કેનેડાથી ડેરી ઉત્પાદનો, દારૂ, બાઈકની આયાત પર અમેરિકા પ્રતિબંધ મુકશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- અમેરિકા અને કેનેડા વચ્ચેનું વેપાર યુદ્ધ તીવ્ર બન્યું
- કેનેડા અમેરિકા પરથી નિર્ભરતા ઘટાડી યુરોપિયન યુનિયન સાથે વધુ વેપાર કરવાની દિશામાં
ટોરોન્ટો : યુનાઈટેડ સ્ટેટસે કેનેડાથી આયાત થતા ડેરી ઉત્પાદનો આલ્કોહોલના મોટા ભાગના પીણા અને મોટરસાયકલ પર પ્રતિબંધ મુકવાનું જાહેર કર્યું છે. અમેરિકા અને કેનેડા વચ્ચે વેપાર યુદ્ધ હવે તીવ્ર બન્યું છે. આગામી ત્રણ સપ્તાહમાં પ્રતિબંધ અમલમાં આવશે. વ્હાઈટ હાઉસે આ સંબંધમાં મંગળવારે જાહેરાત કરી હતી. આ અગાઉ મંગળવારે કેનેડાએ યુએસની ૨૦ અબજ ડોલર મૂલ્યની માલસામાનની આયાત પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો હતો. કેનેડાએ જવાબી ટેરિફ લાદયા હતા.
અમેરિકી સરકારના જંગી અને લાંબા ગાળાના કોન્ટ્રેક્ટ્સમાંથી કેનેડાના ઉત્પાદનોને બહાર રાખવાનો નિર્ણય ટ્રમ્પે મંગળવારે જાહેર કર્યો હતો. ટ્રમ્પે યુએસ જનરલ સર્વિસિસ એડમિનિસ્ટ્રેશન (જીએસએ) કેનેડાના ઉત્પાદનોને કોન્ટ્રેક્ટ્સ માટે અપાત્ર ગણાવવાના નિર્દેશ આપ્યા હતા. કેનેડા જ્યાં સુધી અમેરિકાના ઉત્પાદનોને 'સંપૂર્ણ અને નિષ્પક્ષ પારસ્પરિકતાના આધારે છૂટ નહીં આપે ત્યાં સુધી કેનેડાના ઉત્પાદનોને અપાત્ર ગણાવવા ટ્રમ્પે જીએસએને આદેશ આપ્યો હતો. મંગળવારે કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીએ કહ્યું હતું કે હવે વધુ સ્વતંત્ર બનવાની કેનેડાની વ્યૂહરચના છે. કોઈ પણ દેશ અમને દબાવી નહીં શકે તે સુનિશ્ચિત કરવા આત્મનિર્ભર બનવા પર કેનેડાએ ભાર મૂક્યો છે. અમારી ઈચ્છા મુજબ અમે જીવીશું તેવું કાર્નીએ કહ્યું હતું.
યુરોપિયન યૂનિયન સાથે ગાઢ સંબંધો બનાવવાની દિશામાં કેનેડા પ્રયત્નો કરી રહ્યું છે. તેવું કેનેડાના એક અધિકારીએ કહ્યું હતું.
યુરોપીયન યુનિયન સાથેના હાલના કરારોનું વિસ્તરણ કરવા, નવી સંધિ કરવા અથવા અન્ય કોઈ પ્રકારે સહકાર આપવાના વિકલ્પો કેનેડા અજમાવશે.
આગામી સપ્તાહમાં કાર્ની ફ્રાન્સના સ્ટ્રાસબર્ગમાં જવાના છે. જ્યાં કાર્ની યુરોપિયન કમિશનના પ્રેસિડેન્ટ ઉર્સુલા વૉન ડેરે લેપેનના ભાષણમાં હાજરી આપશે. તે પછીના દિવસે કાર્ની યુરોપિયન પાર્લામેન્ટને સંબોધન કરશે.
