World

તો અરબ દેશોની જેમ ઈરાન પણ ઈઝરાયલ સાથે હાથ મિલાવી લેશે? ટ્રમ્પના દાવાથી ખળભળાટ

By GS Team
25 May 20263 mins read
TukuTouch Logo
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક ચોંકાવનારો અને મોટો દાવો કર્યો છે કે ઈરાન ટૂંક સમયમાં જ 'અબ્રાહમ અકોર્ડ'(Abraham Accords) કરારમાં સામેલ થઈ શકે છે. હાલમાં જ ઈરાન સાથે ચાલી રહેલી રાજદ્વારી વાતચીતમાં મદદ કરવા બદલ ખાડી દેશોનો આભાર માનતા ટ્રમ્પે ઈશારા-ઈશારામાં સંકેત આપ્યો હતો કે ઈરાન આ ઐતિહાસિક સમજૂતીનો હિસ્સો બની શકે છે. નોંધનીય છે કે, આ એ જ સમજૂતી છે જેનો મુખ્ય હેતુ આરબ દેશો અને ઈઝરાયલને નજીક લાવવાનો હતો. જો કે, અમેરિકન પ્રમુખની આ ટિપ્પણી પર ઈરાન તરફથી હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. પરંતુ જો ટ્રમ્પનો આ દાવો સાચો સાબિત થશે, તો મિડલ ઈસ્ટમાં એક તદ્દન નવો વૈશ્વિક ઈતિહાસ રચાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

તો અરબ દેશોની જેમ ઈરાન પણ ઈઝરાયલ સાથે હાથ મિલાવી લેશે? ટ્રમ્પના દાવાથી ખળભળાટ
(IMAGE - IANS)

Abraham Accords Middle East: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક ચોંકાવનારો અને મોટો દાવો કર્યો છે કે ઈરાન ટૂંક સમયમાં જ 'અબ્રાહમ અકોર્ડ'(Abraham Accords) કરારમાં સામેલ થઈ શકે છે. હાલમાં જ ઈરાન સાથે ચાલી રહેલી રાજદ્વારી વાતચીતમાં મદદ કરવા બદલ ખાડી દેશોનો આભાર માનતા ટ્રમ્પે ઈશારા-ઈશારામાં સંકેત આપ્યો હતો કે ઈરાન આ ઐતિહાસિક સમજૂતીનો હિસ્સો બની શકે છે. નોંધનીય છે કે, આ એ જ સમજૂતી છે જેનો મુખ્ય હેતુ આરબ દેશો અને ઈઝરાયલને નજીક લાવવાનો હતો. જો કે, અમેરિકન પ્રમુખની આ ટિપ્પણી પર ઈરાન તરફથી હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. પરંતુ જો ટ્રમ્પનો આ દાવો સાચો સાબિત થશે, તો મિડલ ઈસ્ટમાં એક તદ્દન નવો વૈશ્વિક ઈતિહાસ રચાશે.

ખાડી દેશોના સહયોગ બદલ ટ્રમ્પે માન્યો આભાર

ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર એક પોસ્ટ શેર કરીને મિડલ ઈસ્ટના દેશોના વખાણ કર્યા છે. તેમણે લખ્યું, 'હું મિડલ ઈસ્ટના તમામ દેશોનો તેમના સમર્થન અને સહયોગ બદલ આભાર માનવા માંગુ છું. ઐતિહાસિક અબ્રાહમ સમજૂતીમાં સામેલ થવાથી આ સહયોગ વધુ મજબૂત બનશે અને કોણ જાણે, કદાચ ઇસ્લામ રિપબ્લિક ઓફ ઈરાન પણ આમાં જોડાઈ જાય!' આ પહેલા પણ ઈરાન સાથેની વાતચીતમાં સાથ આપવા બદલ ટ્રમ્પ આરબ દેશોની પ્રશંસા કરી ચૂક્યા છે.

