જ્યોર્જિયામાં સરકારી વિરોધી દેખાવ, લોકોના ટોળાએ રાષ્ટ્રપતિ ભવનને ઘેર્યો, સુરક્ષાદળો સાથે અથડામણ

Georgia Protest: જ્યોર્જિયાની રાજધાની તિબિલિસીમાં શનિવારે (4 ઓક્ટોબર) હજારો સરકાર વિરોધી પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ ભવન (ઓર્બેલિયાની પેલેસ) પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, જેના કારણે પોલીસ સાથે હિંસક અથડામણ થઈ. પોલીસે પ્રદર્શનકારીઓને વિખેરવા માટે પાણીનો મારો કરવામાં આવ્યો હતો. આ સિવાય પેપર સ્પ્રે અને આંસુ ગેસનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. અમુક પ્રદર્શનકારીઓ બેરિકેડિંગ તોડીને રાષ્ટ્રપતિ ભવન પરિસરમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યાર બાદ સ્થિતિ વણસી હતી.
કેમ થઈ રહ્યો છે વિરોધ?
આ વિરોધ પ્રદર્શન દેશમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સામે છે, જેનો મોટાભાગના વિરોધ પક્ષો દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો હતો, જે યુરોપિયન યુનિયન (EU) તરફી છે. જ્યોર્જિયાની વર્તમાન સરકારે યુરોપિયન સંઘ પર દેશમાં રમખાણો ભડકાવવાનો આરોપ લગાવ્યો છે. વડાપ્રધાન ઇરાકલી કોબાખિદ્ઝે કહ્યું કે, યુરોપિયન સંઘના ઝંડા સાથે તોફાનીઓએ રાષ્ટ્રપતિ ભવનની બહારના બેરિકેડ્સમાં આગ લગાવી હતી. તેમણે યુરોપિયન સંઘ રાજદૂત પર જ્યોર્જિયામાં 'બંધારણીય વ્યવસ્થાને ઉથલાવી પાડવાના પ્રયાસ'માં વિરોધીઓને મદદ કરવાનો આરોપ લગાવ્યો.
આ પણ વાંચોઃ એચ-1બી વિઝા ફી 1 લાખ ડોલર કરવા સામે ફેડરલ કોર્ટમાં કેસ
વિપક્ષનો આરોપ
ગયા વર્ષની સંસદીય ચૂંટણીઓથી જ્યોર્જિયા રાજકીય કટોકટીનો સામનો કરી રહ્યું છે. વિપક્ષે શાસક જ્યોર્જિયન ડ્રીમ પાર્ટી પર ચૂંટણીમાં ગોટાળા કરવાનો આરોપ લગાવ્યો છે. દેશની સંસદીય ચૂંટણીઓનું નિરીક્ષણ કરવા માટે નિયુક્ત આંતરરાષ્ટ્રીય નિરીક્ષકોએ પણ અનિયમિતતાઓ, હિંસા અને ધમકીઓને કારણે જ્યોર્જિયન ડ્રીમ પાર્ટીની જીતને ખામીયુક્ત જાહેર કરી હતી. ત્યારબાદ, વડાપ્રધાન ઇરાકલી કોબાખિદ્ઝેની આગેવાની હેઠળની સરકારે યુરોપિયન સંઘ જોડાણ વાટાઘાટો સ્થગિત કરી, જેનાથી જનતાનો ગુસ્સો વધુ ભડક્યો.
જ્યોર્જિયામાં સરકાર વિરોધી આંદોલને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. શનિવારે હજારો પ્રદર્શનકારીઓ જ્યોર્જિયા અને યુરોપિયન યુનિયન (EU)ના ઝંડા લહેરાવતા ત્બિલિસીના ફ્રીડમ સ્ક્વેર અને રુસ્તવેલી એવન્યુ પરથી માર્ચ કરતા રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા.
