VIDEO : પાકિસ્તાનમાં ભારે વરસાદ અને વિનાશક પૂરે સર્જી હોનારત, 72 લોકોના મોત, જનજીવન અસ્તવ્યસ્ત
Pakistan Rain And Flood : પાકિસ્તાનમાં ભારે વરસાદ અને પૂર આવતાં ભયંકર હોનારત ઊભી થઈ છે. દેશમાં છેલ્લા 10 દિવસમાં ભારે વરસાદ, પૂર જેવી ઘટનાઓમાં ઓછામાં ઓછા 72 લોકોના મોત અને 130થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. ગામડાઓમાં પૂર આવતાં અનેક મકાનો વહી ગયા છે, તો અનેક લોકો બેઘર થઈ ગયા છે. સ્થિતિ એવી ઊભી થઈ છે કે, અહીં લોકોને પીવાનું શુદ્ધ પાણી અને ભોજન પણ મળી રહ્યું નથી. તંત્રનું કહેવું છે કે, સ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
કયા કયા વિસ્તારોમાં વરસાદી કહેર?
રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ અને સ્થાનિક સત્તામંડળો ભારે વરસાદ અને પૂરની માહિતી શેર કરી છે. અધિકારીઓએ કહ્યું કે, ‘દેશના ઉત્તર-પશ્ચિમ ખૈબર પખ્તૂનખ્વા, પૂર્વ પંજાબ, દક્ષિણ સિંધ અને દક્ષિણ-પશ્ચિમ બલૂચિસ્તાન પ્રાંતમાં ભારે તારાજી સર્જાઈ છે, જ્યાં અત્યાર સુધીમાં સૌથી વધુ 26 લોકોના મોત થયા છે. પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં એજન્સીઓ તહેનાત કરવામાં આવી છે અને રાહત-બચાવની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. જ્યાં સૌથી વધુ ખરાબ સ્થિતિ છે, પૂરના કારણે અનેક લોકોએ ઘર ગુમાવ્યા છે, જ્યાં રાહત શિબિર કેમ્પ બનાવાયા છે.’
રાવલપિંડી-ગુજરાંવાલામાં બિલ્ડિંગ ધરાશાયી, અનેકના મોત
અધિકારીઓએ કહ્યું કે, હજુ પણ વધુ વરસાદ પડશે તો આગામી સમયમાં પૂરની ભયાનક સ્થિતિ ઊભી થઈ શકે છે. આગામી 11 જુલાઈ સુધી વરસાદ પડવાની સંભાવનાને ધ્યાને રાખી તમામ જિલ્લાના તંત્રને ઍલર્ટ રહેવા તેમજ સાવધાનીપૂર્વકના પગલા લેવા આદેશ આપી દેવાયો છે. વરસાદ-પૂરની સૌથી ખરાબ અસર ખૈબર પખ્તૂનખ્વામાં થઈ છે. એટલું જ નહીં રાવલપિંડી અને ગુજરાંવાલામાં જર્જરીત ઇમારત ધરાશાયી થવાના કારણે અનેક લોકોના મોત થયા છે.
આ પણ વાંચો : UAEમાં કાયમી વસવાટની સુવર્ણ તક
2022માં 1737 લોકોના મોત થયા હતા
આ પહેલા પાકિસ્તાનમાં વર્ષ 2022માં ભારે વરસાદ અને પૂર આવતાં ભયાનક દૃશ્યો સર્જાયા હતા. દેશનો એક તૃતિયાંશભાગ પાણીમાં ડૂબી ગયો હતો અને લગભગ 1737 લોકોએ જીવ ગુમાવ્યા હતા. હવે હવામાન વિભાગે 2022 જેવી ફરી સ્થિતિ સર્જાવાની ચેતવણી આપી છે. તંત્રએ લોકોને સાવધાન રહેવા અને સુરક્ષિત સ્થળે જતાં રહેવાની અપીલ કરી છે.