World

BRICS સમિટ: 7 વર્ષ બાદ ભારત આવશે શી જિનપિંગ; પુતિન-પેઝેશ્કિયાન પણ બનશે મહેમાન, 30 હજાર જવાનો ખડેપગે

By GS Team
10 Sep 20264 mins read
TukuTouch Logo
ચીનના પ્રમુખ શી જિનપિંગ 7 વર્ષ બાદ વડાપ્રધાન મોદીના આમંત્રણથી 12-13 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં BRICS સમિટમાં ભાગ લેશે. 12 સપ્ટેમ્બરે મોદી સાથે દ્વિપક્ષીય બેઠકની શક્યતા છે. ગલવાન સંઘર્ષ બાદ આ પ્રથમ મુલાકાત છે. સરહદી વિવાદ, વેપાર અને સુરક્ષા પર ચર્ચા થશે. દિલ્હીમાં 30,000 સુરક્ષાકર્મીઓ તૈનાત કરાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

BRICS સમિટ: 7 વર્ષ બાદ ભારત આવશે શી જિનપિંગ; પુતિન-પેઝેશ્કિયાન પણ બનશે મહેમાન, 30 હજાર જવાનો ખડેપગે

Xi Jinping India Visit 2026: Modi Bilateral Talks | ગલવાન સંઘર્ષ બાદ ભારત અને ચીન વચ્ચેના સંબંધો વચ્ચે જે તિરાડ પડી હતી તે બાદ હવે બ્રિક્સ સમિટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિમંત્રણ પર ચીનના પ્રમુખ શી જિનપિંગ સાત વર્ષ પછી ભારતની મુલાકાતે આવી રહ્યા છે.

ભારતની મુલાકાતે ચીનના પ્રમુખ શી જિનપિંગ
ચીનના વિદેશ મંત્રાલયે આજે સત્તાવાર જાહેરાત કરી છે કે શી જિનપિંગ 12 અને 13 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં યોજાનારી 18મી BRICS સમિટમાં ભાગ લેશે.

આટલું જ નહીં બ્રિક્સ સમિટની સાથે 12 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ચીનના પ્રમુખ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાય તેવી પણ પ્રબળ શક્યતાઓ છે. નોંધનીય છે કે આ અગાઉ કિર્ગિસ્તાનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ દરમિયાન બંને દેશના વડાઓએ મંચ શેર કરીને હાથ મિલાવ્યા હતા, પરંતુ કોઈ સત્તાવાર દ્વિપક્ષીય બેઠક થઈ નહોતી. તે ઉપરાંત ઓક્ટોબર 2024માં રશિયાના કઝાન ખાતે BRICS સમિટ દરમિયાન બંને વચ્ચે મુલાકાત થઈ હતી.

અગાઉ ક્યારે ક્યારે ભારત આવ્યા હતા જિનપિંગ?

શી જિનપિંગનો આ ભારત પ્રવાસ 2019 પછીનો પ્રથમ પ્રવાસ છે. 2019માં તેઓ ચેન્નાઈ નજીક મામલ્લાપુરમ ખાતે વડાપ્રધાન મોદી સાથે સમિટ માટે આવ્યા હતા. અગાઉ, તેઓ 2014માં બંને નેતાઓના પ્રથમ કાર્યકાળ દરમિયાન ભારત આવ્યા હતા અને ત્યારબાદ 2016માં ગોવા ખાતે યોજાયેલી BRICS સમિટમાં ભાગ લીધો હતો.

ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ

વર્ષ 2020 ના જૂન મહિનામાં ગલવાન ઘાટીમાં થયેલા લોહિયાળ સંઘર્ષમાં ભારતના 20 જવાનો વીરગતિ પામ્યા હતા, ત્યારથી સરહદ પર તણાવપૂર્ણ સ્થિતિ હતી. જોકે, બંને પક્ષોએ લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પરના વિવાદિત પોઇન્ટ્સ પરથી સૈનિકોને પાછા ખેંચીને પરિસ્થિતિ સ્થિર કરવાનો પ્રયાસ કર્યો છે, છતાં સમગ્ર સીમા વિવાદ હજુ વણઉકેલાયેલો છે.

NSA ડોભાલ હાલમાં જ ચીનના પ્રવાસે ગયા હતા

આ મુલાકાત પહેલાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ઉચ્ચ સ્તરીય ચર્ચા માટે ચીનનો પ્રવાસ કર્યો હતો. સરહદ સંબંધી બાબતો માટેની 'વર્કિંગ મિકેનિઝમ ફોર કન્સલ્ટેશન એન્ડ કોઓર્ડિનેશન' (WMCC) અને બંને દેશોના વિશેષ પ્રતિનિધિઓ વચ્ચે બેઠકોનો દોર ચાલ્યો હતો. આ આગામી બેઠકમાં સરહદી સમસ્યા, પ્રાદેશિક સુરક્ષા, વેપાર અને રોકાણ, લોકો વચ્ચેના આદાન-પ્રદાન તેમજ LAC પર તણાવ અટકાવવાની કાયમી વ્યવસ્થાઓ પર ચર્ચા થઈ શકે છે. પશ્ચિમ એશિયામાં અસ્થિરતા, અમેરિકાના ટેરિફ પગલાં અને રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ભારત અને ચીનનું સાથે આવવું વૈશ્વિક સ્તરે અત્યંત અગત્યનું છે.

