World

VIDEO: રશિયન સેનાને અખતરો કરવો ભારે પડ્યો, હેલિકોપ્ટરના હથિયારે જમીન પર મચાવ્યો આતંક

By GS Team
13 Jul 20262 mins read
TukuTouch Logo
રશિયન સેનાનો એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે. ડ્રોન હુમલાથી બચવા રશિયન સૈનિકોએ હેલિકોપ્ટરની ભારે મશીનગન જમીન પર લગાવી ફાયરિંગનો પ્રયાસ કર્યો, પરંતુ ગન કાબૂ બહાર થઈ ગઈ. સૈનિકોએ જીવ બચાવવા ભાગવું પડ્યું હતું. Mi-24 હેલિકોપ્ટરની 'YakB-12.7' ગનનો 4000-5000 રાઉન્ડ/મિનિટનો રિકોઇલ સ્ટેન્ડ ઝીલી ન શકતા, ગન ગોળ ફરવા લાગી. આ ઘટના કોઈ ટ્રેનિંગ સેશન દરમિયાન બની હોવાનું મનાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: રશિયન સેનાને અખતરો કરવો ભારે પડ્યો, હેલિકોપ્ટરના હથિયારે જમીન પર મચાવ્યો આતંક

Russian Heavy Machine Gun Out Of Control : સોશિયલ મીડિયા પર રશિયન સેનાનો એક અત્યંત ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં ડ્રોન હુમલાથી બચવા માટે રશિયન સૈનિકોએ હેલિકોપ્ટરની ભારે મશીનગન જમીન પર લગાવીને ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ટ્રિગર દબાવતાં જ આ ગન કાબૂ બહાર થઈ ગઈ હતી અને સૈનિકોએ જીવ બચાવવા માટે આમ-તેમ ભાગવું પડ્યું હતું.

અખતરો કેવી રીતે જીવલેણ બન્યો?
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે સૈનિકો સોવિયત કાળના Mi-24 અટેક હેલિકોપ્ટરની ખાસ 'YakB-12.7' મશીનગનને જમીન પર ફિટ કરીને ટેસ્ટ કરી રહ્યા હતા. ફાયરિંગ શરૂ થતાં જ ગનના જોરદાર રિકોઈલ(પાછળ તરફ લાગતો ધક્કો)ના કારણે આખું માઉન્ટિંગ ઉખડી ગયું હતું. મશીનગન હવામાં ગોળ-ગોળ ઘૂમવા લાગી હતી અને ત્યાં ઊભેલા સૈનિકો તરફ વળી ગઈ હતી. આ અકસ્માતમાં એક સૈનિક તો છેલ્લી સેકન્ડે કૂદીને માંડ બચી શક્યો હતો.

કેટલી ખતરનાક છે આ મશીનગન?
આ હથિયાર 4 બેરલ વાળી ગેસ ઓપરેટેડ ગન છે, જે 12.7x108 mmના રાઉન્ડ વાપરે છે. તે 1 મિનિટમાં 4000થી 5000 રાઉન્ડ ફાયર કરવાની ક્ષમતા ધરાવે છે. હેલિકોપ્ટરનું મજબૂત માળખું આ ગનના ધ્રુજારી અને ધક્કાને સહન કરી લે છે, પરંતુ જમીન પર સામાન્ય સ્ટેન્ડ આ દબાણ ઝીલી શક્યું નહીં અને ગન આપમેળે ઘૂમવા લાગી હતી. આ ઘટના કોઈ ટ્રેનિંગ સેશન દરમિયાન બની હોવાનું મનાય છે.

રશિયાએ આવું કેમ કરવું પડ્યું?
રશિયા-યુક્રેન યુદ્ધમાં સસ્તા ડ્રોન મોટા હથિયારો માટે મોટો પડકાર બન્યા છે. તેનાથી બચવા માટે રશિયન સેના જૂના અને હેલિકોપ્ટરના હથિયારોને જમીન પર 'મોબાઇલ એન્ટી-ડ્રોન સિસ્ટમ' તરીકે વાપરવાનો નવો પ્રયોગ કરી રહી છે. લાંબા યુદ્ધ અને સંસાધનોની અછત વચ્ચે આ પ્રકારની વ્યૂહરચના સુરક્ષાના મોટા જોખમો પણ ઊભા કરે છે.

સોશિયલ મીડિયા પર ઉડી મજાક
આ વીડિયો વાયરલ થયા બાદ યુઝર્સ તેના પર જાતજાતની કમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે 1985ના ડિસ્કો સોન્ગનો ઉલ્લેખ કરીને 'યુ સ્પિન મી રાઇટ રાઉન્ડ' લખીને મજાક ઉડાવી હતી. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે, 'મશીનગનની સામે ઊભા રહ્યા પછી અચાનક એવો અહેસાસ થવો કે હું મશીનગનની જ સામે ઊભો છું.' લોકોએ છેલ્લી ઘડીએ કૂદીને જીવ બચાવનાર સૈનિકના નસીબના પણ વખાણ કર્યા હતા.