ટ્રમ્પ પહેલા પણ કરી ચૂક્યા છે આવો દાવો

આ કોઈ પહેલીવાર નથી જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને લઈને આવો દાવો કર્યો હોય. આ પહેલા વર્ષ 2025માં ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરતી વખતે પણ ટ્રમ્પે કહ્યું હતું કે તેમને પૂરો વિશ્વાસ છે કે એક દિવસ ઈરાન પણ આ સમજૂતીનો હિસ્સો બનશે. જો કે, તે સમયે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી દ્વારા આ નિવેદનને સંપૂર્ણપણે ફગાવી દેવામાં આવ્યું હતું અને સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે તેહરાન ઈઝરાયલને ક્યારેય માન્યતા નહીં આપે. ઈરાન હંમેશાથી ઈઝરાયલ અને આરબ દેશો વચ્ચેના સંબંધો સુધારવાના પ્રયાસોનો વિરોધ કરતું આવ્યું છે અને આ સમજૂતીને પેલેસ્ટાઈન સાથેનો વિશ્વાસઘાત માને છે.

શું છે આ 'અબ્રાહમ અકોર્ડ'?

અબ્રાહમ અકોર્ડ એ અમેરિકાની મધ્યસ્થતાથી તૈયાર કરવામાં આવેલો એક ઐતિહાસિક કરાર છે, જેની શરૂઆત વર્ષ 2020માં થઈ હતી. આ સમજૂતીનો મુખ્ય હેતુ આરબ દેશો અને ઈઝરાયલ વચ્ચેની વર્ષો જૂની દુશ્મનીનો અંત લાવીને તેમની વચ્ચે રાજદ્વારી અને વ્યાપારી સંબંધો સામાન્ય બનાવવાનો છે. કોરોના કાળ દરમિયાન થયેલા આ કરારમાં સૌથી પહેલા યુનાઇટેડ આરબ એમિરેટ્સ અને બહેરીન જેવા દેશો જોડાયા હતા અને ઈઝરાયલ સાથે સત્તાવાર સંબંધો શરૂ કર્યા હતા. ત્યારબાદ મોરોક્કો અને સુદાન પણ તેમાં સામેલ થયા. આ કરાર પાછળનો એક મોટો વ્યૂહાત્મક હેતુ મિડલ ઈસ્ટમાં ઈરાનના વધતા પ્રભાવને રોકવાનો પણ હતો, પરંતુ હવે ટ્રમ્પ પોતે જ ઈરાનને આ ગ્રુપમાં લાવવાની વાત કરી રહ્યા છે જે ઘણું મહત્ત્વ ધરાવે છે.

આ પણ વાંચો: સદીના અંત સુધી લાખો છોડની પ્રજાતિ પોતાનું કુદરતી ઘર ગુમાવશે, ક્લાઈમેટ ચેન્જના અભ્યાસનું તારણ

ઈઝરાયલ અને ઈરાનની કટ્ટર દુશ્મનીનું ગણિત

ઈતિહાસ પર નજર કરીએ તો વર્ષ 1979ની ઇસ્લામિક ક્રાંતિ પહેલા ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સારા સંબંધો હતા. પરંતુ આયતુલ્લા અલી ખામેનેઈ અને અન્ય આયાતુલ્લાઓના સત્તામાં આવ્યા પછી 'ઈઝરાયલની તબાહી' એ ઈરાનની વિદેશ નીતિનો મુખ્ય હિસ્સો બની ગઈ. ઈરાને ઈઝરાયલનો સામનો કરવા માટે હમાસ, હિઝબુલ્લાહ અને હુથી બળવાખોરો જેવા સંગઠનોનું આખું એક 'એક્સિસ ઓફ રેઝિસ્ટન્સ' ઊભું કર્યું છે. બીજી તરફ, તાજેતરના સમયમાં ઈઝરાયલ અને અમેરિકાના હુમલાઓએ ઈરાનનો પારો વધુ ગરમ કર્યો છે. આવા તંગ વાતાવરણ વચ્ચે કટ્ટર દુશ્મન ગણાતા ઈરાનનું અબ્રાહમ અકોર્ડમાં જોડાવું હાલના તબક્કે મુશ્કેલ દેખાઈ રહ્યું છે, પરંતુ ભવિષ્યની ડિપ્લોમસી શું વળાંક લે છે તે જોવું રસપ્રદ રહેશે.