પાણીનો વેડફાટ અટકાવવા તંત્રની ચેતવણી : નિયમ ભંગ કરનાર સામે દંડનીય કાર્યવાહી કરાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Corporation : જામનગર શહેરના વોર્ડ નં.16માં મહાનગરપાલિકા કમિશનર દીપેશ કેડિયાએ કામગીરીનું જાત નિરીક્ષણ કરવા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. ચેકિંગ દરમિયાન જાહેરમાં કચરો ફેંકવામાં આવતો હોવાનું ધ્યાને આવતા કમિશનરે સ્થળ પર જ સંબંધિતોને કડક શબ્દોમાં તાકીદ કરી હતી. જાહેરમાં ગંદકી કરવાનું ટાળવા અને શહેરની સ્વચ્છતા જાળવવા નાગરિકોને અપીલ સાથે આગામી દિવસોમાં નિયમોનો ભંગ કરનાર સામે દંડનીય કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી હતી.
કમિશનર દીપેશ કેડિયા સાથે નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા સહિતના અધિકારીઓ તથા સંબંધિત શાખાના કર્મચારીઓ ચેકિંગમાં જોડાયા હતા. સમગ્ર વિસ્તારમાં સફાઈની કામગીરીનું નિરીક્ષણ કરી સફાઈ ટીમને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. કચરો તથા કાટમાળ તાત્કાલિક દૂર કરવા માટે પણ સંબંધિત ટીમને સૂચના આપવામાં આવી હતી.
ચેકિંગ દરમિયાન કમિશનરે સેનિટરી ઇન્સ્પેક્ટર તથા અન્ય કર્મચારીઓ પાસેથી વિસ્તારમાં ચાલી રહેલી સફાઈ કામગીરી અંગે માહિતી મેળવી હતી. તેમજ સ્થાનિક નાગરિકો સાથે વાતચીત કરી સફાઈ, કચરા સંગ્રહ અને અન્ય સમસ્યાઓ અંગેનો પ્રતિસાદ મેળવ્યો હતો.
આ ઉપરાંત નાગરિકોની રજૂઆતોનો ત્વરિત નિકાલ કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. પીવાના પાણીનો બિનજરૂરી વેડફાટ અટકાવવા પણ નાગરિકોને અપીલ કરવામાં આવી છે. પાણીનો વેડફાટ કે અન્ય નિયમોનો ભંગ કરનાર સામે આગામી દિવસોમાં નિયમ મુજબ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેવી તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી છે.




