એચ-1બી વિઝા ફી 1 લાખ ડોલર કરવા સામે ફેડરલ કોર્ટમાં કેસ

- વિવિધ સંગઠનોના જૂથે પ્રમુખ ટ્રમ્પના વધુ એક નિર્ણયને કોર્ટમાં પડકાર્યો
- બંધારણ મુજબ ટેક્સ અથવા ચાર્જ લગાવવાનો અધિકાર માત્ર કોંગ્રેસ પાસે, પ્રમુખને ફી વધારવાની સત્તા નથી: અરજદારો
- ટ્રમ્પ સરકારે એમ્પ્લોયર, ફેડરલ એજન્સી, પ્રોફેશનલ્સને અરાજક સ્થિતિમાં નાંખી દીધા: અરજદારોની દલીલ
સીએટલ : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આઈટી, ડૉક્ટર જેવી નોકરીઓ વિદેશીઓના હાથમાં જતી રોકવા માટે એચ-૧બી વિઝા ફી વધારીને ૧ લાખ ડોલર કરી નાંખી હતી. જોકે, ટ્રમ્પના આ નિર્ણયને પણ ફેડરલ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. ટ્રમ્પના આ નિર્ણય વિરુદ્ધ યુનિવર્સિટીઓના પ્રોફેસર અને અન્ય લોકોના જૂથે શુક્રવારે ફેડરલ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશી પ્રોફેશનલ્સ માટેના એચ-૧બી વિઝાની ફી ૧,૦૦૦ ડોલરથી વધારીને ૧ લાખ ડોલર કરવાના નિર્ણય મુદ્દે અમેરિકામાં કાયદાકીય લડાઈ શરૂ થઈ ગઈ છે. અનેક ટ્રેડ યુનિયનો, એમ્પ્લોયર અને ધાર્મિક સંગઠનોના એક ગઠબંધને શુક્રવારે સાન ફ્રાન્સિસ્કોની ફેડરલ કોર્ટમાં અરજી કરીને આ આદેશનો અમલ રોકવા માગ કરી છે.
અરજદારોમાં યુનાઈટેડ ઓટો વર્કર્સ યુનિયન, અમેરિકન એસોસિએશન ઓફ યુનિવર્સિટી પ્રોફેસર્સ, નર્સ ભરતી એજન્સી અને અનેક ધાર્મિક સંગઠનોનો સમાવેશ થાય છે. તેમણે દલીલ કરી છે કે ટ્રમ્પને કાયદા દ્વારા બનાવાયેલા વિઝા કાર્યક્રમમાં આ રીતે ફેરફાર કરવાનો અથવા નવી ફી વસૂલવાનો અધિકાર નથી. અમેરિકન બંધારણ મુજબ ટેક્સ અથવા ચાર્જ લગાવવાનો અધિકાર માત્ર કોંગ્રેસ પાસે છે. આ જૂથોના ગઠબંધને ફેડરલ કોર્ટમાં કેસ કરતા કહ્યું કે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારની આ યોજનાએ 'એમ્પ્લોયર, કામદારો અને ફેડરલ એજન્સીઓને' અરાજક સ્થિતિમાં નાંખી દીધા છે. સંગઠને ટ્રમ્પના આ નિર્ણયને ગેરકાયદે ગણાવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ ફરિયાદી પક્ષનું કહેવું છે કે આ ફેરફાર એમ્પ્લોયરને ચૂકવણી માટે મજબૂર કરે છે અથવા રાષ્ટ્રીય હિતો હેઠળ છૂટ માગે તો ભ્રષ્ટાચારનો રસ્તો ખુલી જાય છે.
સાન ફ્રાન્સિસ્કો સ્થિત યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દાખલ કેસમાં કહેવાયું છે કે એચ-૧બી કાર્યક્રમ સ્વાસ્થ્ય સેવા કર્મચારીઓ અને શિક્ષકોની નિમણૂકનો મહત્વપૂર્ણ માર્ગ છે. કેસમાં કહેવાયું છે કે તે અમેરિકામાં ઈનોવેશન અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપે છે અને એમ્પ્લોયરને વિશેષ ક્ષેત્રમાં ખાલી જગ્યા ફરવાની તક પૂરી પાડે છે.
