી. આ મનદુઃખનો ખાર રાખીને આરોપીઓએ શુક્રવારે મોડી રાત્રે સ્કૂટર પર રેકી કરી આઈ-20 કારનો પીછો કર્યો હતો. ત્યારબાદ અન્નપૂર્ણા ચોકડી નજીક થાર મોટરકાર વડે કારને પાછળથી જોરદાર ટક્કર મારવામાં આવી હતી. ટક્કરના કારણે આઈ-20 કાર આગળ પાર્ક કરેલી બસ સાથે અથડાઈ હતી, જેમાં અફઝલનું મોત નીપજ્યું હતું.
બનાવની જાણ થતાં સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન હત્યાના કાવતરામાં સંડોવાયેલા અને ઘટનાને અંજામ આપનારા મુખ્ય આરોપીઓ હાજી અયુબ ખફી તથા ઈમ્તિયાઝ ઈકબાલ ખફી અને રેકી કરવામાં મદદ કરનાર ખલીલ ઈસ્માઈલ કોરા ઉર્ફે બાઠીયાની ઓળખ બહાર આવી હતી.
પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ગુનામાં ઉપયોગમાં લેવાયેલાં બંને વાહનો સહિત કુલ રૂ.6,30,000ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપીઓને અદાલતમાં રજૂ કરવામાં આવતાં તમામ આરોપીના ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
મુખ્ય આરોપી હાજી અયુબ સામે અગાઉ વિવિધ પોલીસ મથકોમાં આશરે 16 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે.




