જામનગરના જામજોધપુરમાં રહેતા 70 વર્ષના વૃદ્ધ પર જમાઈ સહિત ચારનો હુમલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Crime : જામજોધપુરમાં દીકરીના છૂટાછેડા અને સમાધાનના મુદ્દે થયેલી બોલાચાલીમાં જમાઈ સહિત ચાર શખ્સોએ 70 વર્ષના વૃદ્ધ સાથે ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર માર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે.
જામજોધપુરના ધ્રાફા ફાટક નજીક બાગબાન સોસાયટીમાં રહેતા 70 વર્ષીય જમનભાઈ કાનજીભાઈ ગામીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની દીકરી હીનાબેન શિક્ષિકા તરીકે દરેડ ખાતે નોકરી કરે છે અને છેલ્લા બે-અઢી વર્ષથી પોતાના પતિ રાજેશભાઈ ગોરધનભાઈ ગોરથી અલગ રહે છે. દીકરીના સંતાનોની સારસંભાળ રાખવા જમનભાઈ તથા તેમની પત્ની દીકરીના મકાનમાં રહે છે.
ફરિયાદ મુજબ, બનાવના દિવસે સવારે સાડા દસેક વાગ્યે જમનભાઈ અને તેમની પત્ની ઘરે હાજર હતા ત્યારે તેમના જમાઈ રાજેશભાઈ ગોર, કીરીટભાઈ ગોર, નર્મદાબેન તથા કીરીટભાઈના પત્ની એવા એક અજાણ્યા નામની મહિલાસહિત ચાર જણા ઘરે આવ્યા હતા. દીકરી સાથે સમાધાન અંગે વાતચીત કરવા આવ્યા હોવાનું જણાવતાં જમનભાઈએ સમાધાન અંગે વાત કરવી ન હોવાથી તેમને ઘરેથી બહાર નીકળી જવા કહ્યું હતું.
આથી ચારેય ઉશ્કેરાઈ ગયા હતા. રાજેશભાઈએ જમનભાઈનો કાઠલો પકડી તેમને ઘરની બહાર રોડ પર લઈ ગયા હતા. દરમિયાન કીરીટભાઈએ દરવાજા પાસે પડેલી વાંસની લાકડી લઈને જમનભાઈના ડાબા ખભા પર ફટકો માર્યો હતો. ત્યારબાદ નર્મદાબેન તથા કીરીટભાઈની પત્નીએ તેમને જમીન પર પાડી દેતાં ચારેયે ભેગા મળી ઢીકાપાટુ અને લાતો મારી હતી તથા ગાળો આપી હતી.
બૂમાબૂમ થતા જમનભાઈની પત્નીએ કીરીટભાઈ પાસેથી લાકડી ઝૂંટવી લીધી હતી. પાડોશમાં રહેતા દક્ષાબેન પણ છોડાવવા માટે આવતા ચારેય શખ્સો ત્યાંથી ચાલ્યા ગયા હતા. જતા સમયે રાજેશભાઈએ છૂટાછેડા નહીં આપો અથવા સમાધાન નહીં કરો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
હુમલામાં જમનભાઈના ડાબા ખભામાં ઈજા થતાં તેમને જામજોધપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. તબીબે સામાન્ય ઈજા હોવાનું જણાવી દવા આપી રજા આપી હતી. બનાવ અંગે જમનભાઈએ રાજેશભાઈ ગોરધનભાઈ ગોર, કીરીટભાઈ ગોરધનભાઈ ગોર, નર્મદાબેન ગોર તથા કીરીટભાઈની પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




