Get The App

અમેરિકામાં ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ લોન્ચ, જાણો તેનાથી USને શું ફાયદો અને ભારત પર શું અસર થશે?

Updated: Dec 11th, 2025

GS TEAM

Google News
Google News
trump-gold-card


(IMAGE - IANS)

Trump Gold Card: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક નવો વિઝા પ્રોગ્રામ શરૂ કર્યો છે, જેને તેમણે 'ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ' નામ આપ્યું છે. તેમણે જાહેરાત કરી કે બુધવાર બપોરથી જ લોકો આ ગોલ્ડ કાર્ડ નાગરિકતા માટે અરજી કરી શકશે. ટ્રમ્પનું કહેવું છે કે આ નવા વિઝા પ્રોગ્રામથી અમેરિકાને અરબો ડોલરનો ફાયદો થશે. આ એક વિશેષ ઇમિગ્રેશન કાર્ડ છે, જે વિદેશી પ્રોફેશનલ્સ, ખાસ કરીને ભારત અને ચીન જેવા દેશોના યુવાનો માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.

ટ્રમ્પે આ કાર્ડને ગ્રીન કાર્ડ જેવું, પણ તેનાથી ઘણું સારું ગણાવતા કહ્યું કે, 'આ કાર્ડ વિદેશી પ્રતિભાને અમેરિકામાં રોકવામાં મદદ કરશે, સાથે જ અમેરિકન કંપનીઓને શ્રેષ્ઠ વૈશ્વિક કૌશલ્ય (ગ્લોબલ સ્કિલ)ની ભરતી કરવામાં સરળતા આપશે. આ જાહેરાત એવા સમયે આવી છે જ્યારે અમેરિકામાં હાઇ-સ્કિલ્ડ વર્કર્સની ભારે માંગ છે અને ટેક કંપનીઓ લાંબા સમયથી સરળ ઇમિગ્રેશન પ્રક્રિયાની માંગ કરી રહી હતી.

ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ શું છે?

ટ્રમ્પના મતે, આ કાર્ડ અમેરિકન કંપનીઓને વધુ અધિકાર આપશે કે તેઓ વિદેશી વિદ્યાર્થીઓ અને કુશળ કામદારોને ગ્રેજ્યુએશન પછી તરત જ અમેરિકામાં રાખી શકે. વર્તમાનમાં, ઘણા પ્રતિભાશાળી યુવાનો અમેરિકામાં અભ્યાસ પૂર્ણ કર્યા પછી વિઝા રિન્યૂઅલ અથવા H-1Bની મર્યાદાઓને કારણે પોતાના દેશ પાછા ફરવા મજબૂર થાય છે.

ટ્રમ્પે કહ્યું કે, 'એપલ જેવી મોટી કંપનીઓ આ મુદ્દે તેમની સાથે સતત વાત કરી રહી હતી. તેમનું કહેવું છે કે હવે આ સમસ્યા નહીં રહે. ટિમ કુક(એપલના સીઈઓ) સૌથી વધુ પરેશાન હતા અને હવે તે ખૂબ ખુશ થશે.'

ગોલ્ડ કાર્ડની શરતો અને ફી

આ ગોલ્ડ કાર્ડ માટે અરજદારોએ મોટી રકમ ચૂકવવી પડશે, જેમાં...

- વ્યક્તિગત અરજદારે $1 મિલિયન(લગભગ 9 કરોડ રૂપિયા)નું યોગદાન આપવું પડશે.

- કંપની દ્વારા સ્પોન્સર થયેલા અરજદારે $2 મિલિયન(20 લાખ ડોલર) ચૂકવવા પડશે.

- આ ઉપરાંત, $15,000(નોન-રિફંડેબલ) પ્રોસેસિંગ ફી પણ લાગશે.

આ પણ વાંચો: દુનિયામાં વધુ એક મોરચે યુદ્ધ શરૂ, થાઈલેન્ડ-કમ્બોડિયાના એકબીજા પર ભીષણ હુમલા, યુદ્ધમાં ટ્રમ્પે ઝંપલાવ્યું

સરકારને થશે અરબો ડોલરનો ફાયદો

ટ્રમ્પે દાવો કર્યો કે ગોલ્ડ કાર્ડથી અમેરિકન તિજોરીમાં દર વર્ષે અરબો ડોલરની આવક થશે, કારણ કે કંપનીઓએ આ કાર્ડ્સ ખરીદવા માટે મોટી રકમ ચૂકવવી પડશે. આ પૈસા સીધા અમેરિકાની તિજોરીમાં જશે.

ભારતીયો માટે અમેરિકન નાગરિકતા મોંઘી બની 

જો કોઈ સામાન્ય ભારતીય આ કાર્ડ લેવા ઈચ્છે, તો તેણે $1 મિલિયન(લગભગ 9 કરોડ રૂપિયા) ચૂકવવા પડશે. આ સંજોગોમાં, અમેરિકન નાગરિકતા મેળવવી સામાન્ય ભારતીયો માટે ખૂબ જ મોંઘી સાબિત થશે. તેનાથી એવા કુશળ વ્યાવસાયિકોની મુશ્કેલીઓ વધી શકે છે, જેઓ પહેલાથી જ ગ્રીન કાર્ડ માટે વર્ષોથી રાહ જોઈ રહ્યા છે. વળી, અગાઉના EB-5 વિઝામાં લોકો લોન લઈ શકતા હતા અથવા પૈસા ભેગા કરીને રોકાણ કરી શકતા હતા, પરંતુ ગોલ્ડ કાર્ડ વિઝા માટે પૂરી રકમ એકસાથે રોકડમાં આપવી પડશે. આ જ કારણોસર મોટાભાગના ભારતીયો માટે આ કાર્ડ મેળવવો વધુ મુશ્કેલ બની જશે.

ભારતીયો માટે હજી પણ H-1B વર્ક વિઝા સૌથી પસંદગીનો વિકલ્પ છે. H-1B વિઝા પર અમેરિકામાં કામ કરી રહેલા ભારતીયો પણ ગોલ્ડ કાર્ડ માટે અરજી કરી શકે છે, જો કે તેઓ આટલી મોટી રકમ ચૂકવવાની ક્ષમતા ધરાવતા હોય.

અમેરિકામાં ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ લોન્ચ, જાણો તેનાથી USને શું ફાયદો અને ભારત પર શું અસર થશે? 2 - image
Tags :