World

અમેરિકાનો વધુ એક દેશ સાથે તણાવ, વેનેઝુએલાના રાષ્ટ્રપતિએ જનતાને કહ્યું- 'હથિયાર ઉઠાવો'

By GS TEAM
21 Sep 20253 mins read
TukuTouch Logo
અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. વાસ્તવમાં અમેરિકાએ કેરેબિયન સમુદ્રમાં યુદ્ધ જહાજો અને ફાઈટર જેટ તહેનાત કર્યા છે, જેને વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરોએ અઘોષિત યુદ્ધ ગણાવ્યું છે. તણાવ બાદ દેશમાં નાગરિકોને સૈન્ય તાલીમ આપવાની કામગીરી પણ શરૂ કરી દેવાઈ છે. આ ઉપરાંત માદુરોએ દેશના લોકોને દેશની રક્ષા કરવા માટે તૈયાર રહેવા હાકલ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકાનો વધુ એક દેશ સાથે તણાવ, વેનેઝુએલાના રાષ્ટ્રપતિએ જનતાને કહ્યું- 'હથિયાર ઉઠાવો'

America-Venezuela Controversy : અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. વાસ્તવમાં અમેરિકાએ કેરેબિયન સમુદ્રમાં યુદ્ધ જહાજો અને ફાઈટર જેટ તહેનાત કર્યા છે, જેને વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરોએ અઘોષિત યુદ્ધ ગણાવ્યું છે. તણાવ બાદ દેશમાં નાગરિકોને સૈન્ય તાલીમ આપવાની કામગીરી પણ શરૂ કરી દેવાઈ છે. આ ઉપરાંત માદુરોએ દેશના લોકોને દેશની રક્ષા કરવા માટે તૈયાર રહેવા હાકલ કરી છે. 

અમેરિકાએ 8 યુદ્ધ જહાજ, એક પરમાણુ સબમરીન તહેનાત કરતા વેનેઝુએલા ભડક્યું

અમેરિકાએ આશરે એક મહિના પહેલા વેનેઝુએલાના દરિયાકાંઠ પાસે આંતરરાષ્ટ્રીય વિસ્તારમાં આઠ યુદ્ધ જહાજો અને એક પરમાણુ સબમરીન તૈનાત કર્યા હતા. આ ઉપરાંત પ્યુર્ટો રિકોમાં 2000 મરીન સૈનિકો અને F-35 ફાઈટર જેટ વિમાનો પણ મોકલ્યા છે. અમેરિકાનો દાવો છે કે, તેણે એન્ટિ-ડ્રગ ઓપરેશન હેઠળ તહેનાતી કરી છે અને આ કાર્યવાહી હેઠળ અત્યાર સુધીમાં ત્રણ સ્પીડબોટનો નાશ કરાયો છે તેમજ ડઝનબંધ કથિત ડ્રગ તસ્કરોને મોતને ઘટા ઉતાર્યા છે.


રાષ્ટ્રપ્રમુખ માદુરોએ દેશના નાગરિકોને યુદ્ધ માટે તૈયાર રહેવા અપીલ કરી

અમેરિકાની કરતૂત બાદ રાષ્ટ્રપ્રમુખ માદુરો (Venezuela President Nicolas Maduro)એ દેશના નાગરિકોને સૈન્ય તાલીમ આપવાની શરૂ કરી દીધી છે. રાજધાની કરાકાસના પેટારે વિસ્તારમાં મુખ્ય રસ્તો બંધ કરીને હજારો નાગરિકોને હથિયાર ચલાવવા, પ્રાથમિક સારવાર અને લશ્કરી તાલીમ આપવામાં આવી રહી છે. સૈનિકો નાગરિકોને તાલીમ આપી રહ્યા છે. 


અમેરિકા પર તેલ, સોનું, હીરા પર કબ્જો કરવાનો આરોપ

માદુરોએ ગ્રામીણ વિસ્તારોમાં પણ જનસભા સંબોધી અને લોકોને યુદ્ધ માટે તૈયાર રહેવાની અપીલ કરી. તેમણે સંબોધનમાં ચેતવણી આપી કે, જો અમેરિકા હુમલો કરે, તો લાખો લોકો હથિયાર ઉઠાવવા માટે તૈયાર રહેવા જોઈએ. તેમણે અમેરિકા પર વેનેઝુએલાના તેલ, સોના અને હીરા પર કબ્જો કરવાનો આરોપ મૂક્યો છે. 

આ પણ વાંચો : ગાઝા ફરી બોમ્બમારાથી ધણધણી ઉઠ્યું, ઈઝરાયલના હુમલામાં એક જ દિવસમાં 91ના મોત

અમેરિકાનો માદુરો પર ડ્રગ તસ્કરીનો આરોપ

વેનેઝુએલાના સંરક્ષણ મંત્રી વ્લાદિમિર પાદ્રિનો લોપેઝે અમેરિકા પર અઘોષિત યુદ્ધ છંછેડવાનો આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે, ‘જનતા અને સેના મળીને દેશની રક્ષા કરશે.’ અમેરિકા લાંબા સમયથી માદુરો પર ડ્રગ તસ્કરીનો આરોપ લગાવતો રહ્યો છે. 2020માં તેમના પર ન્યૂયોર્કની એક અદાલતમાં કોકેઈન મોકલવાની કાવતરાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને હાલમાં તેમની ધરપકડ પરનું ઇનામ વધારીને 50 મિલિયન ડોલર કરવામાં આવ્યું છે. તણાવ બાદ માદુરોનું સત્તાવાર યુટ્યુબ એકાઉન્ટ અચાનક બંધ થઈ ગયું છે. તેમના 2 લાખથી વધુ ફોલોઅર્સ છે.

ટ્રમ્પે વેનેઝુએલાને આપી હતી ધમકી

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) ધમકી આપી હતી કે, જો વેનેઝુએલા અમેરિકામાં રહેતા ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા લેવાનો ઈનકાર કરશે તો તેણે ગંભીર પરિણામો ભોગવવા પડશે. તાજેતરમાં 185 વેનેઝુએલાના નાગરિકો ભરેલું એક અમેરિકન વિમાન કરાકાસ પહોંચ્યું હતું. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ 13000 પ્રવાસીઓને અમેરિકાથી પાછા મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચો : ચીનની દરિયાઈ તાકાતનો જવાબ! ભારતે બનાવ્યું મેગા ન્યૂક્લિયર રિએક્ટર, INS અરિહંતથી બેગણું શક્તિશાળી