અમેરિકન પ્રમુખ ટ્રમ્પ અને ટેસ્લાના માલિક મસ્કની મિત્રતામાં ભંગ કેમ પડ્યો? જાણો પાંચ મુખ્ય કારણો
Why Elon Musk Broke Ties With Donald Trump: અત્યાર સુધી મૈત્રીપૂર્ણ સંબંધ ધરાવતા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ટેસ્લા, સ્પેસ એક્સ જેવી કંપનીના માલિક ઈલોન મસ્ક વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. તેનું મુખ્ય કારણ ટ્રમ્પનું 'બિગ બ્યુટીફૂલ બિલ' છે, જે EV ટેક્સ ક્રેડિટ અંગે લાવવામાં આવ્યું છે. તેની સીધી અસર ઈલોન મસ્કની કંપની ટેસ્લા પર પડશે. મસ્ક માને છે કે આ બિલ અમેરિકાના અર્થતંત્રની કબર ખોદી નાખશે. આ ઉપરાંત બીજા પણ અમુક કારણો છે જેના કારણે મસ્ક ટ્રમ્પથી નારાજ થયા છે. ચાલો, એ વિશે વિગતે વાત કરીએ.
1. EV ટેક્સ ક્રેડિટ અંગે મૂંઝવણ અને બિગ બ્યુટીફૂલ બિલ મુદ્દે મતભેદ
અમેરિકન સરકાર ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પર ફેડરલ ટેક્સમાં7,500 ડોલર સુધીની ટેક્સ ક્રેડિટ આપે છે. આ સિવાય ગ્રાહકને તેના જૂના ઈવી પર 4,000 ડોલરની વધારાની ટેક્સ ક્રેડિટ પણ મળે છે. બાઈડન સરકારે અમેરિકામાં ઇલેક્ટ્રિક વાહનોનું ચલણ વધારવા માટે આ જોગવાઈ કરી હતી. આ કારણસર મસ્કની કંપની ટેસ્લાના વાહનોના ખરીદારોમાં ભારે વધારો થયો હતો, પરંતુ ટ્રમ્પ વહીવટીતંત્રે ઈવી માટે આ ટેક્સ ક્રેડિટની જોગવાઈ પાછી ખેંચવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
ટ્રમ્પ વહીવટીતંત્રના 'બિગ બ્યુટીફૂલ બિલ'માં પ્રસ્તાવ છે કે વર્ષ 2009 અને 2025 વચ્ચે ટેક્સ ક્રેડિટ હેઠળ આવરી લેવાયેલા 2 લાખથી વધુ ઈવી વેચનારા વાહન ઉત્પાદકોને હવે આ લાભ નહીં મળે. અમેરિકાના ઈવી બજારમાં ટેસ્લાએ 2025ના પહેલા ક્વાર્ટરમાં જ 3.36 લાખ ઈવી વેચી દીધા છે. તેથી સ્પષ્ટ છે કે બિગ બ્યુટીફૂલ બિલની સીધી અસર ટેસ્લાના વેચાણ પર પડશે. આ નીતિથી ટેસ્લાને 1.2 બિલિયન ડોલરનું નુકસાન થઈ શકે છે. તેથી મસ્કે ટ્રમ્પના બિગ બ્યુટીફૂલ બિલનો ખુલ્લેઆમ વિરોધ કરવાનું શરૂ કર્યું છે.
