Yemen enter In War : અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલું સૈન્ય સંઘર્ષ હવે ખતરનાક રીતે વકરી રહ્યો છે. આ જંગમાં હવે યમનના ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓની એન્ટ્રી થઈ છે. શનિવારે વહેલી સવારે હૂતીઓએ દક્ષિણ ઈઝરાયલને નિશાન બનાવીને બેલેસ્ટિક મિસાઇલ હુમલો કર્યો હતો, જેના કારણે સમગ્ર ઈઝરાયલમાં હાઇ-ઍલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
પરમાણુ મથક પાસે હાહાકાર
ઈઝરાયલી મીડિયાના અહેવાલો મુજબ, યમનથી છોડાયેલી મિસાઇલને કારણે દક્ષિણ ઈઝરાયલના બીરશેબા (Beer Sheba) શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં જોરદાર સાયરન વાગવા લાગી હતી. સૌથી ગંભીર બાબત એ છે કે ઈઝરાયલનું મુખ્ય પરમાણુ અનુસંધાન કેન્દ્ર (Nuclear Research Center) પણ આ વિસ્તારની નજીક આવેલું છે, જેને કારણે પરમાણુ સુરક્ષાને લઈને ચિંતાઓ વધી ગઈ છે.
હૂતીઓનો પ્રથમ સીધો પ્રહાર
વર્તમાન સંઘર્ષની શરૂઆતથી અત્યાર સુધી હૂતીઓ મુખ્યત્ત્વે રાતા સમુદ્રમાં જહાજોને નિશાન બનાવતા હતા, પરંતુ ઈઝરાયલની જમીન પર સીધો બેલેસ્ટિક મિસાઇલ હુમલો કરવાની આ પ્રથમ ઘટના છે. ઈઝરાયલી સેના (IDF)એ પુષ્ટિ કરી છે કે તેઓએ યમનથી આવી રહેલી મિસાઇલની ઓળખ કરી લીધી છે અને તેને તોડી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
રાતભર હુમલાનો મારો
શનિવારે માત્ર યમન જ નહીં, પણ ઈરાન અને લેબેનૉન તરફથી હિઝબુલ્લાહ દ્વારા પણ ઈઝરાયલ પર સતત હુમલા કરવામાં આવ્યા હતા. પૂરી રાત ઈઝરાયલના આકાશમાં મિસાઇલો અને ડ્રોન જોવા મળ્યા હતા. ઈઝરાયલની એર ડિફેન્સ સિસ્ટમ આ હુમલાઓને રોકવા માટે સતત કાર્યરત છે.
અમેરિકાની કડક પ્રતિક્રિયા
બીજી તરફ, અમેરિકાએ પણ આ ઘટનાને ગંભીરતાથી લીધી છે. અમેરિકન ઉપરાષ્ટ્રપતિએ ઈઝરાયલના વડાપ્રધાન સાથે વાતચીત કરી છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. જોકે, હૂતીઓની આ એન્ટ્રી બાદ અમેરિકા હવે યમન સ્થિત હૂતીઓના ઠેકાણાઓ પર ફરીથી મોટા પાયે બોમ્બમારો કરે તેવી શક્યતા છે.


