World

વિશ્વયુદ્ધ કે મોટી આર્થિક મંદીનો ડર? યુરોપના દેશો સેંકડો ટન સોનું કેમ શિફ્ટ કરી રહ્યા છે!

By GS Team
5 Sep 20263 mins read
TukuTouch Logo
વૈશ્વિક તણાવ વચ્ચે ઘણા દેશોની સેન્ટ્રલ બૅન્કો ગોલ્ડ રિઝર્વ ખસેડી રહી છે. નેધરલેન્ડ્સે અમેરિકાથી 86 ટન સોનું લંડન શિફ્ટ કર્યું છે. આ નિર્ણય કટોકટીમાં સોનાનો સરળ ઉપયોગ સુનિશ્ચિત કરવા લેવાયો છે. લંડન વૈશ્વિક સોનાના વેપારનું મુખ્ય કેન્દ્ર છે અને બેન્ક ઓફ ઇંગ્લેન્ડ વિશ્વનું સૌથી મોટું ગોલ્ડ કસ્ટોડિયન છે. ફ્રાન્સ અને જર્મની પણ અગાઉ સોનું પાછું મંગાવી ચૂક્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વિશ્વયુદ્ધ કે મોટી આર્થિક મંદીનો ડર? યુરોપના દેશો સેંકડો ટન સોનું કેમ શિફ્ટ કરી રહ્યા છે!

Why European Central Banks Are Shifting Gold Reserves: Explained | વિશ્વભરમાં વધી રહેલા વેપાર સંઘર્ષો અને લશ્કરી તણાવ વચ્ચે ઘણા દેશો હવે ભારે સાવચેતીનાં પગલાં લઈ રહ્યા છે. કટોકટીના સમયે કોઈપણ અવરોધ કે અડચણ વિના તુરંત ઉપયોગ કરી શકાય તે હેતુથી વિવિધ દેશોની સેન્ટ્રલ બૅન્કો પોતાના ગોલ્ડ રિઝર્વને પોતાના પ્રદેશની નજીક અથવા સહેલાઈથી વેપાર થઈ શકે તેવા કેન્દ્રો પર ખસેડી રહી છે.

તાજેતરમાં નેધરલૅન્ડ્સની સેન્ટ્રલ બૅન્ક (ડી નેધરલૅન્ડ્સ બૅન્ક) દ્વારા આ અંગે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. બૅન્કે જાહેર કર્યું છે કે તેણે ઉત્તર અમેરિકામાંથી પોતાના દેશનું ટનબંધ સોનું બહાર કાઢીને શિફ્ટ કરી દીધું છે, જેથી ભવિષ્યમાં કોઈપણ ગંભીર કટોકટીનો સામનો કરવા માટે દેશ વધુ સારી રીતે સજ્જ રહી શકે.

નેધરલૅન્ડ્સે 86 ટન સોનું લંડન કેમ મોકલ્યું?

અમેરિકા અને કેનેડામાં રાખવામાં આવેલા નેધરલૅન્ડ્સના કુલ આશરે 313 ટન સોનામાંથી લગભગ 86 ટન સોનું વધતી જતી વૈશ્વિક અશાંતિને ધ્યાનમાં રાખીને લંડન શિફ્ટ કરવામાં આવ્યું છે:

  • બૅન્કના જણાવ્યા મુજબ, લંડન ખસેડવાથી આ કિંમતી ધાતુ કટોકટીના સમયે ઉપયોગ માટે સરળતાથી ઉપલબ્ધ રહેશે.
  • માર્ચથી ઑગસ્ટ વચ્ચે અમેરિકા અને કેનેડાથી હટાવાયેલું આ સોનું હવે 'બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ'ની તિજોરીઓમાં સુરક્ષિત રાખવામાં આવ્યું છે.

નેધરલૅન્ડ્સની સેન્ટ્રલ બૅન્કના ગવર્નર ઓલાફ સ્લેપેને આ નિર્ણય અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું, અમને આશા છે કે આ સોનાનો ક્યારેય કટોકટીમાં ઉપયોગ કરવો નહીં પડે. પરંતુ સંકટ સામે લડવાની આપણી ક્ષમતા અને પૂર્વ-તૈયારીઓને મજબૂત કરવી અનિવાર્ય છે.

ફ્રાન્સ અને જર્મની પણ અગાઉ સોનું પાછું મંગાવી ચૂક્યા છે

આ પ્રકારનું પગલું ભરનાર નેધરલૅન્ડ્સ પહેલો દેશ નથી.

