World

મસ્કની ‘અમેરિકા પાર્ટી’ 2026ની વચગાળાની ચૂંટણીમાં ચમત્કાર કરી શકશે? જાણો શું છે આ પક્ષનું લક્ષ્ય

By GS TEAM
7 Jul 20254 mins read
TukuTouch Logo
ટેસ્લા અને સ્પેસએક્સ જેવી ધરખમ કંપનીઓના માલિક ઈલોન મસ્કે અમેરિકાના રાજકારણમાં જાણે ભૂકંપ લાવવાના પ્રયાસ હાથ ધર્યા છે. હાલમાં જ તેમણે ‘અમેરિકા પાર્ટી’ નામે એક સ્વતંત્ર રાજકીય પક્ષ રચ્યો છે, જેનો હેતુ 2026ની યુએસ કોંગ્રેસની વચગાળાની ચૂંટણીઓમાં પસંદગીની બેઠકો પર ભાંગફોડ કરવાનો છે. હવે લાખ રૂપિયાનો સવાલ એ કે શું મસ્ક સદીઓથી જામી પડેલી, અબજોપતિ-સમર્થિત રિપબ્લિકન અને ડેમોક્રેટિક પાર્ટીના ગઢના કાંગરા ખેરવવામાં સફળ થશે ખરા?

Summarized by AI; it may make mistakes. Check important info

મસ્કની ‘અમેરિકા પાર્ટી’ 2026ની વચગાળાની ચૂંટણીમાં ચમત્કાર કરી શકશે? જાણો શું છે આ પક્ષનું લક્ષ્ય

Elon Musk America Party : ટેસ્લા અને સ્પેસએક્સ જેવી ધરખમ કંપનીઓના માલિક ઈલોન મસ્કે અમેરિકાના રાજકારણમાં જાણે ભૂકંપ લાવવાના પ્રયાસ હાથ ધર્યા છે. હાલમાં જ તેમણે ‘અમેરિકા પાર્ટી’ નામે એક સ્વતંત્ર રાજકીય પક્ષ રચ્યો છે, જેનો હેતુ 2026ની યુએસ કોંગ્રેસની વચગાળાની ચૂંટણીઓમાં પસંદગીની બેઠકો પર ભાંગફોડ કરવાનો છે. હવે લાખ રૂપિયાનો સવાલ એ કે શું મસ્ક સદીઓથી જામી પડેલી, અબજોપતિ-સમર્થિત રિપબ્લિકન અને ડેમોક્રેટિક પાર્ટીના ગઢના કાંગરા ખેરવવામાં સફળ થશે ખરા?

‘યુનિપાર્ટી’ વિરુદ્ધ યુદ્ધની જાહેરાત 

6 જુલાઈએ તેમની માલિકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મસ્કે આ નવા પક્ષ ‘અમેરિકા પાર્ટી’ની જાહેરાત કરી હતી. તેમણે અમેરિકાની દ્વિપક્ષીય સિસ્ટમ પ્રણાલી (ડેમોક્રેટ અને રિપબ્લિકન)ને ભ્રષ્ટ અને સ્થાપિત તંત્ર ગણાવીને તેને ‘યુનિપાર્ટી’ કહી હતી. મસ્કના મતે, અમેરિકામાં સામાન્ય લોકોની ઈચ્છાઓનું દમન થતું રહે છે અને વાસ્તવમાં દેશમાં લોકશાહી રહી જ નથી, પણ એક ‘ગઠબંધનશાહી’ પ્રવર્તી રહી છે. 

