World

ઈરાન સાથે ધંધો કરનારને 'ડોલર સિસ્ટમ'માંથી હાંકી કાઢીશ : ટ્રમ્પની તુમાખી

By GS Team
26 Aug 20264 mins read
TukuTouch Logo
અમેરિકાએ ઈરાન સામે 'એન્ડગેમ'માં પ્રવેશતા, તેના પર વધુ આકરા આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે. વોશિંગ્ટને ઈરાન પાસેથી પેટ્રોલિયમ અને પેટ્રોકેમિકલ્સ ખરીદતી ભારતની 4 કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. આ કંપનીઓમાં પ્રોટીસ પાર્ટનર્સ એલએલપી, સદાશિવ ઓવરસીઝ લિ., પીપી સોફ્ટેક પ્રા. લિ. અને પ્રાકૃતીસ ઈન્ફ્રા ઈમ્પેક્સ પ્રા. લિ.નો સમાવેશ થાય છે. અમેરિકાએ ઈરાનના આવકના સ્ત્રોત બંધ કરવાનો હેતુ રાખ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાન સાથે ધંધો કરનારને 'ડોલર સિસ્ટમ'માંથી હાંકી કાઢીશ : ટ્રમ્પની તુમાખી
  • ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકાનો 'એન્ડગેમ'માં પ્રવેશ
  • ઈરાન પાસેથી પેટ્રોલિયમ અને પેટ્રોકેમિકલ ખરીદતી ભારતની ચાર કંપનીઓ પર પ્રતિબંધ મૂકી ટ્રમ્પે આર્થિક કોરડો વિંઝ્યો

વોશિંગ્ટન : પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનમાં ઈસ્લામિક શાસનને સત્તામાંથી હટાવવા ફેબુ્રઆરીમાં શરૂ કરેલા યુદ્ધમાં હવે અમેરિકા થાકી ગયું છે અને અંતે તેણે ઈરાન સામેની લડતમાં આર્થિક યુદ્ધનો સહારો લેવો પડયો છે. અમેરિકાએ મંગળવારે ઈરાન પર વધુ આકરા આર્થિક પ્રતિબંધો ઝીંક્યા છે. સાથે તેણે દુનિયાના દેશોને પણ ઈરાન સાથે આર્થિક સંબંધો રાખવા મુદ્દે ચેતવણી આપતા કહ્યું છે કે ઈરાનના અર્થતંત્રને મદદ કરનારા દેશોને ડોલર સિસ્ટમમાંથી હાંકી કઢાશે. ટ્રમ્પ સરકારે નવા આર્થિક પ્રતિબંધોનો તાત્કાલિક અમલ શરૂ કરતા ઈરાનમાંથી પેટ્રોલિયમ અને પેટ્રોકેમિકલ ઉત્પાદનોની આયાત કરતી ભારતની ચાર કંપનીઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે.
અમેરિકન નાણાંમંત્રી સ્કોટ બેસેન્ટે ઈરાન પર નવા આર્થિક પ્રતિબંધોની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે અમેરિકાના નવા આર્થિક પ્રતિબંધોનો આશય ઈરાનની આવકના સ્રોતના બધા જ સંભવિત સ્રોતને સંપૂર્ણપણે બંધ કરવાનો છે. યુદ્ધના સમયમાં અસ્પષ્ટ સ્થિતિઓમાં કામ કરવાનું હવે સ્વીકારી શકાશે નહીં. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનની સૈન્ય તાકાતનો ખાત્મો કરી નાંખ્યો છે. તેની સૈન્ય ફેક્ટરીઓ ૧૦૦ ટકા નાશ પામી છે અને તેના પરમાણુ કાર્યક્રમને બંકરોના કાટમાળ નીચે દાટી દીધો છે. હવે અમેરિકા ઈરાન સામેના યુદ્ધમાં 'એન્ડગેમ'માં પ્રવેશ્યું છે.
સ્કોટ બેસેન્ટે જણાવ્યું કે આર્થિક આક્રમણના પરોઢિયે વિશ્વના નેતાઓ માટે પણ ઈરાન સાથે આર્થિક સંબંધો રાખવાની 'ટાઈમલાઈન' નિશ્ચિત કરી દેવાઈ છે. હવે ઈરાન સાથે આર્થિક વ્યવહારો કરનારા દેશો અને કંપનીઓને ડોલર આધારિત નાણાકીય સિસ્ટમની બહાર કાઢી મૂકાશે. જોકે, બેસેન્ટે કયા દેશો પર સેકન્ડરી આર્થિક પ્રતિબંધો મૂકાઈ શકા છે તેની કોઈ વિગતો જાહેર કરી નહોતી.
બેસેન્ટે કહ્યું, વિશ્વ નેતાઓ માટે હવે સમૃદ્ધિ અને અલગતા, શાંતિ અને આતંક, અમેરિકા અને ઈરાન વચ્ચે કોઈ એકની પસંદગી કરવાનો સમય આવી ગયો છે. ઈરાનના ઈસ્લામિક શાસન સાથે આર્થિક સંબંધ સ્થાપિત કરનારા જવાબદાર લોકોએ અમેરિકન તાકતનો સામનો કરવો પડશે. જે દેશો અમેરિકાના પ્રતિબંધોમાં સાથ નહીં આપે તેઓ ઈરાનના અલગતાવાદમાં ભાગીદાર હશે. ઈરાનના ક્રૂડ ઓઈલના વેપારમાં મની લોન્ડરિંગથી મદદ કરનારા કોઈપણ દેશ કે કંપનીને ટાર્ગેટ કરાશે. ઈરાનના અર્થતંત્રને મદદના દરેક આર્થિક રસ્તા બંધ કરી દેવાશે.
અમેરિકાના આર્થિક પ્રતિબંધોના અભિયાનમાં ઈરાન સાથે સંકળાયેલ ડિજિટલ એસેટ્સ, ટેક્નોલોજી, સોનું, એવિએશન અને શિપિંગ જેવા ક્ષેત્રો પર દબાણ વધારાઈ રહ્યું છે. અમેરિકાનો આશય પ્રતિબંધો છતાં પોતાની આર્થિક પ્રવૃત્તિઓ ચાલુ રાખતા ઈરાનના આર્થિક નેટવર્કને તોડી પાડવાનો છે. ઈરાન પર અમેરિકાના આર્થિક પ્રતિબંધોથી ભારત પર વિપરિત અસર શરૂ થઈ ગઈ છે. અમેરિકાએ ઈરાનમાંથી પેટ્રોલિયમ અને પેટ્રોકેમિકલ ઉત્પાદનોની આયાત કરતી ભારતની ચાર કંપનીઓ પર પ્રતિબંધ મૂકી દીધા છે. આ કંપનીઓમાં પ્રોટીસ પાર્ટનર્સ એલએલપી અને તેના ભાગીદારો ઈન્દ્રિસમિયા અશરફમિયા શેખ અને હરિશ રામચંદ્ર રાંગીનો સમાવેશ થાય છે.
આ કંપનીઓએ મોટી સંખ્યામાં ઈરાનના પેટ્રોકેમિકલ ઉત્પાદનોના શિપમેન્ટ્સની આયાત કરી હતી. આ સિવાય અમેરિકાના પ્રતિબંધોનો સામનો કરનારી અન્ય ભારતીય કંપનીઓમાં સદાશિવ ઓવરસીઝ લિ., પીપી સોફ્ટેક પ્રા. લિ., કંપનીના ડિરેક્ટર પ્રશાંત ગર્ગ અને પ્રાકૃતીસ ઈન્ફ્રા ઈમ્પેક્સ પ્રા. લિ.નો સમાવેશ થાય છે.

