પુતિન અને ઝેલેન્સ્કીની મુલાકાત થશે? રશિયાએ કહ્યું- પહેલા આટલી શરતો માનવી પડશે
Vladimir Putin And Volodymyr Zelenskyy Meeting : રશિયા અને યુક્રેન વચ્ચે ત્રણ વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોડિમીર ઝેલેન્સ્કી વચ્ચે મુલાકાત થઈ શકે છે. રશિયાએ સંકેત આપ્યા છે કે, આ મુલાકાત બંને દેશો વચ્ચે શાંતિ સમજૂતી માટેનો આખરી તબક્કો હોઈ શકે છે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસકોવે કહ્યું કે, ‘પુતિન-ઝેલેન્સ્કી વચ્ચે મુલાકાત થવાની સંભાવના છે, પરંતુ વાટાઘાટ કરનારાઓ દ્વારા યોગ્ય આધાર તૈયાર કરાયા વગર મુલાકાત થવી અસંભવ છે. શાંતિ સમજૂતીના અંતિમ તબક્કાના ભાગરૂપે જ બંને વચ્ચે બેઠક થઈ શકે છે.
યુદ્ધવિરામ માટે ઝેલેન્સ્કીના અનેક પ્રયાસો
ઝેલેન્સ્કી યુદ્ધવિરામ માટે ઘણાં મહિનાઓથી પ્રયાસ કરી રહ્યા છે. તેમણે તાજેતરમાં જ શાંતિ વાર્તા માટે કેટલાક દેશોની મુલાકાત કરી હતી, જેમાં તેમણે બંને દેશોના રાષ્ટ્રપ્રમુખો વચ્ચે ઓગસ્ટના અંત સુધીમાં બેઠક યોજવા માટે પ્રસ્તાવ રાખ્યો હતો. ત્યારબાદ રશિયાએ સ્પષ્ટ કહ્યું હતું કે, જ્યારે બંને દેશો વચ્ચે યુદ્ધ રોકવા માટે ફાઈનલ સમજૂતી કરાર થાય, ત્યારે જ બંને દેશોના નેતાઓ વચ્ચે મુલાકાત થશે.
આ પણ વાંચો : થાઈલેન્ડ-કંબોડિયા વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ, ભારતીય દૂતાવાસે જાહેર કર્યું એલર્ટ
યુદ્ધવિરામ સરળ નથી : રશિયા
દિમિત્રી પેસ્કોવે ઓગસ્ટમાં શંકા વ્યક્ત કરી હતી કે, ‘યુદ્ધ અટકાવવા માટેની જટિલ પ્રક્રિયાને એક મહિનામાં પૂરી કરી અશક્ય લાગતી નથી. મોસ્કો અને કીવ યુદ્ધ મામલે ચર્ચા-વિચારણા કરવાની સ્થિતિમાં એકબીજાથી તદ્દન અલગ છે. બંનેને રાતોરાત એક સાથે લાવવા અસંભવ લાગી રહ્યું છે. આ માટે ખૂબ જ જટિલ રાજદ્વારી પ્રયાસોની જરૂર છે.’
યુદ્ધવિરામ માટેની ત્રીજા તબક્કાની બેઠક નિષ્ફળ ગઈ હતી
યુદ્ધવિરામ માટે રશિયા અને યુક્રેન વચ્ચે ઈસ્તંબુલમ શહેરમાં વાતચીત યોજાઈ હતી. ત્રીજા તબક્કાની બેઠક પરિણામ વગર પૂર્ણ થયા બાદ બંને દેશોએ એકબીજા પર ધડાધડ ડ્રોન હુમલા કર્યા હતા. રશિયન હુમલામાં ત્રણ લોકોના મોત થયા હોવાનો યુક્રેને દાવો કર્યો હતો. બીજીતરફ યુક્રેને ડ્રોન હુમલો કરતા રશિયામાં બે લોકોના મોત, 11 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બંને દેશોના આકરા વલણના કારણે યુદ્ધવિરામ માટેના પ્રયાસોમાં અડચણો ઉભી થઈ રહી છે.