  • શીત યુદ્ધ દરમિયાન યુરોપની કેટલીક સેન્ટ્રલ બૅન્કોએ પોતાના સોનાનો એક હિસ્સો ન્યૂયોર્ક શિફ્ટ કર્યો હતો.
  • જર્મનીની બુંડેસબૅન્કે વિદેશમાં રાખેલા 216 ટનથી વધુ સોનાને પોતાના દેશમાં શિફ્ટ કર્યું હતું, જેમાં ન્યૂયોર્કથી 111 ટન અને પેરિસથી 105 ટન સોનું સામેલ હતું.
  • ફ્રાન્સે પણ જાહેરાત કરી હતી કે તેણે અમેરિકામાં રાખેલો પોતાનો સોનાનો ભંડાર પાછો મંગાવી લીધો છે.

બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ: વિશ્વનું સૌથી મોટું ગોલ્ડ કસ્ટોડિયન

સોનાના સંગ્રહ માટે લંડનને સૌથી શ્રેષ્ઠ સ્થળ ગણવામાં આવે છે કારણ કે તે સોનાના વૈશ્વિક વેપારનું મુખ્ય કેન્દ્ર છે. જો કટોકટીમાં સોનું તાત્કાલિક ખરીદવું કે વેચવું હોય, તો લંડન સૌથી અનુકૂળ જગ્યા છે. સેન્ટ્રલ લંડનમાં આવેલી આશરે 300 વર્ષ જૂની 'બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ' વિશ્વની સૌથી મોટી ગોલ્ડ કસ્ટોડિયન છે. આ બૅન્કની તિજોરીઓમાં આશરે 4 લાખ ગોલ્ડ બાર રાખવામાં આવ્યા છે, જેનું કુલ મૂલ્ય 200 અબજ પાઉન્ડથી પણ વધુ છે.

સેન્ટ્રલ બૅન્કો સોનું કેમ ખરીદી રહી છે અને ભાવ કેમ વધી રહ્યા છે?

રૅકોર્ડ ખરીદી:
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ડેટા અનુસાર, છેલ્લા 4 વર્ષોમાં વિશ્વભરની સેન્ટ્રલ બૅન્કોએ વાર્ષિક સરેરાશ 1,000 ટન સોનું જમા કર્યું છે, જે પાછલા દાયકાની વાર્ષિક 500 ટનની સરેરાશ કરતાં બમણું છે. 2008ની વૈશ્વિક નાણાકીય કટોકટી પછી આ ટ્રેન્ડ વધુ તીવ્ર બન્યો છે.

ઘરેલુ સ્ટોરેજનો ખર્ચ:
ગોલ્ડમેન સૅક્સ અનુસાર, પોતાના દેશમાં સોનું સંગ્રહ કરવા પાછળ સુરક્ષા, ઓડિટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્શ્યોરન્સનો મોટો ખર્ચ થાય છે, જે નાની બૅન્કો માટે ઘણો મોંઘો સાબિત થાય છે.

ભાવ વધારાનું કારણ:
જાન્યુઆરીમાં સોનાનો ભાવ રૅકોર્ડ સ્તરે $5,000 પ્રતિ ઔંસને પાર પહોંચ્યો હતો. ઇન્વેસ્ટમેન્ટ બૅન્ક ચાર્લ્સ શ્વાબના મતે, પાછલી અડધી સદીમાં સોનાના ભાવ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ કરતાં ઘણી વધુ ઝડપે વધ્યા છે.

ભાવની આગાહી:
ગોલ્ડમેન સૅક્સના સંશોધકોના મતે, સેન્ટ્રલ બૅન્કોની સતત માંગને લીધે વર્ષ 2026ના અંત સુધીમાં સોનાનો ભાવ વધીને $4,900 પ્રતિ ઔંસ પહોંચવાનો અંદાજ છે, જે ઑગસ્ટના સ્તર કરતાં $300 વધુ હશે.

જ્યારે વિશ્વની મોટી સેન્ટ્રલ બૅન્કો અબજો ડૉલરનું સોનું અમેરિકાથી પાછું ખેંચીને લંડન અને પોતાના દેશોમાં લાવી રહી હોય, ત્યારે તે માત્ર એક નાણાકીય વ્યવસ્થા નથી પરંતુ ભવિષ્યની મોટી ભૌગોલિક-રાજકીય ઉથલપાથલ સામેની પૂર્વ-તૈયારી દર્શાવે છે.