આ પણ વાંચો: ટેક્સાસમાં વિનાશક પૂરે હોનારત સર્જી, 81ના મોત, હજુ 41થી વધુ ગુમ, 1700થી વધુ ટીમ તહેનાત

લોકશાહીને જીવંત બનાવવાનું મસ્કનું મિશન 

મસ્કે કહે છે કે, ‘મારા પક્ષનો હેતુ નાગરિકોને ફરી એકવાર સ્વતંત્રતા આપવાનો અને વર્તમાન સરકારી તંત્રને પડકારવાનો છે, એવું તંત્ર જેની કામગીરી નિષ્ફળ છે અને જે કરદાતાના પૈસાની બરબાદી કરે છે.’

આ નવી રાજકીય ઝુંબેશ મસ્ક અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેના મતભેદને પરિણામે સર્જાઈ છે. ટ્રમ્પે વહીવટીખર્ચ બચાવવા માટે ‘સરકારી કાર્યક્ષમતા વિભાગ’ (ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિસિઅન્સી- DOGE) બનાવીને તેનું નેતૃત્વ મસ્કને સોંપ્યું હતું. જો કે DOGEની કામગીરીને માથે માછલાં ધોવાતાં મસ્કે એ પદ છોડી દીધું હતું. ત્યાર પછી મસ્ક ટ્રમ્પ વિરુદ્ધ બોલવા લાગ્યા હતા. 

તાજેતરના બજેટ કાયદા અંગે મસ્કે જાહેરમાં ટ્રમ્પની ટીકા કરી હતી. મસ્ક માને છે કે ટ્રમ્પનો આ નિર્ણય આર્થિક દ્રષ્ટિએ ખૂબ નુકસાનકારક છે. સામે પક્ષે ટ્રમ્પે પણ મસ્ક પર પ્રહાર કરીને કહ્યું હતું કે, ‘અમેરિકા સબસિડી નહીં આપે તો મસ્કે તેના વતન દક્ષિણ આફ્રિકા ભાગી જવું પડશે.’

મસ્કનો ટાર્ગેટેડ એપ્રોચ, નાની બેઠકો, મોટું પરિણામ

મસ્ક અમેરિકામાં રાજકીય પક્ષ સ્થાપીને પરંપરાગત પાર્ટીઓની જેમ તમામ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખવાને બદલે ચોક્કસ વ્યૂહનીતિ અપનાવશે. મસ્ક વર્ષ 2026ની ચૂંટણીમાં માત્ર 2-3 સેનેટ બેઠકો અને 8-10 હાઉસ ડિસ્ટ્રિક્ટને લક્ષ્ય બનાવશે. આ માટે મસ્કે ઐતિહાસિક ગ્રીક લશ્કરી યુક્તિનું ઉદાહરણ આપીને કહ્યું હતું કે, જે રીતે લ્યુક્ટ્રાના યુદ્ધમાં સ્પાર્ટન લશ્કરના વર્ચસ્વને તોડવામાં માટે એપામિનોન્ડાસે ચોક્કસ સ્થાન પર પ્રહાર કર્યા હતા, એ જ રીતે આપણે પણ અમેરિકન રાજકારણની સિસ્ટમને ચોક્કસ સ્થાને બળ લગાવીને તેને તોડવા જઈ રહ્યા છીએ. 

અમેરિકામાં ત્રીજી પાર્ટી ક્યારેય ફાવી છે ખરી? 

ડેમોક્રેટિક અને રિપબ્લિકન સિવાય ત્રીજી પાર્ટી અમેરિકામાં ક્યારેય ફાવી નથી. ત્યાં ‘લિબર્ટેરિયન પાર્ટી’ જેવી પાર્ટીઓ છે ખરી, પણ એણે ક્યારેય નોંધપાત્ર રાજકીય સફળતા મેળવી નથી. ત્રીજી પાર્ટીએ છેલ્લે મેળવેલી જીતની વાત કરીએ તો વર્ષ 1998 માં ‘રિફોર્મ પાર્ટી’ના જેસી વેન્ચુરા મિનેસોટાના ગવર્નર બન્યા હતા. વર્તમાન કોંગ્રેસમાં ફક્ત બે સ્વતંત્ર નેતા પદ સંભાળે છે: વર્મોન્ટના યુએસ સેનેટર બર્ની સેન્ડર્સ અને મેઈનના એંગસ કિંગ. અમેરિકામાં રાષ્ટ્રીય સ્તરે નવો પક્ષ બનાવવા માટે નોંધપાત્ર પ્રક્રિયાગત અવરોધો પાર કરવા પડે છે અને એમાં પુષ્કળ નાણાં જોઈએ છે, જેને લીધે ત્રીજી કોઈ પાર્ટી રાષ્ટ્રીય સ્તરે આજ સુધી ગાજી શકી નથી.

