ફ્રી ફાયર ગેમમાં સંપર્ક કેળવીને યુવક સગીરાને છેક આસામ ઉઠાવી ગયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર : મોબાઇલ ગેમ અને સોશિયલ મીડિયાના વધતા ઉપયોગ વચ્ચે બાળકો કોઈ ક્રિમિનલ માઈન્ડેડ શખ્સના સંપર્કમાં આવી જાય તો ક્યારેક અનહોની પણ શકે છે એવો ચેતવણીસૂચક કિસ્સો તાજેતરમાં બહાર આવ્યો છે. કાલાવાડ પંથકની એક બાળા ફ્રી-ફાયર વીડિયો ગેમ રમતી હતી તે દરમિયાન તેની સાથે સંપર્ક કેળવી એક યુવાન તેનું અપહરણ કરીને છેક આસામ લઈ ગયો હતો. વીસેક દિવસની જહેમત બાદ પોલીસે સીસીટીવી ફૂટેજ, હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે બાળાને છેક આસામના ગામડામાંથી મુક્ત કરાવી છે.
ગત તા. ૮ની સાંજે જામનગર એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતેથી આ સગીરાનું કોઈ અજાણ્યો શખસ લલચાવી-ફોસલાવી અપહરણ કરી ગયો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ બનાવ અંગે જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરનાં નેતૃત્વમાં જુદી જુદી ટીમો દ્વારા અલગ-અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
અપહૃત સગીરા આસામ રાજ્યના બોંગાઈગાંવ જિલ્લાના જોગીઘોપા ગામે હોવાની માહિતી મળતાં ઇન્સ્પેક્ટર વી.એમ. ડોડીયાએ સબ ઇન્સ્પેક્ટર વી.આર. ધોરીયાની ટીમને આસામ મોકલી હતી. પોલીસે ત્યાંથી સગીરાને મુક્ત કરાવી તેના માતા-પિતાને સોંપી હતી.
આરોપીને ઝડપી લઈ પોક્સો હેઠળ કાર્યવાહી
જામનગર પોલીસની ટીમના કોન્સ્ટેબલ ભગીરથસિંહ જાડેજાની તપાસમાં બહાર આવ્યું કે સગીરા મોબાઇલ ફોનમાં ફ્રી ફાયર વીડિયો ગેમ રમતી હતી અને આ ગેમમાં એક અજાણ્યા શખસે આઈડી બનાવી તેની સાથે રમવાનું શરૂ કર્યા બાદ ગેમમાં મેસેજ મારફતે વાતચીત કરી સગીરાનો મોબાઇલ નંબર મેળવી ફોન દ્વારા સંપર્ક વધારી તેને લલચાવી-ફોસલાવી છેક આસામ લઈ ગયો છે. પોલીસે ત્યાં પહોંચીને સઘન તપાસ હાથ ધરતાં અપહૃત સગીરા આરોપી પ્રદ્યુત કાર્તિક ચૌધરી (ઉંમર ૨૪, રહે. જોગીઘોપા, જિલ્લો બોંગાઈગાંવ, આસામ) સાથે મળી આવી હતી. આરોપી સામે પોક્સો કાયદાની વિવિધ કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.




