ગાઝામાં ઈઝરાયેલના હુમલા યથાવત્ રહ્યા : 6 લોકોનાં મોત

- બોમ્બમારો રોકવા નિર્દેશ છતાં નેતન્યાહુ માન્યા નહીં
- ગાઝા સિટી, બુરેજ, ખાન યુનિસમાં ઈઝરાયેલના સૈન્યનો ગોળીબાર, હવાઈ હુમલામાં 20 ઘરનો નાશ
ગાઝા સિટી : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્ય-પૂર્વમાં શાંતિ માટે પીસ પ્લાન રજૂ કરવા છતાં ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ માન્યા નહીં અને ગાઝા સિટી પર હુમલા ચાલુ રાખ્યા છે. ઈઝરાયેલના હુમલામાં ગાઝામાં છ લોકોનાં મોત નીપજ્યાં હોવાનું પેલેસ્ટાઈનના મીડિયાએ જણાવ્યું છે.
ઈઝરાયેલ સૈન્યે શનિવારે સવારે એક નીવેદનમાં જણાવ્યું હતું કે, ચીફ ઓફ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ ઇયાલ જામિરે સૈનિકોને નિર્દેશ આપ્યા છે કે 'દરેક જોખમને ખતમ કરવામાં આવે.' આ આદેશ એવા સમયે આવ્યો છે જ્યારે હમાસે ટ્રમ્પની શાંતિ યોજનાને આંશિકરૂપે સ્વીકારવાની જાહેરાત કરી હતી. ટ્રમ્પે શુક્રવારે પીસ પ્લાન રજૂ કર્યા પછી ઈઝરાયેલે કહ્યું હતું કે, હવે ગાઝા પર બોમ્બમારો બંધ કરો અને બંધકોને સુરક્ષિત બહાર લાવો.
જોકે, પેલેસ્ટાઈનના મીડિયાએ જણાવ્યું કે, ગાઝા સિટીના તુફ્પાહ વિસ્તારમાં ઈઝરાયેલના હુમલામાં છ લોકોનાં મોત થયા છે. આ સિવાય બુરેજ અને ખાન યુનિસ ક્ષેત્રોમાં પણ ગોળીબાર કરવામાં આવ્યો છે. ગાઝાની સિવિલ ડિફેન્સે દાવો કર્યો કે ઈઝરાયેલે ટ્રમ્પના નિર્દેશ છતાં ગાઝા સિટી અને આજુબાજુના વિસ્તારો પર ડઝનબંધ હવાઈ હુમલા કર્યા છે. પ્રવક્તા મહમૂદ બસ્સલે કહ્યું કે, આ હિંસક રાત હતી. ઈઝરાયેલના સૈન્યે ગાઝા સિટી અને અન્ય વિસ્તારો પર ભારે બોમ્બમારો કર્યો છે. ૨૦ ઘરનો સંપૂર્ણપણે નાશ થઈ ગયો છે. ખાન યુનિસની નાસ્સર હોસ્પિટલે કહ્યું કે, ડ્રોન હુમલામાં બે બાળકોનાં મોત થયા અને આઠ લોકો ઘાયલ થયા છે.