- બે દાયકામાં પહેલીવાર અમેરિકાએ મધ્યપૂર્વમાં 6000 સૈનિકોનો કાફલો ખડક્યો : ઈરાનના ખર્ગ ટાપુ પર કબજો કરશે
- ઈરાને સાઉદી અરબમાં અમેરિકાની 'હવાઈ આંખ' કહેવાતા
- રૂ. 6600 કરોડના ઈ-3 સેન્ટ્રી અવાક્સ વિમાનનો કચ્ચરઘાણ કાઢ્યો
- મધ્ય-પૂર્વમાં 10,000 વધારાના સૈનિકો મોકલવા અંગે પેન્ટાગોનની વિચારણા
- મધ્ય-પૂર્વના યુદ્ધમાં એક મહિનામાં કુલ 3,000થી વધુ લોકોનાં મોત નીપજ્યાં
દુબઈ: મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધને એક મહિનો થઈ ગયો છે ત્યારે આ યુદ્ધ હવે વધુ વિનાશક બની રહ્યું છે. ઈરાન પર જમીની હુમલા તથા ખાર્ગ ટાપુ પર કબજો કરી તેના અર્થતંત્રને ખતમ કરવાના આશયથી અમેરિકાના વધુ ૩૫૦૦ મરિન કમાન્ડો સાથે યુએસએસ ત્રિપોલી યુદ્ધ જહાજ મધ્ય-પૂર્વમાં પહોંચી ગયું છે. બીજીબાજુ અમેરિકાને જમીની હુમલા માટે ઉશ્કેરતા હોય તેમ ઈરાને ધમકી આપી કે અમેરિકન મરીન સૈનિકોને તાબૂતમાં મોકલીશું. ઈરાનની સંસદના અધ્યક્ષે કહ્યું કે, આવો તમારું સ્વાગત છે. તમને રાખ બનાવી નરકમાં મકોલવા અમે તૈયાર છીએ. ઈરાને મિસાઈલ હુમલો કરી સાઉદી અરબના પ્રિન્સ સુલ્તાન એરબેઝ પર અમેરિકાની 'હવાઈ આંખ' કહેવાતા રૂ. ૬૬૦૦ કરોડના ઈ-૩ સેન્ટ્રી અવાક્સ વિમાનને તોડી પાડયું હતું.
મધ્ય-પૂર્વમાં એક મહિનાથી ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા માટે એકબાજુ અમેરિકા પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ઈરાન સાથે વાટાઘાટો કરી રહ્યું છે ત્યારે બીજીબાજુ ઈરાન પર જમીની હુમલા માટે અત્યાર સુધી સૈનિકો મોકલવાનો ઈનકાર કરી રહેલા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ ૩૫૦૦થી વધારે મરીન અને સૈનિકો સાથે મોકલેલું યુએસએસ ત્રિપોલી યુદ્ધ જહાજ મધ્ય-પૂર્વમાં પહોંચી ગયું છે. આ જહાજ સામાન્ય રીતે જાપાનમાં તૈનાત હોય છે. આ જહાજ પર એફ-૩૫ ફાઈટર જેટ, સીહોક હેલિકોપ્ટર્સ, વ્યક્તિગત પરિવહન માટેના કેટલાક ઓસ્પ્રે વિમાનો તૈનાત છે.
ના ના કરતા પ્રમુખ ટ્રમ્પે વધુ ૩૫૦૦ સૈનિકો મધ્ય-પૂર્વમાં મોકલ્યા
ઈરાન પર જમીની હુમલા માટે મધ્ય-પૂર્વમાં અમેરિકન સૈનિકોની સંખ્યા ૬૦૦૦ને પાર થઈ ગઈ છે, જે બે દાયકામાં મધ્ય-પૂર્વમાં અમેરિકાના સૈનિકોનો સૌથી મોટો કાફલો તૈનાત થયો હોવાના સંકેત આપે છે. આ પહેલાં અમેરિકાએ ૨૫૦૦થી વધારે મરીન સૈનિકો અને ૧,૦૦૦ સ્પેશિયલ કમાન્ડોની ટૂકડી પણ મધ્ય-પૂર્વમાં મોકલી હતી. આ બાબત એવા સંકેત આપે છે કે પેન્ટાગોન ઈરાનમાં અનેક મહિના સુધી ચાલનારા જમીની યુદ્ધની તૈયારી કરી રહ્યું છે.
