રશિયા સાથે અનેક દેશો વેપાર કરે છે તો ફક્ત ભારત જ નિશાને કેમ? ટ્રમ્પે આપ્યો જવાબ
Image: IANS |
Donald Trump: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવાને લઈને ભારતને જ કેમ નિશાનો બનાવવાને લઈને પોતાનો પક્ષ મૂક્યો છે. તેમણે કહ્યું કે, 'હજું ઘણું થવાનું બાકી છે. આવનારા સમયમાં તમને આનાથી પણ વધારે સેકન્ડરી ટેરિફ જોવા મળશે.
કેમ ભારતને જ નિશાનો બનાવે છે ટ્રમ્પ?
હકીકતમાં ડોનાલ્ડ ટ્રમ્પને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, ભારતીય અધિકારીઓનું કહેવું છે કે, રશિયા સાથે તો યુરોપ અમેરિકા સહિત દુનિયાના તમામ દેશોનો વેપાર શરૂ છે, તો પછી ફક્ત ભારતને જ નિશાનો કેમ બનાવવામાં આવે છે? જેના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે, 'હજુ તો ફક્ત 8 કલાક થયા છે... જોઈએ આગળ શું થાય છે. તમે થોડા સમયમાં ઘણું બધું જોશો. હજુ ઘણાં સેકન્ડરી સેન્ક્શન જોવા મળશે.'
આ પણ વાંચોઃ ટેરિફ તો બહાનુ છે, ટ્રમ્પ આ વાતની ખુન્નસ કાઢી રહ્યા છે... માઈકલ કુગલમેનનો મોટો દાવો
રશિયા-યુક્રેનમાં શાંતિ બાદ ભારત પરનો ટેરિફ ઘટી જશે?
આ સિવાય ટ્રમ્પને પૂછવામાં આવ્યું હતું કે, જો રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ કરાર થઈ જાય તો શું તે ભારત પર લાગેલો ટેરિફ દૂર કરી દેશે? તેનો જવાબ આપતા ટ્રમ્પે કહ્યું કે, 'ત્યારનું ત્યારે જોઇશું. પરંતુ, હાલ ભારત 50 ટકા ટેરિફ આપશે.'
શું ચીન પર પણ લગાવશે ભારે ટેરિફ?
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટ્રમ્પને પૂછવામાં આવ્યું હતું કે, 'શું રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી અથવા વેપાર માટે ચીન પર પણ ટેરિફ લગાડવામાં આવશે? શું તમે ચીન સામે પણ ઊંચા ટેરિફની યોજના બનાવી રહ્યા છો?' આ સવાલનો જવાબ આપતા ટ્રમ્પે કહ્યું કે, 'આવું થઈ શકે છે... નિર્ભર કરે છે કે અમે તેને કેવી રીતે કરવા ઈચ્છીએ છીએ... પરંતુ આવું બની શકે છે.'
આ પણ વાંચોઃ હવે ટ્રમ્પ કમ્પ્યૂટર ચિપ્સ અને સેમીકન્ડક્ટરની આયાત પર 100% ટેરિફ ઝીંકશે, 3 દેશ ટેન્શનમાં
અમેરિકામાં વિરોધ
નોંધનીય છે કે, ટ્રમ્પ દ્વારા ભારત ઉપર જાહેર કરવામાં આવેલા ટેરિફને લઈને ફક્ત ભારત જ નહીં પરંતુ અમેરિકામાં પણ લોકો ચોંકી ગયા છે. અનેક લોકો આ વાતનું સમર્થન કરી રહ્યા છે, તો ઘણાં લોકો ફક્ત ભારતને નિશાનો ન બનાવવાની સલાહ આપી રહ્યા છે. ટ્રમ્પની પાર્ટીના નેતા નિક્કી હેલીએ પણ બુધવારે ટ્રમ્પના આ નિર્ણય પર પ્રશ્ન કર્યા હતા. તેમણે ભારતને એક મહત્ત્વપૂર્ણ વ્યૂહનીતિનો ભાગદાર જણાવ્યું અને કહ્યું કે, 'ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ન ખરીદવું જોઈએ. પરંતુ, ચીન જે એક વિરોધી દેશ રશિયા તેમજ ઈરાની તેલનું પહેલાં નંબરનું ખરીદદાર છે, તેને 90 દિવસની ટેરિફ પર મુક્તિ મળી છે. ચીનને છૂટ ન આપો અને ભારત જેવા મજબૂત સહભાગી સાથે સંબંધ ખરાબ ન કરો.'