2. DOGE ના વડા તરીકે સરકારી ખર્ચમાં ઘટાડાના પ્રયાસથી મસ્કની પ્રતિષ્ઠા કલંકિત
અમેરિકન પ્રમુખપદે ફરીથી ચૂંટાયા પછી ટ્રમ્પે મસ્કને DOGE (Department of Government Efficiency)ની જવાબદારી સોંપી હતી. એના વડા તરીકે મસ્કે સરકારના બિનજરૂરી ખર્ચ ઘટાડવા એક ઝુંબેશ શરૂ કરી હતી. તે અંતર્ગત ફેડરલ સરકારના ઘણાં વિભાગો સામે કાર્યવાહી કરાઈ અને લોકોએ મોટી સંખ્યામાં નોકરી ગુમાવી. એવી અફવાઓ ફેલાવા લાગી કે સામાજિક સુરક્ષા અને તબીબી કાર્યક્રમોમાં પણ કાપ મૂકવાની તૈયારી ચાલી રહી છે. તેથી વિવિધ વિભાગોના બજેટમાં મોટા કાપ સામે વ્યાપક વિરોધ થયો. મસ્કે ઘણી વખત સ્પષ્ટ કરવાનો પ્રયાસ કર્યો કે તેની પાસે સામાજિક સુરક્ષા અને તબીબી કાર્યક્રમો જેવી યોજનાઓ પર નિર્ણય લેવાનો કોઈ અધિકાર નથી, પરંતુ તે ડરી ગયેલા લોકોનો વિશ્વાસ જીતી શક્યા નહીં. આમ, મસ્ક વિરુદ્ધ વાતાવરણ ગરમાતું રહ્યું. સમગ્ર વિવાદે આ અબજોપતિ સીઈઓની રાજકીય અને કોર્પોરેટ છબિને નુકસાન પહોંચાડ્યું
3. મસ્કની ખરડાયેલી છબીએ ટેસ્લાને પણ અસર કરી
રાજકીય વિવાદોએ મસ્ક સામે જાહેર આક્રોશને વેગ આપ્યો. વિરોધ પ્રદર્શનો, ઓનલાઈન ઝુંબેશો અને કોર્ટ કેસો થયા. મસ્કને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળવા લાગી. મસ્ક અને તેની કંપની ટેસ્લાના પ્લાન્ટ્સને લક્ષ્ય બનાવીને હિંસક ઘટનાઓ બની. લોકોએ ટેસ્લાના શોરૂમમાં તોડફોડ કરી, વાહનોનું વેચાણ સંપૂર્ણપણે ઘટી ગયું, ટેસ્લાના શેરના ભાવ અડધાથી નીચા આવી ગયા અને મસ્કની નેટવર્થ 100 બિલિયન ડોલર જેટલી ઘટી ગઈ.
આ પણ વાંચો : મસ્કની નવી મેસેજ સર્વિસ: ડાયરેક્ટ મેસેજની જગ્યા લેશે હવે XChat, ફીચર્સથી ભરપૂર હશે
4. મસ્કના સહયોગી જેરેડ આઇઝેકમેનને નાસાના વડા ન બનાવાયા
ટ્રમ્પે અચાનક મસ્કના નજીકના સહયોગી અને જાણીતા અવકાશયાત્રી જેરેડ આઇઝેકમેનનું નાસા એડમિનિસ્ટ્રેટર તરીકેનું નામાંકન પાછું ખેંચી લીધું. ટ્રમ્પે તેમના નિર્ણય બદલ આઇઝેકમેનના 'જૂના સંબંધો'નો ઉલ્લેખ કર્યો. મસ્કને આ નિર્ણય ટ્રમ્પ તરફથી પીઠમાં છરો મારવા જેવો લાગ્યો હશે. મસ્ક આઇઝેકમેનને નાસાના એડમિનિસ્ટ્રેટર બનાવવા માંગતા હતા કારણ કે એમ થાય તો મસ્કની સ્પેસ કંપની ‘સ્પેસએક્સ’ના હિતો જળવાઈ જાય એ રીતે નાસાની નીતિઓ ઘડાય એમ હતું.
5. મસ્કનો સ્ટારલિંક અને FAA કરાર વિવાદ
મસ્ક ‘ફેડરલ એવિયેશન એડમિનિસ્ટ્રેશન’ (FAA) પર ટેલિ કોમ્યુનિકેશન કંપની વેરિઝોન સાથેનો 2.4 બિલિયન ડોલરનો કરાર તોડવા માટે દબાણ કરતા હતા. તેમણે કહ્યું હતું કે, ‘આ એર ટ્રાફિક કન્ટ્રોલ સિસ્ટમ નિષ્ફળ રહી છે. એર ટ્રાફિક કન્ટ્રોલને અપગ્રેડ કરવાનો કોન્ટ્રાક્ટ સ્પેસએક્સને મળવો જોઈએ.’
મસ્ક આ કરાર તોડીને તેમની કંપની સ્ટારલિંકને ફાયદો કરાવવા માંગતા હતા. આ દરમિયાન મસ્કના ટીકાકારોએ આ બાબતને હિતોનો સંઘર્ષ ગણાવ્યો. કેટલાક લોકોએ કટાક્ષ કર્યો હતો કે એક તરફ મસ્ક ફેડરલ ખર્ચ ઘટાડવાના વિકલ્પો શોધી રહ્યા છે અને બીજી તરફ, તેઓ તેમની કંપની માટે કોન્ટ્રાક્ટ શોધી રહ્યા છે.