‘ચાર દિન કી ચાંદની’ જેવી ટ્રમ્પની દોસ્તીઃ ભારત હોય કે ચીન, તરંગી સ્વભાવના ટ્રમ્પ કોઈના સગા નથી
| ||||
US President Donald Trump : અમેરિકન પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પને જીતાડવામાં બિઝનેસમેન ઈલોન મસ્કનો કેટલો મોટો ફાળો છે એ સૌ કોઈ જાણે છે. ચૂંટણી પ્રચાર વખતે તેમણે એકબીજાને આપેલો સહકાર ગાઢ મિત્રતામાં પરિણમ્યો હતો, પરંતુ એ પછી કંઈક એવું બન્યું કે બંનેની દોસ્તી તૂટી ગઈ અને આજે સ્થિતિ એ આવી છે કે બંને એકબીજા વિશે ટીકાત્મક નિવેદનો આપતા રહે છે. ફક્ત મસ્ક જ નહીં, ટ્રમ્પ તેમની નીતિઓ અને સ્વભાવને લીધે કોઈની સાથે લાંબા સમય સુધી સારું નથી રાખી શકતા. પછી એ ભારત હોય, કેનેડા હોય કે યુરોપના દેશો હોય. અમેરિકાને મહાન બનાવવા નીકળેલા ટ્રમ્પના આકરા વલણને લીધે હવે પરિસ્થિતિ એવી બની ગઈ છે કે તેમના સાથીઓથી તેમનાથી દૂર થઈ રહ્યા છે.
મસ્ક સાથે કેમ બગડ્યું?
વર્ષ 2024માં ટ્રમ્પ અમેરિકન પ્રમુખપદની ચૂંટણી લડતા હતા ત્યારે મસ્કે તેમને પૂરેપૂરો સહકાર આપ્યો હતો. મસ્કે તેમની માલિકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ દ્વારા ટ્રમ્પના સમર્થનમાં જબરદસ્ત ઝુંબેશ ચલાવી હતી. તેમણે ઘણી વખત ટ્રમ્પની પ્રચાર રેલીઓમાં પણ ભાગ લીધો હતો. ટ્રમ્પ જીત્યા એ પછી મસ્કને એમની દોસ્તી બદલ પુરસ્કાર મળ્યો હતો. ટ્રમ્પે તેમને ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સી (DOGE)નો હવાલો આપીને ખૂબ બધી સત્તા આપી દીધી હતી.
જો કે ત્યાર પછી ટ્રમ્પ ‘વન બિગ, બ્યુટીફૂલ બિલ’ લઈને આવ્યા, જે મસ્કના આર્થિક સામ્રાજ્યને પ્રતિકૂળ અસર કરે એવું હોવાથી મસ્ક ભડક્યા. આ બિલમાં ઇલેક્ટ્રિક વાહનો માટે ટેક્સ ક્રેડિટ નાબૂદ કરાઈ હતી, જેની સીધી અસર મસ્કના ટેસ્લાના વેચાણ પર પડે એમ છે. તેથી મસ્કે એ બિલને વિનાશક ગણાવીને પહેલા તો શાંતિપૂર્વક વિરોધ કર્યો, પણ જ્યારે એ કામ ન લાગ્યો ત્યારે તેઓ ખુલ્લેઆમ એના વિરુદ્ધ બોલવા લાગ્યા. આમ થતાં બંને વચ્ચે ખટરાગ સર્જાયો અને મસ્કે એમને ટ્રમ્પ વહીવટી તંત્રમાં સોંપાયેલી જવાબદારીઓથી છેડો ફાડી લીધો.
