Jamnagar

જામનગરમાં બે મિત્રો વચ્ચે પડી તકરાર : એક મિત્રએ પાઇપ અને છરીથી હુમલો કરતાં યુવકને ચાર ટાંકા લેવા પડ્યા

By GS Team
10 Aug 20262 mins read
TukuTouch Logo
જામનગરમાં મિત્રની પત્નીએ પતિના નશા અંગે પૂછતાં, તે વાત મિત્રને કહેનાર યુવક પર હુમલો થયો. તિરૂપતિ પાર્ક-2માં રહેતા રીજવાનખાન પઠાણ (ઉં.વ.28) દૂધ લેવા ગયા ત્યારે મિત્ર સોહીલ પતાણીએ ગાળો બોલી ઝઘડો કર્યો. સોહીલે પાઇપ અને છરી વડે હુમલો કરતાં રીજવાનખાનને ઇજા થઈ. સોહીલે "તું મારું ઘર તોડાવવા માંગે છે" કહી જાનથી મારી નાખવાની ધમકી આપી. પોલીસે સોહીલ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં બે મિત્રો વચ્ચે પડી તકરાર : એક મિત્રએ પાઇપ અને છરીથી હુમલો કરતાં યુવકને ચાર ટાંકા લેવા પડ્યા

Jamnagar Crime : જામનગરમાં મિત્રની પત્નીએ પતિ નશો કરે છે કે કેમ તે અંગે પૂછતાં તેની જાણ મિત્રને કરનાર યુવક પર હુમલો થયાની ઘટના સામે આવી છે. તીરૂપતિ પાર્ક-2માં રહેતા રીજવાનખાન ઇસરારખાન પઠાણ (ઉં.વ.28) ગત તા.8 ઓગસ્ટની રાત્રે સાડા દસ વાગ્યાના અરસામાં તીરૂપતિ સોસાયટી-2માં આઇશ્રી ખોડિયાર દુકાને દૂધ લેવા ગયા હતા. ત્યારે ત્યાં તેમના મિત્ર સોહીલ હાજીભાઇ પતાણી આવી ગાળો બોલી ઝઘડો કરવા લાગ્યો હતો.
ફરિયાદ મુજબ સોહીલના હાથમાં રહેલા પાઇપ વડે રીજવાનખાનને શરીરે આડેધડ માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ સોહીલે છરી કાઢીને હુમલો કરતાં છરી રીજવાનખાનના જમણા પડખામાં વાગી હતી. ઇજાગ્રસ્તને તેમના નાના ભાઇ અબરારે મોટરસાઇકલ પર જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. સારવાર દરમિયાન જમણા પડખાની ઇજામાં ચાર ટાંકા આવ્યા હતા, જ્યારે શરીર પર મુંઢ ઇજાઓ પણ થઇ હતી.
ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ સોહીલે ‘તું મારા ઘરમાં શું કામ દખલગીરી કરે છે? હવે પછી આમ કરીશ તો તને જાનથી મારી નાખીશ’ તેવી ધમકી આપી હતી. બનાવનું કારણ એવું જણાવાયું છે કે સોહીલની પત્નીએ રીજવાનખાનને ફોન કરીને સોહીલ નશો કરે છે કે કેમ તે અંગે પૂછ્યું હતું. આ અંગે રીજવાનખાને સોહીલને તેની પત્નીને તેના પર શંકા હોવાનું જણાવ્યું હતું. આ બાબતે સોહીલ રીજવાનખાન ઉપર ખોટી શંકા કરવા લાગ્યો હતો અને ‘તું મારું ઘર તોડાવવા માંગે છે’ કહી હુમલો કર્યો હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
આ અંગે રીજવાનખાન પઠાણની ફરિયાદના આધારે સોહીલ હાજીભાઇ પતાણી (રહે. ઢીચડા, જામનગર) વિરુદ્ધ હથિયારબંધી જાહેરનામાના ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.