World

ડૉનાલ્ડ ટ્રમ્પ અને પુતિન સાથે મળીને કોઈ ખેલ ન પાડી દે 30 દેશો સાથે ઝેલેન્સ્કીની અર્જન્ટ મીટીંગ

By GS TEAM
11 Dec 20252 mins read
ડૉનાલ્ડ ટ્રમ્પ અને પુતિન સાથે મળીને કોઈ ખેલ ન પાડી દે 30 દેશો સાથે ઝેલેન્સ્કીની અર્જન્ટ મીટીંગ

- રશિયા સાથેની સમજૂતી માટે ટ્રમ્પ કહે છે કે, અમારે અમારી કેટલીક ભૂમિ છોડી દેવી જોઈએ પણ તે હરગીઝ નહી બને

કીવ : રશિયા સાથે સમજૂતી કરવા માટે ડૉનાલ્ડ ટ્રમ્પ યુક્રેનની કેટલીક ભૂમિ છોડી દેવા ઝેલેન્સ્કી ઉપર દબાણ કરી રહ્યા છે તે સંજોગોમાં યુક્રેની પ્રમુખે કહ્યું હતું કે, 'તે હરગીઝ નહીં બને.'

યુક્રેન માટે યુરોપીય સમર્થન મેળવવા ઝેલેન્સ્કીએ યુરોપના ૩૦ દેશોના રાજદૂતો કે પ્રતિનિધિઓ સાથે એક અર્જન્ટ વિડિયો લિંક મીટીંગ યોજી કહ્યું હતુ કે, તેઓ આ યુદ્ધ એટલા માટે લડી રહ્યા છે કે પોતાની જરા પણ જમીન રશિયાને આપવા માગતા નથી.

આ બેઠકમાં જર્મની, બ્રિટન અને ફ્રાંસ સહિત યુક્રેનના કેટલાયે સમર્થક દેશો સાથે વિડિયો લિન્ક મીટીંગ યોજી હતી તે મીટીંગને 'કોઓલિએશન ઓફ ધ વિલિંગ' તેવું નામ અપાયું. ઝેલેન્સ્કીએ સંકેત આપ્યો હતો કે, આ વાતચીત ઉતાવળમાં યોજવામાં આવી છે. કારણ કે, ટ્રમ્પનું દબાણ વધી રહ્યું છે.

જાણકારો જણાવે છે કે, યુક્રેનના અધિકારીઓ ટ્રમ્પના આ દબાણમાંથી કોઈ માર્ગ શોધવા પ્રયત્નો કરી રહ્યા છે.

આ પૂર્વે ટ્રમ્પે બુધવારે કહ્યું હતું કે, તેમણે યુરોપીય નેતાઓએ ફોન ઉપર ઘણા કડક શબ્દોમાં ચર્ચા કરી હતી. તેઓએ કહ્યું હતું કે, ઝેલેન્સ્કીએ 'શાંતિ યોજના' અંગે પોતાના દેશની સ્થિતિ માટે 'યથાર્થવાદી' થવું જોઈએ અને યુક્રેનનો કેટલોક પ્રદેશ રશિયાને સોંપી દેવો જોઈએ.

અમેરિકાએ તાજેતરમાં શાંતિ માટે રજૂ કરેલા પ્રસ્તાવમાં 'ડોન બાસ' સહિત કેટલોએ પ્રદેશ છોડવા યુક્રેનને જણાવવામાં આવ્યું છે. અમેરિકાએ ક્રીમીયા સહિત તે વિસ્તારો રશિયાના હોવાને માન્યતા આપી છે પરંતુ યુક્રેનને તે મંજૂર નથી. ટ્રમ્પ તે સ્વીકારવા યુક્રેન પર દબાણ કરે છે. ત્યારે ઝેલેન્સ્કી પોતાના યુરોપીય સાથીઓની શરણમાં છે, તેમની સાથે મંત્રણા કરી રહ્યા છે.