થાઈલેન્ડ-કંબોડિયા વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ, ભારતીય દૂતાવાસે જાહેર કર્યું એલર્ટ
Thailand Cambodia Border Clash : થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ઘણાં વર્ષોથી બોર્ડરને લઈને વિવાદ તો ચાલી રહ્યો જ રહ્યો હતો, એવામાં હવે 24 જુલાઈ-થી બંને દેશો વચ્ચે ભારેલા અગ્નિ જેવો તણાવ અને હિંસા ચાલી રહી છે. આ તમામ ઘટના ક્રમ વચ્ચે ભારતીય દૂતાવાસે બંને દેશોમાં રહેલા ભારતીય અને ત્યાં પ્રવાસ કરવાનું આયોજન બનાવી રહેલા લોકો માટે એલર્ટ જાહેર કર્યું છે. દૂતાવાસે શુક્રવારે (25 જુલાઈ)એ એક એડવાઈ જાહેર કરીને નાગરિકોને કેટલાક હિંસાગ્રસ્ત વિસ્તારોની યાત્રા ન કરવા અને સત્તાવાર સ્રોતો પાસેથી સતત માહિતી મેળવવાની સલાહ આપી છે.
થાઈલેન્ડના આ સાત પ્રદેશોનો પ્રવાસ ટાળવા સલાહ
ભારતીય દૂતાવાસે કહ્યું છે કે, ‘ભારતના નાગરિકોએ થાઈલેન્ડના સાત પ્રદેશો ઉબોન રાચથાની, સુરિન, સિસાકેત, બુરીરામ, સા કૈઓ, ચાન્તાબુરી અને ત્રાટમાં પ્રવાસ કરવાનો ટાળવો જોઈએ. થાઈલેન્ડ-કંબોડિયા સરહદ પરની સ્થિતિને ધ્યાને રાખીને તમામ ભારતીયોને સલાહ આપવામાં આવે છે કે, તેઓ પ્રવાસ કરતા પહેલા થાઈલેન્ડની TAT જેવા સત્તાવાર સ્રોત પાસેથી માહિતી મેળવે.’
થાઈ સરકારે 20 સ્થળો પર પ્રતિબંધ લગાવ્યો
થાઇલેન્ડની ટુરિઝમ ઓથોરિટી (Tourism Authority of Thailand) તે પ્રતિબંધિત વિસ્તારોની યાદી શેર કરી છે, જ્યાં હાલ પ્રવાસ કરવો સુરક્ષિત નથી. આ 20 સ્થળોમાં ભારતીય દૂતાવાસે કહેલા સાત સ્થળ પણ સામેલ છે. સરકારે 20 સ્થળો પર સામાન્ય નાગરિકોના આવન-જાવન પર પ્રતિબંધ લગાવી દીધો છે.
આ પણ વાંચો : કંબોડિયાએ 60 વર્ષ જૂના હથિયાર કાઢીને થાઈલેન્ડમાં તબાહી મચાવી, જુઓ કોણે આપ્યા હતા
થાઈ સરકારે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો
થાઈ સરકારે સળગતી સ્થિતિને ધ્યાને રાખીને પ્રવાસીઓ માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો છે. સરકારે પ્રવાસીઓને કહ્યું છે કે, તેઓને જરૂર પડે ત્યારે ટીએટી કૉલ સેન્ટર 1672 પર સંપર્ક કરી શકે છે અથવા સંબંધિત પ્રાદેશિક કાર્યાલયો પાસેથી પણ માહિતી મેળવી શકે છે.
ઘર્ષણમાં અત્યાર સુધીમાં 16ના મોત, યુદ્ધ જેવી સ્થિતિ
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ગુરુવારે (24 જુલાઈ) હિંસક અથડામણ શરૂ થઈ હતી, જેમાં એક સૈનિક અને કેટલાક બાળકો સહિત ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા છે. ઘટનાઓમાં 15 સૈનિકો અને 30 સામાન્ય નાગરિકો પણ ઈજાગ્રસ્ત થયા છે. રિપોર્ટ મુજબ, હિંસા વધુ વકર્યા બાદ હજારો લોકોએ પોતાનું ઘર છોડી અન્ય સ્થાને પલાયન કરી રહ્યા છે. થાઇલેન્ડના કાર્યકારી વડાપ્રધાન ફુમથામ વેચયાચાઈએ ચેતવણી આપી છે કે, વર્તમાન સ્થિતિ નિયંત્રણથી બહાર જઈ શકે છે. હવે ઘૂસણખોરી અને આક્રમક કાર્યવાહીની સ્થિતિ ઉભી થઈ છે. સ્થિતિ ગંભીર હોવાના કારણે યુદ્ધ જેવી સ્થિતિ ઉભી થઈ છે. હાલ અહીં ભારે હથિયારોથી અથડામણ ચાલી રહી છે.
કેમ વકરી સ્થિતિ?
24મી જુલાઈ બંને દેશો વચ્ચે ઘર્ષણના એક દિવસ પહેલા થાઈલેન્ડે કંબોડિયાથી પોતાના રાજદૂતને પરત બોલાવી લીધા હતા. ત્યારબાદ સરહદ પર લેન્ડમાઇન વિસ્ફોટમાં એક થાઈ સૈનિક ઘાયલ થયો હતો, જેના કારણે બંને દેશો વચ્ચે તણાવ વધ્યો હતો અને થાઈલેન્ડે પોતાના રાજદૂતને પરત બોલાવી લીધા હતા. ઉલ્લેખનીય છે કે, મે મહિનામાં બંને દેશો વચ્ચે થયેલા સશસ્ત્ર સંઘર્ષમાં એક કંબોડિયાના સૈનિકનું મોત થયું હતું અને તેનાથી બંને દેશો વચ્ચેના સંબંધમાં તણાવ આવી ગયો હતો. ગત મહિને બંને દેશોએ એકબીજા પર કડક પ્રતિબંધો લગાવ્યા અને સરહદ પર સૈનિકોની સ્થિતિ વધારી દીધી.
આ પણ વાંચો : મિસાઇલ હુમલાથી કાટમાળમાં ફેરવાયા બૌદ્ધ મંદિર, થાઈલેન્ડ-કંબોડિયા યુદ્ધના ગંભીર પરિણામ