આ પણ વાંચોઃ ગાઝામાં ઈઝરાયેલના હુમલા યથાવત્ રહ્યા : 6 લોકોનાં મોત
આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલા પ્રસિદ્ધ ઓપેરા ગાયક પાતા બરચુલાદ્જે (Paata Burchuladze) એ એક ઘોષણા વાંચી હતી, જેમાં ગૃહ મંત્રાલયના કર્મચારીઓને જનતાની ઇચ્છાનું પાલન કરવા અને સત્તાધારી જ્યોર્જિયન ડ્રીમ પાર્ટીના વડાપ્રધાન ઇરાકલી કોબાખિદ્જે સહિત છ વરિષ્ઠ નેતાઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરવામાં આવી હતી.
નવા ચૂંટણી અને રાજકીય કેદીઓની મુક્તિની માંગ
પ્રદર્શનકારીઓ છેલ્લા કેટલાક મહિનાઓથી કડક કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. કોબાખિદ્ઝ સરકારે વિપક્ષી નેતાઓ, પત્રકારો અને પ્રદર્શનકારીઓ સામે કડક પગલાં લીધા છે, જેના કારણે ઘણા લોકો જેલમાં છે.
વિપક્ષે દેશમાં નવા સંસદીય ચૂંટણી કરાવવા અને લગભગ 60 રાજકીય કેદીઓને મુક્ત કરવાની માંગ કરી છે. તાજેતરના સ્થાનિક નગરપાલિકા ચૂંટણીના પ્રારંભિક પરિણામો મુજબ, જ્યોર્જિયન ડ્રીમ પાર્ટીએ 80% થી વધુ વોટ મેળવ્યા હતા અને રાજધાની ત્બિલિસી સહિત તમામ 64 નગરપાલિકાઓમાં જીત મેળવી હતી, જેને વિપક્ષે અવૈધ ગણાવી છે.
યુરોપિયન યુનિયનનો અસ્વીકાર
યુરોપિયન સંસદ અને આંતરરાષ્ટ્રીય સમુદાયે જ્યોર્જિયામાં થયેલા 2024ના સંસદીય ચૂંટણી પરિણામોને માન્યતા આપવાનો ઇનકાર કરી દીધો છે અને નવી ચૂંટણી યોજવાની માંગ કરી છે. પ્રદર્શનકારીઓ શાંતિપૂર્ણ ક્રાંતિની માંગ કરી રહ્યા છે, જ્યારે જ્યોર્જિયન ડ્રીમ પાર્ટી આ પ્રદર્શનોને વિદેશી ષડયંત્ર ગણાવી રહી છે.
પ્રદર્શનકારીઓ સત્તાધારી જ્યોર્જિયન ડ્રીમ પાર્ટી પર રશિયા તરફી હોવાનો આરોપ લગાવી રહ્યા છે. રાષ્ટ્રપતિ ભવન પાસે જ્યારે નકાબધારી પ્રદર્શનકારીઓના એક જૂથે બેરિકેડિંગ તોડવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસ સાથે તેમની ઝપાઝપી શરૂ થઈ હતી.
EUમાં જોડાવાની પ્રક્રિયા અટકી
ટીકાકારોનું કહેવું છે કે, જ્યોર્જિયન ડ્રીમ પાર્ટી, જેના પર તેના અબજોપતિ સંસ્થાપક અને પૂર્વ વડાપ્રધાન બિદ્ઝિના ઇવાનીશવિલીનો પ્રભાવ છે, તે દેશને તેના પ્રો-વેસ્ટ સ્ટેન્ડથી દૂર લઈ જઈ રહી છે. એક સમયે યુરોપિયન યુનિયનમાં જોડાવાનો મુખ્ય દાવેદાર રહેલો જ્યોર્જિયા, રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ પશ્ચિમી દેશો સાથેના સંબંધોમાં તણાવ દેખાઈ રહ્યો છે. ગત વર્ષની વિવાદિત ચૂંટણીઓ પછી સરકારે EUમાં જોડાવાની વાતચીત સ્થગિત કરી દીધી હતી, જેના કારણે દેશમાં વિરોધ પ્રદર્શનો વધ્યા છે.