અમેરિકાના સાંસદનો ટ્રમ્પ સામે સણસણતો આરોપ, કહ્યું - ઈરાન યુદ્ધના બહાને માર્કેટ મેનિપ્યુલેશન કરે છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Donald Trump Insider Trading : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર ઈરાન યુદ્ધને લઈને દેશની જનતાને મહિનાઓથી ગેરમાર્ગે દોરવાનો અને માર્કેટને પ્રભાવિત કરવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. ડેમોક્રેટિક સીનેટર ક્રિસ મર્ફીએ સેનેટમાં આકરા પ્રહારો કરતા દાવો કર્યો છે કે, ટ્રમ્પ ઈરાન સાથે શાંતિ કરાર થવાના ખોટા સંકેતો આપીને પોતાના મિત્રો અને પરિજનોને નાણાકીય ફાયદો કરાવી રહ્યા છે.
મર્ફીના જણાવ્યા મુજબ, ઈરાન સાથે ચાલતી જંગને હવે 6 મહિના જેટલો સમય થઈ ચૂક્યો છે અને આ દરમિયાન એક સ્પષ્ટ પેટર્ન જોવા મળી છે. ટ્રમ્પ અવારનવાર રવિવારે રાત્રે અથવા સોમવારે સવારે — શેરબજાર (માર્કેટ) ખૂલે તે પહેલાં જ — એવી જાહેરાત કરે છે કે ઈરાન સાથે યુદ્ધ પૂરું થવાનું છે અથવા સમજૂતી નજીક છે. મર્ફીએ ઉમેર્યું કે, વિતેલા સમયમાં ટ્રમ્પે 11 અલગ-અલગ પ્રસંગોએ આવા દાવા કર્યા હતા, પરંતુ તેમાંથી એક પણ વાસ્તવિક સાબિત થયા નહોતા.
'ટ્રુથ સોશિયલ' પર $100,000 નું સબસ્ક્રિપ્શન અને ઇનસાઇડર ટ્રેડિંગનો આરોપ
સીનેટર ક્રિસ મર્ફીએ સીનેટમાં એક નવો જ ધડાકો કરતાં કહ્યું કે, આ યુદ્ધ માત્ર બેદરકારીના કારણે લાંબુ ખેંચાઈ રહ્યું નથી, પરંતુ પ્રમુખ ટ્રમ્પે આમાંથી પૈસા બનાવવાનો નવો રસ્તો શોધી લીધો છે. તેમણે ટ્રમ્પના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' ના તાજેતરમાં શરૂ થયેલા $100000 (આશરે 1 લાખ યુએસ ડોલર) પ્રતિ માસના સબસ્ક્રિપ્શન પ્લાનનો ઉલ્લેખ કર્યો હતો.
મર્ફીના આરોપ મુજબ, આ મોંઘું સબસ્ક્રિપ્શન લેનારા લોકોને ટ્રમ્પના વિદેશ નીતિ સંબંધિત નિર્ણયોની જાણકારી અન્ય લોકો કરતાં પહેલાં મળી જાય છે. સીનેટરે આ સેવાને 'ઇનસાઇડર ટ્રેડિંગ માટેનું સબસ્ક્રિપ્શન' ગણાવ્યું હતું અને સવાલ ઉઠાવ્યો હતો કે, શું કોઈ પણ રિપબ્લિકન સીનેટર યુદ્ધ વચ્ચે વ્હાઇટ હાઉસમાંથી $1 લાખ પ્રતિ મહિનામાં દેશની ગુપ્ત જાહેરાતો વેચવાના આ કૃત્યનો બચાવ કરી શકશે?
યુદ્ધ તુરંત પૂરું કરવા માંગ
સીનેટર મર્ફીએ ઈરાન સાથેના આ યુદ્ધને એક મોટું 'ડિઝાસ્ટર' (આપત્તિ) ગણાવતાં તેને તાત્કાલિક અને સાચા અર્થમાં સમાપ્ત કરવાની માંગ કરી છે. તેમણે સ્વીકાર્યું કે જૂન મહિનામાં થયેલા અસ્થાયી યુદ્ધવિરામની શરતો એવી હતી કે તે લાંબો સમય ટકી શકે તેમ નહોતી. હવે ભલે ઈરાન કોઈપણ શરત સાથે પોતાની જીતનો દાવો કરે, પણ અમેરિકા માટે આગળ કોઈ સ્પષ્ટ રસ્તો ન હોવાથી આ વિવાદનો કાયમી અંત લાવવો જરૂરી બની ગયો છે.









