મિડલ ઈસ્ટમાં યુદ્ધ વકરશે! સાથી દેશો પર હુમલા બાદ ભડકેલા ટ્રમ્પે ઈરાનના વોટર પંપને નિશાન બનાવ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Donald Trump and Iran War News : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે અત્યંત ભયાનક તબક્કામાં પહોંચી ગયું છે. બંને દેશોએ એકબીજા પર તીવ્ર મિસાઈલ અને ડ્રોન હુમલા શરૂ કરી દીધા છે. અમેરિકાના હુમલાના જવાબમાં ઈરાને મિડિલ-ઈસ્ટના ઘણા દેશોમાં આવેલા અમેરિકાના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે, જ્યારે ઈરાને 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' ને ફરી એકવાર બંધ કરી દીધું છે. આ યુદ્ધ ફાટી નીકળતાં જ હોર્મુઝ સ્ટ્રેટ ફરી એકવાર જંગનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે.
અમેરિકાની એર સ્ટ્રાઈક અને ટ્રમ્પનું નિવેદન
અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું છે કે અમેરિકાએ ઈરાન વિરુદ્ધ નવી એર સ્ટ્રાઈકની સિરીઝ શરૂ કરી છે. આ હુમલાઓમાં ઈરાનની મિસાઈલ સિસ્ટમ, એર ડિફેન્સ સ્ટેશનો અને IRGC ની સ્પીડબોટ્સને તોડી પાડવામાં આવી છે. સેન્ટ્રલ કમાન્ડના પ્રવક્તા ટિમ હોકિન્સે જણાવ્યું કે અમેરિકાના લડાયક વિમાનોએ ઈરાનની એક ક્રૂઝ મિસાઈલ અને એક આત્મઘાતી ડ્રોનને હવામાં જ ફૂંકી માર્યા છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રોયટર્સને આપેલા ઈન્ટરવ્યુમાં ગર્વભેર કહ્યું કે, "અમે તેઓને (ઈરાનને) બહુ ખરાબ રીતે પીટી રહ્યા છીએ."
ઈરાનમાં શ્રેણીબદ્ધ ધડાકા અને વોટર પંપ પર હુમલો
અમેરિકાના બોમ્બમારા બાદ ઈરાનના બંદર અબ્બાસ, કેશ્મ દ્વીપ, જાસ્ક, સિરીક અને બુશેહરમાં પ્રચંડ ધડાકા સંભળાયા હતા. કેશ્મના ગવર્નર હુસૈન અમીર તૈમુરીએ જણાવ્યું કે દુશ્મનના 10 થી 11 પ્રોજેક્ટાઈલ દ્વીપ પર આવીને પડ્યા છે, જોકે આ તમામ હુમલા સૈન્ય ઠેકાણાઓ પર થયા હોવાથી કોઈ નાગરિક જાનહાનિ થઈ નથી. બીજી તરફ, ઈરાનની સત્તાવાર ન્યૂઝ એજન્સી 'ઈરના' ના જણાવ્યા અનુસાર, હોર્મોઝગાનમાં અમેરિકાના હુમલા દરમિયાન એક મેન્ટેનન્સ કર્મચારીનું મોત થયું છે. આ ઉપરાંત ઈરાનના મશહરમાં એક વોટર પમ્પિંગ સ્ટેશન પર થયેલા અમેરિકાના હુમલામાં પણ એક વ્યક્તિનું મોત થયું છે અને ચાર લોકો ઘાયલ થયા છે.
ઈરાનનો ખાડી દેશોમાં વળતો પ્રહાર
અમેરિકાના હુમલાથી ઉશ્કેરાયેલા ઈરાને આખા મિડિલ ઈસ્ટમાં અમેરિકા સાથે જોડાયેલા ઠેકાણાઓ પર રોકેટ અને ડ્રોનનો વરસાદ કરી દીધો છે. ઈરાને જોર્ડનમાં અમેરિકાના કમાન્ડ સેન્ટર, કુવૈતમાં હિમાર્સ (HIMARS) મિસાઈલ લોન્ચર સિસ્ટમ, ઓમાનમાં એરક્રાફ્ટ કેરિયર સપોર્ટ પ્લેટફોર્મ અને કતારમાં જેટ મેન્ટેનન્સ સેન્ટર પર હુમલા કર્યા હોવાનો દાવો કર્યો છે. આ હુમલાની લપેટમાં અન્ય દેશો પણ આવ્યા છે. કુવૈતના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે તેમની ત્રણ સરહદી ચોકીઓ અને ઓઈલ ડ્રિલિંગ પ્લેટફોર્મને નુકસાન થયું છે. કતારે પણ મિસાઈલનો કાટમાળ પડવાને કારણે એક બાળક સહિત ત્રણ લોકો ઘાયલ થયા હોવાની પુષ્ટિ કરી છે અને આ માટે સીધું ઈરાનને જવાબદાર ઠેરવ્યું છે.
હોર્મુઝ દરિયાઈ માર્ગ પર અંકુશનો વિવાદ
ઈરાનની 'પર્સિયન ગલ્ફ સ્ટ્રેટ ઓથોરિટી' એ કડક વલણ અપનાવતા જાહેરાત કરી છે કે અમેરિકાના સેનાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કારણે કોઈ પણ જહાજને હવે હોર્મુઝ માર્ગ પરથી પસાર થવા દેવામાં આવશે નહીં. જોકે, અમેરિકાએ ઈરાનના આ દાવાને ફગાવી દેતા કહ્યું છે કે આ જળમાર્ગ પર ઈરાનનો કોઈ કંટ્રોલ નથી. અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા મુજબ, જહાજોની અવરજવર ચાલુ છે અને અમેરિકાના સેના દરિયાઈ માર્ગની સ્વતંત્રતા અને સુરક્ષા રક્ષા માટે સંપૂર્ણ સજ્જ છે. આ દરમિયાન, ઈરાનના વિદેશ મંત્રાલયે અમેરિકાના હુમલાની આકરી નિંદા કરી છે અને આરોપ લગાવ્યો છે કે મસ્કટમાં ઓમાન સાથે ચાલી રહેલી દરિયાઈ માર્ગની શાંતિ વાર્તા અમેરિકાના દબાણને કારણે જ અનિર્ણિત રહી છે.









