Get The App

અમેરિકાના વિઝા માટે ભારતીય વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ડિલીટ કરી રહ્યા છે, જાણો કારણ

Updated: Jun 5th, 2025

GS TEAM

Google News
Google News
અમેરિકાના વિઝા માટે ભારતીય વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ડિલીટ કરી રહ્યા છે, જાણો કારણ 1 - image

US Student Visa Alert: અમેરિકાના સ્ટુડન્ટ વિઝા લઈને ભણવા જવા ઇચ્છુક ભારતીય વિદ્યાર્થીઓ ચિંતામાં મૂકાઈ જાય એવા સમાચાર છે. ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા અરજદાર વિદ્યાર્થીઓની યોગ્યતાનું મૂલ્યાંકન કરવા માટે ફક્ત એમના એકેડેમિક બેકગ્રાઉન્ડનું જ નહીં, તેમની સોશિયલ મીડિયા એકાઉન્ટની ગતિવિધિ પણ ધ્યાનમાં લેવામાં આવી રહી છે. આ કારણસર અનેક વિદ્યાર્થીઓ તેમની કેટલીક પોસ્ટ ડિલીટ કરી રહ્યા છે, તો અમુક વિદ્યાર્થીઓ આખેઆખા એકાઉન્ટ જ ડિલીટ કરી રહ્યા છે. 

ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ કે લિંક્ડઇન જેવા સોશિયલ મીડિયા પર અમેરિકન વિઝાના અરજદારો શું લખે/દર્શાવે છે, એ હવે મહત્ત્વનું બની ગયું છે. ઑક્ટોબર, 2023માં ઈઝરાયલે હમાસ પર હુમલો કર્યો ત્યારથી અમેરિકાની કૉલેજના કેમ્પસમાં પેલેસ્ટાઇન તરફી અને યહૂદી વિરોધી પ્રદર્શનો થવા લાગ્યા હતા. અમેરિકા ઈઝરાયલના પક્ષમાં હોવાથી અત્યારથી અમેરિકા વિદ્યાર્થીઓને વિઝા આપવા બાબતે સચેત થઈ ગયું છે. ડોલરિયો દેશ નથી ઇચ્છતો કે અમેરિકાની નીતિ-રીતિની વિરુદ્ધ મત ધરાવતા વિદ્યાર્થીઓ અમેરિકામાં ભણવા આવે. 

આ મુદ્દો ધ્યાનમાં રાખીને અમેરિકા સ્ટુડન્ટ વિઝા માટેના અરજદારોના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની AI ટુલ્સ વડે તપાસ કરાવડાવી રહ્યું છે. તેથી વિદ્યાર્થીઓમાં ડર વ્યાપી ગયો છે કે તેમના દ્વારા સોશિયલ મીડિયામાં કરાયેલી એક સામાન્ય ટિપ્પણી, હળવી રાજકીય મજાક અને વ્યક્તિગત મંતવ્યોનું ખોટું અર્થઘટન થઈ શકે છે. અરે, તેમના દ્વારા અમેરિકાને અનુકૂળ ન હોય એવી કોઈ સામાજિક કે હિંસક ચળવળ કે સંસ્થા અથવા સરકારને ટેકો આપવામાં આવ્યો હશે, કે પછી વિરોધ પ્રદર્શનોમાં હાજરી અપાઈ હશે, તો પણ અમેરિકાના વહીવટી તંત્રની આંખમાં આવી જવાનો ડર વિદ્યાર્થીઓને સતાવી રહ્યો છે. અમેરિકન અધિકારીઓ દ્વારા અસ્વીકાર્ય મનાતા કન્ટેન્ટને લાઇક કે શેર કરવાથી પણ વિઝા રિજેક્ટ થઈ શકે છે, એવી ભીતિ ફેલાઈ છે. 

સોશિયલ મીડિયા પરના વલણને લીધે અમેરિકન ડ્રીમને તાળું લાગી જાય, એવું ન બને એ માટે વિદ્યાર્થીઓ એમને જોખમરૂપ પોસ્ટ કે એકાઉન્ટ ડિલીટ કરી રહ્યા છે. જો કે, નિષ્ણાતો એમ કરવા બાબતે ચેતવતાં કહે છે કે, આખું એકાઉન્ટ જ ડિલીટ કરવા જેવું પગલું લેવાથી તમે તુરંત જ અમેરિકન વહીવટી તંત્રના ધ્યાનમાં આવો છો કારણ કે, વિઝા અરજી સાથે અમેરિકા વિદ્યાર્થીઓ પાસે એમના છેલ્લા પાંચ વર્ષના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની લિંક્સ પણ માંગે છે. એ એકાઉન્ટ્સનું વિશ્લેષણ કરીને અરજદારોનું ચારિત્ર્ય મૂલ્યાંકન કરાઈ રહ્યું છે. આ રીતે તેઓ અરજદારની વ્યવસાયિક અને શૈક્ષણિક પૃષ્ઠભૂમિ વિઝા ઉદ્દેશ્યો સાથે કેવી રીતે મેળ ખાય છે, એ ચકાસે છે. 

અમેરિકાની આ નીતિ ભારતીય વિદ્યાર્થીઓના ભવિષ્ય પર કઈ રીતે અને કેટલી અસરકર્તા સાબિત થાય છે, એ જોવું રસપ્રદ રહેશે.