કેનેડાનું સાર્વભૌમત્વ જોખમાતા તેની સાથે પણ સંબંધ બગડ્યા
ગ્રીનલેન્ડને કબજે લેવાની હોંશ વ્યક્ત કરનાર ટ્રમ્પે તેમના પડોશી દેશ કેનેડાને પણ અમેરિકાનું 51મું રાજ્ય બનવી દેવાની તત્પરતા દેખાડી દીધી. કેનેડાને ઘૂંટણિયે પાડવા ટ્રમ્પે ટેરિફનો આકરો કોરડો વીંઝ્યો. જો કે પોતાના સાર્વભૌમત્વ અને સ્વતંત્રતા સાથે સમાધાન કરવાની વાતે કેનેડાએ સ્પષ્ટ નનૈયો ભણી દેતા ટ્રમ્પ નારાજ થઈ ગયા હતા. કેનેડાના તત્કાલીન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને અમેરિકા બોલાવી ટ્રમ્પે એમની સાથે અશોભનીય વર્તન પણ કર્યું. આ કારણોસર કાયમ માટે અમેરિકાની હામાં હા ભેળવતા આવેલું કેનેડા અમેરિકાથી દૂર થવા લાગ્યું.
જૂગજૂના સાથીઓ સાથે પણ અણબનાવ સર્જાયો
પશ્ચિમી દુનિયા એટલે યુરોપ અને અમેરિકા, એવી એક સાદી સમજ દુનિયામાં વ્યાપક છે. અત્યાર સુધી યુરોપને અમેરિકાનું મજબૂત અને વિશ્વસનીય ભાગીદાર મનાતું હતું. હવે સ્થિતિ એવી છે કે યુરોપ અને અમેરિકા સામસામે છેડે છે. રશિયા-યુક્રેન યુદ્ધમાં યુરોપ દ્વારા યુક્રેનને કરાતી મદદને લીધે ટ્રમ્પની કમાન છટકી છે અને તેઓ યુરોપ પર જાતભાતના દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે, યુરોપ હવે અમેરિકાની જોહુકમી સાંખી લેવાના મૂડમાં નથી. તેથી અમેરિકાએ તેના દાયકાઓ જૂના સાથીનો વિશ્વાસ પણ ગુમાવી દીધો છે.
ટ્રમ્પની ટેરિફ નીતિઓ સામે ચીનની ‘જેવા સાથે તેવા’ નીતિ
લગભગ તમામ ક્ષેત્રે અમેરિકાને સ્પર્ધા આપી રહેલા ચીનની હરણફાળ નાથવાના ઈરાદે ટ્રમ્પે ચીન પર આકરા ટેરિફ લાદી દીધા. જો કે, ટ્રમ્પની ટેરિફ નીતિઓ સામે ઝૂકી જવાને બદલે સામો ટેરિફ ઝીંકીને ચીને પણ ‘જેવા સાથે તેવા’ની નીતિ અપનાવી છે, જેને લીધે બંને દેશો વચ્ચેનો સંબંધ ખોરંભે ચડ્યો છે. ટેરિફને કારણે અમેરિકાને કેનેડા અને મેક્સિકો જેવા પાડોશી દેશો સાથે પણ બગડ્યું છે.
અમેરિકાના પાકિસ્તાન પ્રત્યેના વલણને લીધે ભારત નારાજ
જો બાઈડનના કાર્યકાળમાં ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધ ઘણાં મજબૂત હતા. ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ત્યારે એવું લાગતું હતું કે તેઓ ભારતના પક્ષમાં રહેશે, પણ એમ થયું નહીં. ટ્રમ્પ પાકિસ્તાન અને ભારતને એકસમાન ગણીને આગળ વધી રહ્યા હોવાથી ભારત અમેરિકાથી નારાજ છે.
ટૂંકમાં, ટ્રમ્પ તેમની આકરી નીતિઓને કારણે તેમના મિત્રોને સંભાળી શકતા નથી. જેને લીધે તેમના નજીકના લોકો સતત તેમનાથી દૂર જઈ રહ્યા છે. બગડતા સંબંધોને બચાવવા માટે ટ્રમ્પ કૂણા પડે છે કે કેમ, એ તો સમય જ કહેશે.