દિલ્હીમાં 30000 સુરક્ષાકર્મીઓનો બંદોબસ્ત

વૈશ્વિક નેતાઓના આગમનને ધ્યાનમાં રાખીને રાજધાની દિલ્હીમાં અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એરપોર્ટ, હોટલો અને મુખ્ય કાર્યક્રમ સ્થળ 'ભારત મંડપમ' ખાતે આશરે 30,000 જેટલા સુરક્ષાકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા છે, જેમાં અડધા દિલ્હી પોલીસના અને બાકીના અર્ધલશ્કરી દળોના જવાનો છે.

ચીન અને રશિયાના બોડીગાર્ડ્સ પણ દિલ્હી પહોંચ્યા

ચીન અને રશિયાની પોતાની એડવાન્સ સુરક્ષા ટીમો અત્યાધુનિક હથિયારો અને ઉપકરણો સાથે દિલ્હી આવી પહોંચી છે. આ ટીમો નેતાઓ જે હોટલમાં રોકાવાના છે તેના ગ્રાઉન્ડ ફ્લોર, રૂફટોપ અને પ્રમુખોના રૂમવાળા માળ પર તહેનાત થઈ ચૂકી છે.

કર્મચારીઓની તપાસ:
દિલ્હી પોલીસ દ્વારા હોટલના પ્રત્યેક કર્મચારીનું બેકગ્રાઉન્ડ વેરિફિકેશન કરવામાં આવ્યું છે, જેમાં દિલ્હી તેમજ તેમના મૂળ રાજ્યોમાંથી રેકોર્ડ તપાસવામાં આવ્યા છે.

સ્પેશિયલ સેલની દેખરેખ:
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની સુરક્ષા વ્યવસ્થા દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને સોંપવામાં આવી છે. જ્યારે રશિયન પ્રમુખ જે હોટલમાં રોકાશે ત્યાં એક એડિશનલ ડીસીપી અને બે એસીપી અલગ-અલગ શિફ્ટમાં ખડેપગે રહેશે.

પુતિન અને જિનપિંગ પોતાનો કાફલો પણ સાથે લઈને આવશે ભારત
રશિયા અને ચીન બંને દેશોના રાષ્ટ્રપતિઓ પોતાના વિશેષ વિમાનો દ્વારા પોતાના સુરક્ષા વાહનો અને કાફલાની લક્ઝરી કાર્સ સાથે લાવશે. મુલાકાતી પ્રતિનિધિમંડળોમાં આ બંને દેશોનો કાફલો સૌથી વિશાળ હશે.

દિલ્હીની લક્ઝરી હોટલોમાં વૈશ્વિક નેતાઓનું આવાસ વિતરણ
સુરક્ષા અને પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને તમામ વિદેશી મહાનુભાવોને ચાણક્યપુરી અને નવી દિલ્હીની અલગ-અલગ હોટલોમાં રોકાણ ફાળવવામાં આવ્યું છે. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન 11 સપ્ટેમ્બરે પહોંચશે, જ્યારે ચીનના પ્રમુખ શી જિનપિંગ 12 સપ્ટેમ્બરે પાલમ એરફોર્સ સ્ટેશન ખાતે ઉતરાણ કરશે.

'ભારત મંડપમ' ખાતે કાફલાનું આગમન અને ટ્રાફિક રિહર્સલ

  • શનિવારનું શિડ્યુલ:
    તમામ રાષ્ટ્રાધ્યક્ષો અને સરકારના વડાઓ બપોરે દોઢથી સવા બે વાગ્યા દરમિયાન ભારત મંડપમ પહોંચશે.
  • રવિવારનું શિડ્યુલ:
    બીજા દિવસે સવારે 8.50 થી 9.25 વાગ્યાની વચ્ચે મહાનુભાવો સ્થળ પર પહોંચશે.
  • પ્રોટોકોલ સિક્વન્સ:
    યુએઈ (UAE)ના ક્રાઉન પ્રિન્સ બંને દિવસે સ્થળ પર પહોંચનારા સૌપ્રથમ નેતા હશે. જ્યારે ચીનના રાષ્ટ્રપતિ બાદ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સૌથી છેલ્લે ભારત મંડપમમાં પ્રવેશ કરશે.

ટ્રાફિક પોલીસે ભારત મંડપમ તરફ જતા તમામ વીઆઈપી રૂટ્સનું સુરક્ષા આયોજન પૂર્ણ કરી લીધું છે અને તેના માટે અગાઉથી કેટલાક રૂટ રિહર્સલ પણ સફળતાપૂર્વક કરી લેવામાં આવ્યા છે.