‘હું નેતન્યાહૂથી ખુશ નથી...', ટ્રમ્પે ઇઝરાયલના વડાપ્રધાનને ફોન કરીને કહ્યા અપશબ્દો, જાણો મામલો
Donald Trump Against PM Benjamin Netanyahu : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે વાંધો પડ્યા બાદ હવે ઈઝરાયલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂથી પણ વાંધો પડ્યો છે. ઈઝરાયેલે તાજેતરમાં જ કતાર પર વિમાની હુમલા કર્યા હતા, જેના કારણે ટ્રમ્પ નારાજ થયા છે અને કહ્યું કે, ‘નેતન્યાહુ મને પરેશાન કરી રહ્યા છે.’ ધ વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, આ હુમલાથી ટ્રમ્પ એટલા ગુસ્સે થયા કે તેમણે નેતન્યાહુને ફોન કરીને અપશબ્દો કહ્યા છે.
નેતન્યાહૂ મને પરેશાન કરી રહ્યા છે : ટ્રમ્પ
મીડિયા રિપોર્ટ મુજબ, ટ્રમ્પે અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયો (Marco Rubio)ને કહ્યું કે, નેતન્યાહૂ તેમને પરેશાન કરી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું કે, તેઓ નેતન્યાહૂથી ખુશ નથી અને આવા હુમલાઓ ઈઝરાયલ-અમેરિકાના લક્ષ્યોને આગળ વધારતા નથી. એવું કહેવાય છે કે, ઈઝરાયલે કતારમાં હુમલા અંગે વ્હાઈટ હાઉસને માહિતી આપી ન હતી. જેના કારણે ટ્રમ્પે નેતન્યાહૂને ફોન કરીને નારાજગી વ્યક્ત કરી હતી. આ દરમિયાન ટ્રમ્પે નેતન્યાહૂને અપશબ્દો પણ કર્યા હતા.
‘અમે નેતન્યાહૂ સાથે સંબંધો નહીં તોડીયે’
બીજીતરફ ટ્રમ્પે કહ્યું કે, નેતન્યાહૂ તેમને પરેશાન કરી રહ્યા છે, જોકે તેમણે એમ પણ કહ્યું કે, તેઓ જાહેરમાં નેતન્યાહુ સાથે સંબંધો નહીં તોડે. ઈઝરાયલ ઈરાન, લેબનાન, સીરિયા, યમન અને હવે કતારમાં સતત હુમલાઓ કરી રહ્યું છે, જેના કારણે ટ્રમ્પ નારાજ થયા હોવાનું કહેવાઈ રહ્યું છે. ઈઝરાયલની આ કાર્યવાહી ગાઝા યુદ્ધ અને મધ્ય પૂર્વની નીતિ સંબંધિત ટ્રમ્પના લક્ષ્યોથી વિરુદ્ધ માનવામાં આવે છે.
ટ્રમ્પ પુતિનથી પણ નારાજ
આ પહેલા ટ્રમ્પ વ્લાદિમીર પુતિન (Russia President Vladimir Putin)થી નારાજ થયા હતા. તેમણે બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટામર (UK PM Keir Starmer) સાથેની એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, પુતિને મારો ભરોસો તોડ્યો છે અને તેઓ યુક્રેન સાથે સમાધાન કરવા માટે તૈયાર થતા નથી. આશા હતી કે, યુક્રેન યુદ્ધનું સરળતાથી સમાધાન થઈ જશે, જોકે પુતિને તેમનો ભરોસો તોડ્યો છે.
આ પણ વાંચો : 'તાલિબાન સાથે સમજૂતી કરી અફઘાનિસ્તાનનું 'બાગ-રામ' એરબેઝ ફરી હસ્તગત કરાશે' : ટ્રમ્પ