સંપૂર્ણ જમીની આક્રમણના બદલે સ્પેશિયલ ઓપરેશનની રણનીતિ
જોકે, અણેરિકન અધિકારીઓનું કહેવું છે કે કોઈપણ સંભવિત ગ્રાઉન્ડ ઓપરેશન સંપૂર્ણપણે જમીની હુમલો નહીં હોય. અમેરિકાએ સચોટ હુમલાની રણનીતિ અપનાવી છે. અમેરિકન સૈનિકોની સ્પેશિયલ ફોર્સ સામાન્ય આર્મી જવાનો સાથે મળીને મહત્વના સ્થળોને નિશાન બનાવીને તુરંત પાછી ફરી શકે છે. વધુમાં આ તૈનાતી સાથે પેન્ટાગોન મધ્ય-પૂર્વમાં ૧૦,૦૦૦ વધારાના સૈનિકો મોકલવા પર વિચાર કરી રહ્યું છે.
અમેરિકાએ પહેલા પણ ખાર્ગ ટાપુ પર હુમલા કરી નુકસાન પહોંચાડયું
અમેરિકા ખાર્ગ ટાપુ પર કબજો અને હોર્મુઝની ખાડી પાસે સ્પેશિયર ઓપરેશનની યોજના બનાવી રહ્યું છે. જોકે, ટ્રમ્પે હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય કર્યો નથી. ખાર્ગ ટાપુને ઈરાનના અર્થતંત્રની કરોડરજ્જૂ મનાય છે. ઈરાનના ક્રૂડ ઓઈલના ૯૦ ટકા શિપમેન્ટ આ ટાપુ પરથી સંચાલિત થાય છે. અમેરિકા આ પહેલાં પણ ખાર્ગ ટાપુ પર હુમલો કર્યો હતો અને એનર્જી સાઈટ્સને નુકસાન પહોંચાડયું હતું.
ટ્રમ્પનો દુનિયા સામે વાતચીતનો દાવો, ગુપચુપ જમીની હુમલાની તૈયારી : ઈરાન
અમેરિકાના જમીની હુમલાના જોખમ વચ્ચે ઈરાનની સંસદના અધ્યક્ષ મોહમ્મદ ગાલિબાફે કહ્યું કે, અમેરિકા જાહેરમાં દુનિયા સામે વાતચીતનો દાવો કરે છે જ્યારે ગુપચુપ રીતે જમીની હુમલાની તૈયારી કરી રહ્યું છે. પરંતુ અમે અમેરિકાના સંભવિત જમીની હુમલાનો સામનો કરવા તૈયાર છીએ. ઈરાનની સેના અમેરિકન સૈનિકોની રાહ જોઈ રહી છે, જેથી તેમને સળગાવીને રાખ કરી શકે અને તેમના પ્રાદેશિક સહયોગીઓને હંમેશા માટે સજા આપી શકે. અમે અમેરિકન સૈનિકોનું સ્વાગત કરીએ છીએ. તેમને નરકમાં મોકલવા માટે અમે તૈયાર છીએ. અમે અમેરિકન સૈનિકોને તાબૂતમાં પાછા મોકલીશું. ઈરાન કોઈપણ કિંમતે ઝુકશે નહીં.
સાઉદીના પ્રિન્સ સુલ્તાન એરબેઝ પર ઈરાનનો મિસાઈલ-ડ્રોન હુમલો
દરમિયાન મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાનનું યુદ્ધ ભયાનક બની રહ્યું છે. ઈરાને મિસાઈલ હુમલો કરી અમેરિકન એરફોર્સની કરોડરજ્જુ અને 'હવાઈ આંખ' ગણાતા ઈ-૩ સેન્ટ્રી વિમાનને તોડી પાડયું છે. સાઉદી અરબના પ્રિન્સ સુલ્તાન એરબેઝ પર ઈરાનના મિસાઈલ અને ડ્રોન હુમલાએ અમેરિકન સૈન્ય ક્ષમતાઓને મોટો ફટકો પહોંચાડયો છે. અમેરિકન સૈન્યના ૭૦૦ મિલિયન ડોલર (અંદાજે રૂ. ૬૬૦૦ કરોડ)ની કિંમતના ઈ-૩ સેન્ટ્રી અવાક્સ વિમાનને ઈરાનના હુમલામાં ભારે નુકસાન થયું હતું. આ હુમલામાં ૧૦થી વધુ અમેરિકન સૈનિકો ઘાયલ થયા હતા. ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન બ્રોડકાસ્ટિંગ તેના એક્સ હેન્ડલ પરથી આ વિમાનની તસવીરો પણ પોસ્ટ કરી હતી.
