યુરોપમાં આક્રોશનો જ્વાળામુખી: મોંઘા મકાનો અને ભાડા સામે પોર્ટુગલથી લઈને ફ્રાન્સ સુધી જનતા રસ્તા પર!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Europe Housing Crisis : યુરોપના દેશોમાં સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે સામાન્ય નાગરિકો માટે ઘર ખરીદવું કે ભાડે રહેવું અસહ્ય બની ગયું છે. કમાણી કરતાં ખર્ચમાં થયેલો તોતિંગ વધારો, આકાશે આંબી ગયેલા મકાનોના ભાવ, ઊંચા ભાડા અને કથળતી જતી સરકારી સેવાઓને કારણે લોકોની મુશ્કેલીઓ ચરમસીમાએ પહોંચી છે. આ અસંતોષના પગલે પોર્ટુગલ, ફ્રાન્સ, ઈટાલી અને બેલ્જિયમ જેવા દેશોમાં જનતા વિરોધ પ્રદર્શન માટે રસ્તા પર ઉતરી આવી છે. યુરોપિયન યુનિયનના સત્તાવાર આંકડા અનુસાર, વર્ષ 2026 ના બીજા ક્વાર્ટરમાં ગત વર્ષની સરખામણીએ ઘરોની કિંમતોમાં 4.7 ટકા અને ભાડામાં 3 ટકાનો વધારો નોંધાયો છે, જેના કારણે સસ્તું અને પરવડે તેવું આવાસ ઉપલબ્ધ કરાવવું સરકારો માટે મોટી કસોટી બની ગયું છે.

પોર્ટુગલમાં ઘરના ભાવ બમણા થતાં રસ્તા પર તંબુ તાણ્યા
યુરોપમાં રહેઠાણની કટોકટી સૌથી ગંભીર સ્વરૂપે પોર્ટુગલમાં જોવા મળી રહી છે. રાજધાની લિસ્બન સહિતના મોટા શહેરોમાં 17 ઓક્ટોબરના રોજ હજારો નાગરિકો મોંઘવારી, ઓછા પગાર અને મોંઘા મકાનો સામે વિરોધ નોંધાવવા શેરીઓમાં ઉમટી પડ્યા હતા. ઘણા પ્રદર્શનકારીઓએ ઘરની અછત અને ઊંચા ભાડા સામે વિરોધ દર્શાવવા જાહેર સ્થળો પર તંબુ લગાવી દીધા હતા. વર્ષ 2017 પછી પોર્ટુગલમાં ઘરોના ભાવ બમણાથી પણ વધુ થઈ ચૂક્યા છે અને નવા કરારોમાં ભાડા પણ તેટલા જ વધ્યા છે, જેનાથી સામાન્ય પગારદાર પરિવારો અને યુવાનો માટે શહેરમાં રહેવું મુશ્કેલ બન્યું છે.

ફ્રાન્સમાં 5.5 લાખ લોકો રસ્તા પર: હિંસા અને અથડામણ
ફ્રાન્સમાં પણ 17 ઓક્ટોબરે આક્રોશ ફાટી નીકળ્યો હતો, જ્યાં આશરે 5.5 લાખ લોકો પ્રદર્શનમાં જોડાયા હતા. શરૂઆતમાં વિદ્યાર્થીઓ શિક્ષણ વ્યવસ્થા અને સુવિધાઓ સામે અવાજ ઉઠાવી રહ્યા હતા, પરંતુ બાદમાં મોંઘવારી, સરકારી બજેટમાં કાપ અને નબળી સેવાઓનો વિરોધ પણ તેમાં ભળી ગયો. અનેક શહેરોમાં આ પ્રદર્શનોએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં તોડફોડ અને પોલીસ સાથે ભારે ઘર્ષણની ઘટનાઓ બની હતી.

ઈટાલી અને બેલ્જિયમમાં વધતા બિલ સામે આક્રોશ
ઈટાલીના મિલાન, બોલોનિયા અને ટ્યુરિન જેવા ઔદ્યોગિક શહેરો ઉપરાંત બેલ્જિયમમાં પણ લોકો ખર્ચમાં થયેલા વધારા સામે મેદાનમાં આવ્યા છે. લોકો પોતાના ઘરના બજેટ, કમરતોડ યુટિલિટી બિલ અને મોંઘા ભાડા સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. મોટા શહેરોમાં રોજગાર માટે આવતા યુવાનો માટે ઘર શોધવું સૌથી મોટો પડકાર બની ગયો છે.

2015 પછી યુરોપમાં મકાનો 60 ટકા સુધી મોંઘા થયા
યુરોપિયન યુનિયનની કાઉન્સિલના ડેટા મુજબ, વર્ષ 2015 પછીથી યુરોપિયન દેશોમાં ઘરોની કિંમતોમાં સરેરાશ 60 ટકા જેટલો જંગી ઉછાળો આવ્યો છે. કેટલાક દેશોમાં આ વધારો તેનાથી પણ વધુ રહ્યો છે. પરિવારની આવકનો મોટો હિસ્સો મકાનના હપ્તા કે ભાડું ભરવામાં જ વપરાઈ જતો હોવાથી લોકો માટે સમયસર ચુકવણી કરવી મુશ્કેલ બની રહી છે.

સામાન્ય પરિવારનું બજેટ ખોરવાયું
આ આવાસ સંકટની સીધી અસર માત્ર ઘર ખરીદવા માગતા લોકો પૂરતી મર્યાદિત નથી, પરંતુ નોકરીની શોધમાં નીકળેલા યુવાનો, ઓછા વેતનવાળા કર્મચારીઓ અને નાના બાળકો ધરાવતા પરિવારો સૌથી વધુ પીડાઈ રહ્યા છે. આવકની સામે ઘરનું ભાડું ખૂબ ઝડપથી વધી જતાં પરિવારો પાસે ભોજન, સ્વાસ્થ્ય, શિક્ષણ અને અન્ય મૂળભૂત જરૂરિયાતો પાછળ ખર્ચ કરવા માટે બચત ઘટતી જાય છે.




