Get The App

હવે ટ્રમ્પ કમ્પ્યૂટર ચિપ્સ અને સેમીકન્ડક્ટરની આયાત પર 100% ટેરિફ ઝીંકશે, 3 દેશ ટેન્શનમાં

Updated: Aug 7th, 2025

GS TEAM

Google News
Google News
Donald Trump
(IMAGE - IANS)

Donald Trump New Tariff Threat: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે એક મોટો આર્થિક નિર્ણય લીધો છે. તેમણે જાહેરાત કરી છે કે હવે તેઓ અમેરિકા કમ્પ્યુટર ચિપ્સ અને સેમિકન્ડક્ટર્સ પર લગભગ 100% ટેરિફ લગાવવાની યોજના બનાવી રહ્યા છે. જેના કારણે ઇલેક્ટ્રોનિક્સ, ગાડીઓ, ઘરગથ્થુ ઉપકરણો અને બીજા ડિજિટલ પ્રોડક્ટ્સની કિંમતો પર સીધી અસર પડી શકે છે. ટ્રમ્પે વોશિંગ્ટન ડીસીના ઓવલ ઓફિસમાં એપલના સીઈઓ ટિમ કુક સાથે મુલાકાત દરમિયાન કહ્યું કે, 'જો તમે અમેરિકામાં કમ્પ્યૂટર ચિપ્સ બનાવશો, તો કોઈ ટેક્સ નહીં લાગે, પણ બહારથી લાવશો તો 100% ટેરિફ લાગશે.'

અમેરિકામાં બનેલી કમ્પ્યૂટર ચિપ્સ સસ્તી થશે

આ જાહેરાત એવા સમયે થઈ છે જ્યારે ત્રણ મહિના પહેલા જ ટ્રમ્પ પ્રશાસને કેટલાક ઇલેક્ટ્રોનિક સામાનને ભારે ટેરિફમાંથી થોડી રાહત આપી હતી. હવે જે કંપનીઓ અમેરિકામાં કમ્પ્યૂટર ચિપ્સ બનાવશે, તેમને આ નવા ટેક્સમાંથી મુક્તિ મળશે. કોવિડ-19 મહામારી દરમિયાન ચિપ્સની અછતને કારણે ગાડીઓની કિંમતો વધી ગઈ હતી અને મોંઘવારીમાં પણ વધારો થયો હતો. આ વખતે ટ્રમ્પ માને છે કે આ પગલાથી અમેરિકામાં ઉત્પાદનને વેગ મળશે.

ભારત પર 25% ટેરિફ લગાવ્યા બાદ આ જાહેરાત 

આ જાહેરાત ટ્રમ્પ દ્વારા રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર 25% વધારાનો ટેરિફ લગાવ્યા પછી કરવામાં આવી છે. ગઈકાલે જ, ટ્રમ્પે રશિયન તેલની આયાત કરવાને કારણે ભારત પર 25% વધારાનો ટેરિફ લગાવ્યો હતો, જેનાથી કુલ ટેરિફ 50% થઈ ગયો છે.

આ નવા ટેરિફ 21 દિવસ પછી લાગુ થશે. આનો અર્થ એ છે કે ભારત અને રશિયા બંને પાસે ટ્રમ્પ પ્રશાસન સાથે આ આયાત કર પર વાતચીત કરવાનો સમય છે.

ટ્રમ્પના નવા 100% ટેરિફથી અમેરિકન ગ્રાહકો પર શું અસર થશે?

ટ્રમ્પના તાજેતરના 100% ટેરિફના નિર્ણયની સીધી અસર હવે અમેરિકન ગ્રાહકો પર પડી શકે છે. જો ટ્રમ્પ કમ્પ્યુટર ચિપ્સ અને સેમિકન્ડક્ટર્સ પર 100% ટેરિફ લગાવશે, તો તેના કારણે મોબાઈલ ફોન, કાર, ટીવી, ફ્રિજ અને અન્ય ડિજિટલ ઉપકરણો મોંઘા થઈ જશે. આવું એટલા માટે થશે કારણ કે આ ઉપકરણો બનાવતી કંપનીઓનો ખર્ચ વધશે અને નફો ઘટશે.

દુનિયામાં ચિપ્સની માંગ

કોરોના મહામારી દરમિયાન દુનિયાભરમાં ચિપ્સની ભારે અછત સર્જાઈ હતી. જેના કારણે તે સમયે ગાડીઓની કિંમતો ઘણી વધી ગઈ હતી અને મોંઘવારી પણ ખૂબ વધી હતી. હવે ટ્રમ્પના આ નવા નિર્ણયથી ફરી એવો જ માહોલ બની શકે છે.

આજના સમયમાં ચિપ્સની માંગ ઝડપથી વધી રહી છે કારણ કે સ્માર્ટફોન, ઇલેક્ટ્રિક કાર, ઘરવપરાશના ગેજેટ્સ અને AI જેવા સેક્ટર્સ તેના પર સંપૂર્ણપણે નિર્ભર છે. વર્લ્ડ સેમિકન્ડક્ટર ટ્રેડ સ્ટેટિસ્ટિક્સ ઓર્ગેનાઈઝેશન મુજબ, દુનિયાભરમાં કમ્પ્યુટર ચિપ્સની માંગ વધી રહી છે. જૂનમાં પૂરા થયેલા વર્ષમાં તેના વેચાણમાં 19.6% નો વધારો થયો છે.

આ પણ વાંચો: 'Go Back To India...', હવે આયરલેન્ડમાં 6 વર્ષની બાળકી પર હુમલો, માતાએ સંભળાવી આપવીતી

ચીન સહીત 3 એશિયાઈ દેશનું ટેન્શન વધ્યું

રિપોર્ટ્સ અનુસાર 2024માં અમેરિકાએ લગભગ 46.3 અબજ ડોલરના સેમિકન્ડક્ટર આયાત કર્યા હતા. આ રકમ દેશના કુલ 3.35 ટ્રિલિયન ડોલરના માલસામાનના આયાતના લગભગ 1% જેટલી થાય છે. આ આંકડા દર્શાવે છે કે આયાત કરાયેલી ચિપ્સ અમેરિકન અર્થતંત્ર માટે કેટલી મહત્ત્વની છે.

હવે, ડોનાલ્ડ ટ્રમ્પ આયાતી ચિપ્સ પર 100% ટેરિફ લગાવીને વિદેશી ચિપ્સ, ખાસ કરીને એશિયાથી આવતી ચિપ્સ પર અમેરિકાની નિર્ભરતા ઓછી કરવા માંગે છે. હાલમાં દુનિયાની 70%થી વધુ ચિપ્સ તાઇવાન, દક્ષિણ કોરિયા અને ચીનમાં બને છે. 100% ટેરિફના કારણે ટ્રમ્પ અમેરિકાને આ મામલે આત્મનિર્ભર બનાવવા માંગે છે અને સાથે સાથે એશિયન દેશોને પણ આર્થિક ફટકો આપવા માંગે છે.

હવે ટ્રમ્પ કમ્પ્યૂટર ચિપ્સ અને સેમીકન્ડક્ટરની આયાત પર 100% ટેરિફ ઝીંકશે, 3 દેશ ટેન્શનમાં 2 - image

Tags :