VIDEO : કિમ જોંગે ડ્રિન્ક કર્યું તે ગ્લાસ પણ સાથે લઈ ગયા, પુતિન સાથે બેઠક બાદ તમામ જગ્યાઓ પરથી હટાવાયા નિશાન
Vladimir Putin And Kim Jong Un Meet : ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ વિમાનમાં નહીં માત્ર ટ્રેનમાં જ મુસાફરી કરતા હોવાની વાત જગજાણીતી છે. તેઓ તાજેતરમાં જ ટ્રેન મારફતે ચીન પહોંચ્યા હતા અને અહીં સૈન્ય પરેડમાં ભાગ લીધો હતો. ત્યારબાદ તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે પણ બેઠક યોજાઈ હતી, જોકે આ બેઠક બાદ એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો રાજદ્વારી પ્રોટોકોલ કરતાં ક્રાઇમ સીરીયલ જેવો વધુ લાગી રહ્યો છે, જેમાં કિમના કર્મચારીઓ તે દરેક વસ્તુની સફાઈ કરતા જોવા મળે છે, જેને કિમ જોંગ ઉને બેઠક દરમિયાન સ્પર્શ કર્યો હતો.
કિમના સ્ટાફે ગ્લાસ-ખુરશી બધુ જ સાફ કર્યું
ટેલિગ્રામ પરના વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, બેઠક પૂરી થયા બાદ કિમના બે કર્મચારીઓ ઝડપથી કામ કરતા જોવા મળે છે. એક કર્મચારી કિમની ખુરશીને ધ્યાનપૂર્વક સાફ કરે છે, જ્યારે બીજી કર્મચારી ફોરેન્સિક એક્સપર્ટની જેમ કિમનો ગ્લાસ સાવધાનીપૂર્વક ટ્રેમાં મૂકીને સાથે લઈ જાય છે. ખુરશીના હેન્ડલથી લઈને સાઈડ ટેબલ સુધી, દરેક વસ્તુને ત્યાં સુધી લૂછવામાં આવી. આ દરમિયાન ઉત્તર કોરિયાના નેતાની હાજરીનું એક પણ નિશાન છોડવામાં આવ્યું ન હતું. રશિયન પત્રકાર એલેક્ઝાન્ડર યુનાશેવે જણાવ્યું કે, કિમના કર્મચારીઓ કીમ જે ગ્લાસમાં પીણું પીધું હતું, તે પણ સાથે લઈ ગયા.
પુતિન અને કિમની બેઠક, પરસ્પર સહયોગનું વચન
બીજિંગમાં થયેલી આ બેઠકમાં કિમ જોંગ ઉને (North Korea Supreme Leader Kim Jong Un) રશિયાને સંપૂર્ણ સમર્થન આપવાનું વચન આપ્યું હતું. કિમએ પુતિનને કહ્યું કે, ‘જો હું તમારા અને રશિયન લોકો માટે કંઈ પણ કરી શકું તેમ હોઉં, તો હું તેને મારી ફરજ માનું છું.’ પુતિને (Russia President Vladimir Putin) પણ તેમને ઉષ્માભેર ડિયર ચેરમેન ઓફ સ્ટેટ અફેર્સ કહીને સંબોધ્યા હતા. આ મુલાકાત કોરોના મહામારી બાદ કિમની પ્રથમ ચીન યાત્રા હતી અને પુતિન અને શી જિનપિંગ બંને સાથે એક જ સમયે મુલાકાત કરવાનો આ પહેલો અવસર હતો.