ઈરાનના પરમાણુ કેન્દ્રો પર ત્રીજી વખત અમેરિકા-ઈઝરાયેલનો હુમલો
અમેરિકા અને ઈઝરાયેલે પણ ઈરાન પર હુમલા ચાલુ રાખ્યા છે. અમેરિકા અને ઈઝરાયેલે રવિવારે સવારે હોર્મુઝની ખાડી પાસે સ્થિત ઈરાનના એક શહેર બંદર ખમીરના ઘાટ પર હુમલો કર્યો હતો, જેમાં પાંચ લોકો માર્યા ગયા હતા અને ચાર લોકો ઘાયલ થયા હતા. તહેરાનમાં પણ વિસ્ફોટોના ભયાનક અવાજ સંભળાયા હતા. અમેરિકા અને ઈઝરાયેલે ઈરાનના પરમાણુ કેન્દ્રો પર ત્રીજી વખત હુમલો કર્યો હતો. જોકે, રેડિયેશનનું હજુ કોઈ જોખમ નહીં હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ઈઝરાયેલના હુમલામાં લેબેનોનમાં 1100થી વધુ મોતને ભેટયા
અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે એક મહિનાથી ચાલતા યુદ્ધમાં કુલ ૩,૦૦૦થી વધુ લોકોનાં મોત થયા છે. ઈરાનમાં ૧૯૦૦ લોકો માર્યા ગયા છે જ્યારે ઈઝરાયેલમાં ૧૯નાં મોત થયા છે. લેબેનોનમાં ઈઝરાયેલના હુમલામાં ૧,૧૦૦થી વધુનાં મોત થયા છે. ઈરાકમાં ઈરાન તરફથી મિલિશિયા જૂથો યુદ્ધમાં ઉતરતા સુરક્ષા દળના ૮૦ સૈનિકો માર્યા ગયા છે. અખાતના દેશોમાં ૨૦ લોકો અને વેસ્ટ બેન્કમાં ચાર લોકોના મોત થયા છે.
- સાઉદી પ્રિન્સ સલમાન મારી ચાપલુસી કરે છે : ટ્રમ્પની શેખી
મધ્ય-પૂર્વમાં ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સાઉદી અરબના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન તેમની ચાપલૂસી કરતા હોવાનો દાવો કર્યો હતો. ફ્લોરિડામાં સાઉદી અરબ સમર્થિત રોકાણ મંચ પર ટ્રમ્પે કહ્યું, પ્રિન્સ સલમાનને આશા નહોતી કે તેમના પ્રમુખપદ હેઠળ અમેરિકા આટલી મજબૂતીથી પુનરાગમન કરશે. સાઉદી નેતા પ્રિન્સ સલમાને મને કહ્યું, તમે જાણો છો, આ આશ્ચર્યની વાત છે. એક વર્ષ પહેલા અમેરિકા એક મરેલા અર્થતંત્રવાળો દેશ હતો. અને હવે તમે ખરેખર આખી દુનિયામાં સૌથી વિકસિત દેશ બની ગયા છો.
ક્રાઉન પ્રિન્સે મારા અંગે ખોટી ધારણા બનાવી લીધી હતી. તેમને નહોતું લાગતું કે અમેરિકા ઝડપથી પુનરાગમન કરશે. તેમને નહોતું લાગતું કે તેમણે મારી ચાપલૂસી કરવી પડશે. તેમને લાગતું હતું કે, હું એક વધુ નિષ્ફળ પ્રમુખ બનીશ, પરંતુ હવે તેમણે મારી સાથે સારો વ્યવહાર કરવો પડે છે. સાથે ટ્રમ્પે ક્રાઉન પ્રિન્સ સલમાનને શાનદાર વ્યક્તિ અને યોદ્ધા પણ ગણાવ્યા હતા.

- ઈરાને અધિકારીઓની તસવીરો જાહેર કરી અમેરિકાના આ બે અધિકારીઓએ 168 બાળકોની હત્યા કરી : ઈરાન
તહેરાન: અમેરિકા અને ઈઝરાયેલે એક મહિના પહેલા ઈરાન પર હુમલા કરીને મધ્ય-પૂર્વમાં યુદ્ધની શરૂઆત કરી હતી. આ સમયે ઈરાનના મિનાબ શહેરમાં એક સ્કૂલ પર પણ હુમલો કરાયો હતો, જેમાં ૧૬૮ બાળકોનાં મોત નીપજ્યાં હતા. હવે ઈરાને આ હુમલા માટે જવાબદાર અમેરિકન નેવીના બે અધિકારીઓની તસવીરો જાહેર કરી છે. આ સાથે ઈરાને લખ્યું આ બે અધિકારીઓને યાદ રાખો. કમાન્ડર લી આર ટેટ અને એક્ઝીક્યુટીવ અધિકારી જેફ્રી ઈ. યોર્ક ૧૬૮ બાળકોની હત્યા માટે જવાબદાર છે. આ બંને અધિકારીઓએ ત્રણ વખત ટોમહોક મિસાઈલો લોન્ચ કરવાનો આદેશ આપ્યો હતો. આ બંને અધિકારી યુએસએસ સ્પ્રુએન્સ પર તૈનાત હતા. ભારતમાં ઈરાની દૂતાવાસે એક્સ પર પોસ્ટમાં લખ્યું, આ બે દરિંદાને યાદ રાખો, જેમણે ઈરાદાપૂર્વક ત્રણ વખત મિસાઈલો નાંખી ૧૬૮ માસૂમ બાળકોની હત્યા કરી દીધી. દક્ષિણ આફ્રિકા અને નાઈજિરિયા સ્થિત દૂતાવાસોએ પણ આ પ્રકારના આકરા નિવેદનો આપ્યા હતા.