ડેમોક્રેસી ફોરવર્ડ ફાઉન્ડેશન અને જસ્ટિસ એક્શન સેન્ટરે કહ્યું, આ કેસમાં કોઈ રાત નહીં મળતા હોસ્પિટલોને તબીબી કર્મચારીઓ, ચર્ચોને પાદરીઓ અને શિક્ષણના ક્ષેત્રમાં શિક્ષકોની અછતનો સામનો કરવો પડશે અને સમગ્ર દેશના ઉદ્યોગોને ઈનોવેટર્સને ગુમાવવાનું જોખમ રહે છે. અરજદારોએ ટ્રમ્પના આદેશ પર તુરંત સ્ટે મૂકવા માગ કરી છે. પ્રમુખ ટ્રમ્પે એચ-૧બી વિઝા અંગે ૧૯ સપ્ટેમ્બરે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં એચ-૧બી વિઝાની ફી વધારીને ૧ લાખ ડોલર કરી દેવાઈ હતી. ટ્રમ્પે આ સમયે કહ્યું હતું કે, એચ-૧બી વિઝા કાર્યક્રમનો ઈરાદાપૂર્વક દુરુપયોગ કરાઈ રહ્યો છે, જેના કારણે અમેરિકન પ્રોફેશનલ્સના બદલે તેમના કરતાં ઓછું વેતન મેળવતા વિદેશી પ્રોફેશનલ્સને રોજગારી પૂરી પાડવામાં આવે છે.
વિઝાના નવા નિયમોથી અમેરિકન અર્થતંત્ર પર વિપરિત અસરનું જોખમ : ઉદ્યોગ જગતની ટ્રમ્પને ચેતવણી
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એચ-૧બી વિઝા ફી વધારીને ૧ લાખ ડોલર કરવાના નિર્ણયનો ઉદ્યોગ જગતમાંથી પણ વિરોધ શરૂ થઈ ગયો છે. લગભગ એક ડઝનથી વધુ બિઝનેસ ગુ્રપે ટ્રમ્પ સરકારને પત્ર લખીને ચેતવણી આપી છે કે આ નિર્ણયથી અમેરિકન અર્થતંત્ર પર નકારાત્મક અસર પડી શકે છે અને કંપનીઓ માટે વિદેશી સ્કિલ્ડ ટેલેન્ટ મેળવવી મુશ્કેલ બની જશે. બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ પત્ર પર હસ્તાક્ષર કંપનીઓમાં બિઝનેસ સોફ્ટવેર અલાયન્સ, સેમીકન્ડક્ટર ઈન્ડસ્ટ્રી ગૂ્રપ એસઈએમઆઈ, નેશનલ રીટેલ ફેડરેશન, એન્ટરટેઈનમેન્ટ સોફ્ટવેર એસોસિએશન અને ઈન્ફર્મેશન ટેક્નોલોજી ઈન્ડસ્ટ્રી કાઉન્સિલનો સમાવેશ થાય છે. આ જૂથોનું કહેવું છે કે આ નવી ફી મહત્વપૂર્ણ ટેલેન્ટ પાઈપલાઈન પર વિપરિત અસર કરશે, જેનાથી મહત્વના પદો ખાલી રહી શકે છે. જોકે, ઉદ્યોગ જગતનું કહેવું છે કે આ નીતિથી ટેક્નોલોજી, હેલ્થકેર અને ફાઈનાન્સ જેવા સેક્ટરોને પણ ભારે ફટકો લાગશે. માઈક્રોસોફ્ટ, અમેઝોન, વોલમાર્ટ અને અનેક મોટી કંપનીઓ વર્ષોતી વિદેશી પ્રતિભાઓ પર નિર્ભર છે. એસઈએમઆઈ બોર્ડમાં સામેલ કંપનીઓમાં ઈન્ટેલ, ટીએસએમસી, સેમસંગ, અપ્લાઈડ મટિરિયલ્સ અને કેએલએનું કહેવું છે કે આ નિર્ણયથી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરની વૃદ્ધિ ધીમી પડી શકે છે.આ નીતિ અમેરિકાને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, એનર્જી અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં વૈશ્વિક નેતૃત્વથી પાછળ ધકેલી શકે છે.