- ઇરાન સાથે મંત્રણાની કોઈ સંભાવના નથી : ટ્રમ્પ
- અમેરિકી સેના ઉતારવામાં આવશે જ તેવી સ્પષ્ટ જાહેરાત ટ્રમ્પે કરી ન હતી : છતાં કહ્યું ઇરાનની સેના અત્યારે ઘણી નિર્બળ બની ગઈ છે
વૉશિંગ્ટન : પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, જો ઘણું સારું કારણ મળશે તો અમેરિકાનાં દળો ઇરાનમાં ઉતારાય પણ ખરાં, પરંતુ તે માટે યોગ્ય કારણ હોવું જોઈએ. પ્રમુખે ઉડતા કિલ્લા જેવા વિમાન એરફોર્સ-વન માં પત્રકારો સાથેની વાતચીતમાં તેઓએ ભૂમિદળ ત્યાં મોકલવામાં આવશે જ તેમ સ્પષ્ટ કહ્યું ન હતું. ઉલટાનું તેમણે પત્રકારોને તે વિષે પૂછાયેલા પ્રશ્નને અયોગ્ય કહ્યો હતો. જોકે તેમણે તેવો સંકેત તો જરૂર આપ્યો હતો કે જો ત્યાં ભૂમિદળ મોકલવું પડે તો બરોબરની ગણતરીપૂર્વક લાગે તો કદાચ તેમ થઈ પણ શકે. આ સાથે પ્રમુખે તેમ પણ કહ્યું હતું કે અત્યારે પણ ઇરાનની સેના ઘણી નિર્બળ બની ગઈ છે. તે લાંબા સમય સુધી યુદ્ધમાં ટકી શકે તેમ નથી.
ઇરાન સાથેની મંત્રણા સંભવિત નથી તેમ કહેતાં પ્રમુખે જણાવ્યું હતું કે ઇરાનમાં સમજૂતી સાધવા માટે મંત્રણા કરવી પણ કોની સાથે ? ત્યાં તો વારંવાર ટોચની નેતાગીરીમાં બદલો થતો જાય છે. ઇરાને મંત્રણા માટે રજૂ કરેલો પ્રસ્તાવ ઘણો મોડો આવ્યો છે તેમ કહી તે પ્રસ્તાવને ફગાવી દીધા પછી ડૉનાલ્ડ ટ્રમ્પે બીજા જ દિવસે ઇરાન માટે બિનશરતીય શરણાગતી સ્વીકારી લેવાનો એમનો પ્રસ્તાવ મુક્યો હતો.
ઈરાન પર અમેરિકાએ કરેલી અંધાધૂંધી સ્ટ્રાઈક્સ પછીના બીજા જ દિવસે ઇરાને શાંતિમંત્રણા માટે પ્રસ્તાવ મુક્યો હતો. જે અમેરિકાએ સ્વીકાર્યો ન હતો. અને કહ્યું હતું કે હવે ઘણું મોડું થઈ ગયું છે.
ટૂંકમાં ઇરાન વિરૂદ્ધ ઇઝરાયેલ-અમેરિકા યુદ્ધ આ તબક્કે તો શમે તેમ નથી લાગતું. ઉલટાની એવી આશંકા નિરીક્ષકો દર્શાવે છે કે મધ્ય-પૂર્વમાં વધુ વિસ્તરે તે પણ શક્ય છે.
ઉલ્લેખનીય છે કે ઇરાન ઉપર અમેરિકાએ કરેલી પ્રચંડ અગ્નિ વર્ષાને લીધે ઇરાનની સેનાના ટોચના અધિકારીઓ જેવા કે મેજર જનરલ અબ્દુલ રહીમ મુસાવી, બ્રિગેડિયર જનરલ મોહમ્મદ શિરાઝી (જેઓ ઇરાનની મિલીટરી ના વડા હતા) ઉપરાંત ડીફેન્સ કાઉન્સીલ સેક્રેટરી શમખાની સમરક્ષણ માંથી અઝીઝ નસીરઝાદેહ તથા સર્વોચ્ચ નેતા અલિખામેનેઈ પણ જન્નત-નશીન થઈ ગયા છે.