અમેરિકા અને કેનેડા અર્થ તંત્રો એક બીજા સાથે જોડાયેલા છે. તેમની વચ્ચે સંરક્ષણ અને સુરક્ષાના ક્ષેત્રે ગાઢ સંબંધ છે. ટ્રમ્પે કેનેડાના સામાન પર ટેરિફ્સ લગાવ્યા છે જે બંને દેશ વચ્ચેના નોર્થ અમેરિકન ટ્રેડ એગ્રીમેન્ટનું ઉલ્લંઘન કરે છે. કેનેડાના આયાત પર અમેરિકી પ્રતિબંધથી મુશ્કેલી થશે પણ તે ટૂંકા ગાળાનું દુખ રહેશે. રોકાણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વેપાર અન્ય દેશો સાથે વિકસાવવા કેનેડાને પ્રેરિત કરશે તેવું કાર્નીએ કહ્યું હતું.
તે સહેલો વેપાર હતો, પણ અમે એક જ આર્થિક ભાગીદાર પર વધુ પડતા નિર્ભર થઈ ગયા હતા, તે સમય હવે પૂરો થઈ ગયો છે. તેવું તેમણે કહ્યું હતું.
હાલમાં કેનેડાની ૭૦ ટકાથી વધુ નિકાસ અમેરિકામાં થઈ રહી છે. આથી અન્ય દેશો સાથે વેપાર વધારવામાં કેનેડાને કપરાં ચઢાણ રહેશે. આગામી દશકમાં કેનેડાની નિકાસ અન્ય દેશો સાથે બમણી થવાના માર્ગ પર છે તેવું કાર્નીએ કહ્યું હતું.
કેનેડાએ લાદેલા ટેરિફ્સથી અમેરિકાના સ્ટીલ, એલ્યુમિનિયમ, ચીઝ, અપ્લાયન્સિસ, વસ્ત્રો, કોસ્મેટિક્સ અને ફાર્મ ઈક્વિપમેન્ટ પર વ્યાપક અસર પડશે. કેનેડાએ ૧૫ ટકા, ૨૫ ટકા અથવા ૫૦ ટકા ટેરિફ્સ લાદ્યા છે. ૨૦ અબજ ડોલરના અમેરિકન સામાન પર ટેરિફ લદાયો છે.
કેનેડાની કંપનીઓએ યુએસ ટેરિફ ભરવા પડે તો અમેરિકાનો સામાન ટેરિફ વગર કેવી રીતે કેનેડામાં પ્રવેશી શકે તેવું કાર્નીએ કહ્યું હતું. કેનેડાના શ્રમિકોને બચાવવા ટેરિફ જરૂરી છે તેવું કાર્નીએ કહ્યું હતું.
કેનેડા પાસે સાચી આર્થિક ભાગીદારીના સ્થાને અમેરિકા પર કેનેડા વધુ નિર્ભર બને તેવી અમેરિકાની ઈચ્છા હતી. તેવું કાર્નીએ કહ્યું હતું.
યુએસ-કેનેડા વચ્ચેની વેપાર વાટાઘાટોમાં ૨૧મી ઓગસ્ટે ભંગાણ પડયું હતું. તે પછી ટ્રમ્પ અને ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને કેનેડા પર વધારાના ટેરિફ લાદયા છે. કેનેડાને નબળુ અને યુએસ પર નિર્ભર ગણાવીને અમેરિકાએ કેટલીક ચેતવણીઓ આપી હતી.
ટ્રમ્પે શરૂ કરેલા વેપાર યુદ્ધ અને કેનેડાને અમેરિકાનું ૫૧મું રાજ્ય બનાવવાના વારંવારના નિવેદનને પગલે કેનેડામાં પ્રજા રોષે ભરાઈ છે. કેનેડિયનોએ યુએસનો પ્રવાસ કરવાનું ઘટાડયું છે અને અમેરિકાના માલસામાનનો બહિષ્કાર કર્યો છે.




