ભીના પોતા પર ચંપલ પહેરી ચાલવા બાબતે પતિ પત્ની વચ્ચે બોલાચાલી બાદ પરિણીતાએ જીવન ટૂંકાવી લેતા અરેરાટી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar News : જામનગરના સેનાનગર વિસ્તારમાં આશાપુરા દુકાનની બાજુમાં રહેતી 26 વર્ષીય પરિણીતાએ પતિ સાથે થયેલા મનદુઃખ બાદ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં સીટી-સી પોલીસમાં અકસ્માતે મોતની નોંધ કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા મુજબ, કોમલબેન આકાશ કાલીરમણ (ઉંમર 26) તા.21 સપ્ટેમ્બરના સાંજના સમયે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો. બનાવ અંગે તેમના પતિ આકાશ સુરજમલ કાલીરમણ (ઉંમર 27)એ જાણ કરતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાથમિક વિગતો મુજબ, કોમલબેન ઘરે કચરા-પોતા કરી રહ્યા હતા ત્યારે તેમના પતિ ભીના પોતા ઉપર ચંપલ પહેરીને ચાલતાં હતા. આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. મનદુઃખ થતાં પતિ બપોરે જમ્યા વગર નોકરી પર જતા રહ્યા હતા. કોમલબેને તેમને જમવાનું કહેતાં પણ તેમણે જમવાનું લીધું ન હતું. સાંજે નોકરી પરથી પરત આવ્યા બાદ પણ બંને વચ્ચે વાતચીત થઈ ન હતી.
આ સમગ્ર બાબતનું મનમાં લાગી આવતાં કોમલબેને પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું પોલીસમાં જાહેર કરાયું છે.
આ અંગે સીટી-સી પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 194 મુજબ નોંધ કરવામાં આવી છે.




