ડોનાલ્ડ ટ્રમ્પને જોરદાર ઝટકો, હાર્વર્ડની ફન્ડિંગમાં કાપ મૂકવાનો નિર્ણય પણ જજે પલટી નાખ્યો
Donald Trump News: ડોનાલ્ડ ટ્રમ્પને પહેલા ટેરિફ પછી કેલિફોર્નિયામાં સૈનિકોની તહેનાતી મામલે કોર્ટે જોરદાર ઝટકો આપ્યા બાદ હવે ફરી એક મામલે મોટો આંચકો કોર્ટે આપ્યો છે. માહિતી અનુસાર અમેરિકાની એક કોર્ટે ટ્રમ્પ સરકારના હાર્વર્ડ યુનિવર્સિટીને રિસર્ચ માટેના ભંડોળમાં 2.6 બિલિયન ડૉલરનો કાપ મૂકવાના નિર્ણયને ઉલટાવી દીધો.
આ નિર્ણય હાર્વર્ડ યુનિવર્સિટીની એક મોટી જીત છે. જસ્ટિસ એલિસન બરોઝે કહ્યું કે, ટ્રમ્પ સરકારે મૂકેલો આ કાપ ખોટો હતો અને હાર્વર્ડે સરકારની કેટલીક માંગણીઓ સ્વીકારવાનો ઇનકાર કર્યો હોવાથી બદલાની કાર્યવાહી રૂપે જ કરવામાં આવ્યો હતો.
શું છે સમગ્ર વિવાદ?
ટ્રમ્પ સરકારે હાર્વર્ડ પર કેમ્પસમાં યહૂદી વિરોધી પ્રવૃત્તિઓને રોકવામાં નિષ્ફળ જવા અને ત્યાં ઉદારવાદી વિચારોને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂક્યો હતો. 11 એપ્રિલે એક પત્ર દ્વારા ટ્રમ્પ વહીવટીતંત્રે હાર્વર્ડ પાસેથી કેમ્પસમાં થતા વિરોધ પ્રદર્શનો, શૈક્ષણિક નીતિઓ અને પ્રવેશ પ્રક્રિયાઓમાં વ્યાપક ફેરફારોની માંગ કરી હતી. પત્રમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોના વલણનું ઓડિટ કરવા, 'મેરિટ-આધારિત' પ્રવેશ અને નિમણૂક નીતિઓ લાગુ કરવા અને વિવિધતા, સમાનતા અને સમાવેશ (DEI) કાર્યક્રમો બંધ કરવા જેવા પગલાં લેવાની માંગ કરવામાં આવી હતી.
હાર્વર્ડે માગણીઓ ફગાવી
હાર્વર્ડે 14 એપ્રિલે આ માંગણીઓને નકારી કાઢી હતી, ત્યાર બાદ તરત જ ટ્રમ્પ વહીવટીતંત્રે રિસર્ચ ફન્ડિંગમાં 2.2 બિલિયન ડૉલરનો કાપ મૂકી દીધો હતો. મે મહિનામાં, શિક્ષણ સચિવ લિન્ડા મેકમોહને જાહેરાત કરી કે હાર્વર્ડ નવા ભંડોળ માટે પાત્ર નહીં રહે અને વહીવટીતંત્રે બાદમાં હાર્વર્ડ સાથેના કરારો રદ કરવાનું શરૂ કર્યું.
ન્યાયાધીશે ચુકાદામાં શું કહ્યું?
જસ્ટિસ બરોઝે તેમના 84 પાનાના આદેશમાં જણાવ્યું હતું કે, ટ્રમ્પ સરકારે યહૂદી વિરોધી પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કરીને રિસર્ચ ફન્ડિંગ ગેરકાયદેસર રીતે રોકવા માટે "બનાવટી વાર્તા" બનાવી હતી. જજે યહૂદી વિરોધી પ્રવૃત્તિઓના બહાના હેઠળ હાર્વર્ડનું ભંડોળ રોકવા મામલે સરકાર ખોટી હતી. સરકારે કાયદાના નિયમોનું પાલન કર્યું નથી. હાર્વર્ડને આપવામાં આવતા તમામ ભંડોળને પુનઃસ્થાપિત કરવામાં આવે અને ભવિષ્યમાં એવા કોઈ કાપ મૂકવામાં ન આવે જે હાર્વર્ડના અધિકારોનું ઉલ્લંઘન કરે.