ટ્રમ્પ નહીં સુધરે તો હોર્મુઝમાંથી ટીપું ઓઈલ નહીં જવા દઈએ : ઈરાન
અમેરિકાને આર્થિક પ્રતિબંધોમાં સાથ આપનારા દેશો સામે ઈરાન યુદ્ધની કાર્યવાહી કરશે : રેજાઈ

તહેરાન : અમેરિકાએ હોર્મુઝની ખાડી પર પ્રભુત્વ જમાવવા મુદ્દે ઈરાન પર અંતે આર્થિક પ્રતિબંધો નાંખ્યા છે ત્યારે ઈરાને પણ અમેરિકાને વળતી ધમકી આપી છે. ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના સચિવ મોહસિન રેજાઈએ કહ્યું કે, અમેરિકન પ્રમુખ ટ્રમ્પ નહીં સુધરે અને ઈરાન સામે પ્રતિબંધો ચાલુ રાખશે તો હોર્મુઝની ખાડીમાંથી એક ટીપું ક્રૂડ ઓઈલ પણ નહીં જવા દઈએ.
મોહસિન રેજાઈએ જણાવ્યું કે, ઈરાન આર્થિક યુદ્ધનો અમેરિકાને જડબાતોડ જવાબ આપશે. એટલું જ નહીં અમેરિકાના આર્થિક પ્રતિબંધોના અભિયાનમાં જે પણ દેશ સામેલ થશે અથવા તેનું સમર્થન કરશે તો તેને ઈરાન પોતાના વિરુદ્ધ યુદ્ધની કાર્યવાહી માનશે. આર્થિક યુદ્ધ ચાલુ રહેશે તો હોર્મુઝની ખાડીમાંથી ક્રૂડ ઓઈલનું ટીપું ય જવા નહીં દેવાય. વધુમાં અમેરિકાના નવા પ્રતિબંધો વચ્ચે વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું કે, ઈરાન પર આર્થિક પ્રતિબંધો નાંખવાના અમેરિકાના પ્રયાસ પહેલા પણ નિષ્ફળ રહ્યા હતા. આ વખતે પણ ઈરાનની જનતા બતાવશે કે તેઓ પોતાના અધિકારોના રક્ષણ માટે સંકલ્પબદ્ધ છે. ઈરાન વિવિધ સ્વરૂપે ૧૯૭૯ના સમયથી અમેરિકાના આર્થિક પ્રતિબંધોનો સામનો કરતું આવ્યું છે. આ પ્રતિબંધો છતાં વર્તમાન યુદ્ધમાં ઈરાને અમેરિકાને હરાવી દીધું છે.