- અમેરિકા, ઈઝરાયેલ, ઈરાનની ગેરહાજરીમાં ઈસ્લામાબાદમાં પાકિસ્તાન, તુર્કીયે, સાઉદી, ઈજિપ્તની શાંતિ મંત્રણા
ઈસ્લામાબાદ: મધ્ય-પૂર્વમાં એક મહિનાથી ચાલી રહેલા યુદ્ધના કારણે આખી દુનિયામાં ક્રૂડ ઓઈલની કટોકટી સર્જાઈ છે અને દરેક દેશોના અર્થતંત્ર હચમચી ગયા છે. આવા સમયે આ યુદ્ધને રોકવા માટે પાકિસ્તાનમાં ચાર મુસ્લિમ દેશોએ શાંતિ મંત્રણા હાથ ધરી છે. આ શાંતિ મંત્રણામાં ભાગ લેવા માટે તુર્કીયે, સાઉદી અરબ અને ઈજિપ્તના વિદેશ મંત્રીઓ ઈસ્લામાબાદ પહોંચી ગયા છે. જોકે, રસપ્રદ બાબત એ છે કે આ શાંતિ મંત્રણામાં જેમની વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તે અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન ગેરહાજર છે.
પાકિસ્તાને ગયા સપ્તાહે યુદ્ધ રોકવા માટે અમેરિકાનો ૧૫ મુદ્દાનો પ્લાન ઈરાનને આપ્યો હતો, જેને ઈરાને ફગાવી દીધો હતો. બીજીબાજુ ઈરાને પાંચ મુદ્દાનો પ્લાન જાહેર કર્યો હતો, જેને અમેરિકા-ઈઝરાયેલે નકારી કાઢ્યો હતો.
- ખાડી યુદ્ધમાં રશિયા ઈરાનને મદદ કરે છે : ઝેલેન્સ્કી
દુબઈ: અમેરિકા-ઈઝરાયેલના હુમલાઓના જવાબમાં ઈરાન પણ એકદમ સચોટ મિસાઈલ અને ડ્રોન હુમલા કરી રહ્યું છે, જેના પગલે મધ્ય-પૂર્વનું યુદ્ધ દિવસે ને દિવસે વધુ ભયાનક બની રહ્યું છે. આવા સમયે યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ દાવો કર્યો કે મધ્ય-પૂર્વના યુદ્ધ વચ્ચે રશિયાએ સાઉદી અરબમાં સ્થિત અમેરિક સૈન્ય બેઝની ઉપગ્રહ તસવીરો અનેક વખત લીધી હતી અને આ માહિતી ઈરાનને આપી હતી. આ તસવીરોની મદદથી ઈરાન અમેરિકન બેઝ પર સચોટ હુમલા કરી રહ્યું છે. યુક્રેનની ગુપ્તચર એજન્સીએ તૈયાર કરેલા રિપોર્ટમાં સામે આવ્યું છે કે રશિયાના સેટેલાઈટે પ્રિન્સ સુલ્તાન એરબેઝની ૨૦ માર્ચ, ૨૩ માર્ચ અને ૨૫ માર્ચે તસવીરો લીધી હતી. તેના બરાબર એક દિવસ પછી એટલે કે ૨૬ માર્ચે ઈરાને સાઉદી અરબમાં અમેરિકાના એરબેઝ પર ૬ બેલિસ્ટિક મિસાઈલો અને ૨૯ ડ્રોનથી હુમલો કર્યો હતો, જેમાં ૧૫ સૈનિકો ઘાયલ થયા હતા. ઝેલેન્સ્કી હાલ યુક્રેનની એર ડિફેન્સ સિસ્ટમ શૅર કરવા અને ખાડી દેશો સાથે સહયોગ વધારવા ગલ્ફની મુલાકાતે છે.