ઈલોન મસ્ક અમેરિકાના પ્રમુખ બની શકે?

મસ્કની સંપત્તિ અને પહોંચ હોવા છતાં તેઓ અમેરિકાના પ્રમુખ બની શકે એમ નથી. કારણ કે, આ હોદ્દે બેસવા માટેની પ્રાથમિક શરત એ છે કે, અમેરિકન પ્રમુખ અમેરિકામાં જ જન્મ્યા હોવા જોઈએ અને મસ્કનો જન્મ દક્ષિણ આફ્રિકામાં થયો હતો. તેથી એમ કહી શકાય કે મસ્કની ‘અમેરિકા પાર્ટી’ ત્રીજા પક્ષ તરીકે ઉભરી આવે અને જીતી જાય તો પણ મસ્કે અમેરિકાના પ્રમુખ કોઈ બીજાને જ બનાવવા પડે. 

આ પણ વાંચો: VIDEO : પાકિસ્તાનમાં ભારે વરસાદ અને વિનાશક પૂરે સર્જી હોનારત, 72 લોકોના મોત, જનજીવન અસ્તવ્યસ્ત

ટ્રમ્પે મસ્કના રાજકીય પક્ષ વિશે શું પ્રતિક્રિયા આપી?

મસ્કની રાજકીય મહત્ત્વાકાંક્ષાઓને ગંભીરતાથી ન લેતાં ટ્રમ્પે કહ્યું હતું, ‘ત્રીજી પાર્ટીની રચના કરવી હાસ્યાસ્પદ છે, કેમ કે ત્રીજી પાર્ટી અમેરિકામાં ક્યારેય સફળ નથી થઈ. મસ્કને નવી પાર્ટી બનાવવાની મજા લેવા દો.’

મસ્કને લાખો લોકોએ આપ્યું સમર્થન 

અમેરિકનો પોતાના ટેકામાં છે એ સાબિત કરવા માટે મસ્કે X પર પ્રશ્ન પૂછ્યો હતો કે, ‘સ્વતંત્રતા દિવસ એ પ્રશ્ન પૂછવા માટે યોગ્ય સમય છે કે શું તમે બે-પક્ષીય (કેટલાક કહેશે કે એકપક્ષીય) સિસ્ટમથી સ્વતંત્રતા ઇચ્છો છો?’ 

આ પ્રશ્નનો 12.5 લાખ લોકોએ જવાબ આપ્યો હતો અને આશરે 65% લોકોએ મસ્કના પક્ષને ટેકો આપ્યો હતો. મસ્કે એક મીમ પણ શેર કર્યું હતું, જેમાં રિપબ્લિકન અને ડેમોક્રેટ્સને બે માથાવાળા સાપ તરીકે દર્શાવાયા હતા. આ મીમના કેપ્શનમાં તેમણે લખ્યું હતું કે, ‘યુનિપાર્ટીનો અંત લાવો’.

હવે લાખ રૂપિયાનો સવાલ એ છે કે, અમેરિકનોએ મસ્કને ઓનલાઈન સમર્થન તો આપ્યું છે, પણ શું તેઓ મસ્કની પાર્ટીને ચૂંટણીમાં જીતાડશે ખરા? આ માટે 2026 સુધી રાહ જોવી પડશે.