દુનિયામાં વધુ એક યુદ્ધ, થાઈલેન્ડ-કમ્બોડિયાના એકબીજા પર હુમલા, યુદ્ધમાં ટ્રમ્પે ઝંપલાવ્યું

Thailand and Cambodia War News: થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચેનો સરહદી સંઘર્ષ ચોથા દિવસમાં પ્રવેશી ચૂક્યો છે, જેના કારણે સરહદ નજીક રહેતા લાખો લોકોએ સલામત સ્થળોએ આશરો લેવો પડ્યો છે. બુધવારે થાઇલેન્ડના F-16 વિમાનોએ કંબોડિયાના ગામો પર બોમ્બમારો કર્યો, જ્યારે કંબોડિયાએ વળતા હુમલામાં થાઇલેન્ડની એક હોસ્પિટલ પર રોકેટ છોડ્યા હતા.
ઐતિહાસિક સ્થળોએ પણ હુમલા
થાઇલેન્ડની સેનાના F-16 વિમાનોએ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ પ્રેહ વિહાર મંદિર સહિત અનેક સ્થળો પર હુમલા કર્યા અને એક પ્રાથમિક શાળા પર પણ ગોળા ફેંક્યા હતા. સુરક્ષાના પગલે થાઈ સેનાએ ચાર જિલ્લામાં કર્ફ્યુ લાદી દીધો છે.
આ પણ વાંચો: વિશ્વનું સૌથી સ્વચ્છ હિન્દુ ગામ ભારતમાં નહીં પણ બાલીમાં છે, 700 વર્ષ જૂની સંસ્કૃતિ
હોસ્પિટલને પણ નિશાન બનાવાઇ
બીજી તરફ, કંબોડિયા તરફથી બુધવારે સવારે છોડવામાં આવેલા રોકેટોએ સુરિન પ્રાંતની ફનોમ ડોંગ રક હોસ્પિટલ ને નિશાન બનાવી હતી. સ્થાનિક સમય મુજબ સવારે 8:40 વાગ્યે ફનોમ ડોંગ રક જિલ્લામાં સ્થિત હોસ્પિટલ અને આસપાસના વિસ્તાર પર છ રોકેટ છોડવામાં આવ્યા હતા, જેના કારણે તબીબી કર્મચારીઓ અને દર્દીઓને સુરક્ષિત સ્થળોએ ખસેડવા પડ્યા હતા. બુધવારે સવારે 12 જુદા જુદા સ્થળોએ અથડામણો થઈ હતી.
5000 રોકેટ વડે હુમલો
અહેવાલ અનુસાર, થાઇ સેનાએ જણાવ્યું કે કંબોડિયાના દળોએ 5,000 રોકેટ છોડ્યા હતા અને અનેક સરહદી વિસ્તારોમાં આત્મઘાતી ડ્રોનથી હુમલો કર્યો હતો. આ સંઘર્ષમાં ચાર થાઇ સૈનિકો માર્યા ગયા છે અને 68 ઘાયલ થયા છે, જ્યારે 61 કંબોડિયન સૈનિકો અને નવ સામાન્ય નાગરિકો માર્યા ગયા હોવાના અહેવાલ છે.
ટ્રમ્પ યુદ્ધ રોકવા મેદાનમાં, થાઇલેન્ડે આપ્યો જવાબ
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ સંઘર્ષ પર ટિપ્પણી કરતા કહ્યું કે, "કંબોડિયા અને થાઇલેન્ડે સંઘર્ષ શરૂ કરી દીધો છે. મારે ફોન કરવો પડશે. હું બે ખૂબ શક્તિશાળી દેશો, થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચેનું યુદ્ધ અટકાવીશ." ટ્રમ્પની ટિપ્પણીઓ પર પ્રતિક્રિયા આપતા થાઇલેન્ડના વડા પ્રધાને કહ્યું કે આ સંઘર્ષ માત્ર બંને સંબંધિત દેશોનો મામલો છે. અન્ય દેશોના નેતાઓની શાંતિ ઈચ્છવાની ભાવના સારી હોઈ શકે છે, પરંતુ તે માત્ર ફોન ઉઠાવીને વાત કરવા જેટલું સરળ નથી. વાતચીત માટે નિર્ધારિત મુદ્દાઓ હોવા જોઈએ.
વળી, કંબોડિયા સરકારના પ્રવક્તાએ કહ્યું કે નોમ પેન્હનું વલણ માત્ર શાંતિ ઇચ્છે છે અને કંબોડિયાએ ફક્ત આત્મરક્ષામાં કાર્યવાહી કરી છે. વડાપ્રધાનના ટોચના સલાહકારે સંકેત આપ્યો છે કે દેશ વાતચીત માટે તૈયાર છે.

