Get The App

‘પાકિસ્તાન જતા પહેલા બે વખત વિચારજો...’ ટ્રમ્પની હાઈ રિસ્ક એડવાઈજરીથી PM શાહબાજ ટેન્શનમાં

Updated: Jan 29th, 2026

GS TEAM

Google News
Google News
‘પાકિસ્તાન જતા પહેલા બે વખત વિચારજો...’ ટ્રમ્પની હાઈ રિસ્ક એડવાઈજરીથી PM શાહબાજ ટેન્શનમાં 1 - image


US Issues Travel Advisory for Pakistan : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને સુરક્ષા વ્યવસ્થાની ચિંતા કરીને પાકિસ્તાન જનારા અમેરિકી નાગરિકો માટે કડક ચેતવણી જાહેર કરી છે. 29 જાન્યુઆરીના રોજ બહાર પાડવામાં આવેલી લેટેસ્ટ એડવાઈઝરીમાં અમેરિકાએ પાકિસ્તાનને 'લેવલ-3' કેટેગરીમાં રાખ્યું છે, જેનો અર્થ છે કે નાગરિકોએ પાકિસ્તાન પ્રવાસના પોતાના નિર્ણય પર ફરીથી વિચાર કરવો જોઈએ.

પાકિસ્તાનમાં આતંકવાદ અને અપહરણનું ઊંચું જોખમ

અમેરિકી સ્ટેટ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનમાં ગુનાખોરી, આતંકવાદ અને અપહરણની ઘટનાઓ ચિંતાજનક સ્તરે છે. આતંકવાદીઓ કોઈપણ ચેતવણી વિના ટ્રાન્સપોર્ટેશન હબ, માર્કેટ, હોટલ, શાળા, હોસ્પિટલ અને ધાર્મિક સ્થળોને નિશાન બનાવી શકે છે. ખાસ કરીને ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાન પ્રાંતને 'લેવલ-4' માં રાખવામાં આવ્યા છે, જેનો અર્થ છે કે આ વિસ્તારોમાં કોઈ પણ સંજોગોમાં મુસાફરી કરવી જોઈએ નહીં. અહીં હત્યા અને અપહરણના કિસ્સાઓ સામાન્ય હોવાની ગંભીર નોંધ લેવામાં આવી છે.

આ પણ વાંચો : અમેરિકા બાદ હવે સાઉદી અરેબિયાએ વિઝા નિયમો કડક કર્યા, 4 પોસ્ટ પર વિદેશીઓને ‘નો એન્ટ્રી’

ટીકા કરતી પોસ્ટ કરી તો થશે ધરપકડ

આ એડવાઈઝરીમાં સૌથી મહત્વની વાત એ છે કે, પાકિસ્તાની મૂળના અમેરિકી નાગરિકોને પણ ચેતવણી આપવામાં આવી છે. અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે, પાકિસ્તાની સરકાર કે સેનાની ટીકા કરતી સોશિયલ મીડિયા પોસ્ટ કરવા બદલ નાગરિકોની ધરપકડ થઈ શકે છે. પાકિસ્તાની કાયદા મુજબ પરવાનગી વિના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવો પણ જોખમી છે અને તેના માટે અમેરિકી નાગરિકોને અગાઉ કસ્ટડીમાં લેવામાં આવ્યા હોવાના દાખલા છે.

અમેરિકાએ પાકિસ્તાનને આ બીજો ઝટકો આપ્યો

શાહબાઝ સરકાર અને પાકિસ્તાની સેના માટે આ એક મહિનામાં બીજો મોટો આંચકો છે. અગાઉ 21 જાન્યુઆરીથી ટ્રમ્પ સરકારે પાકિસ્તાન અને બાંગ્લાદેશ સહિત 75 દેશો માટે ઈમિગ્રન્ટ વિઝા પ્રક્રિયા સ્થગિત કરી દીધી છે. પાકિસ્તાન વિદેશ મંત્રાલયે આ નિર્ણયને કામચલાઉ ગણાવીને પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થવાની આશા વ્યક્ત કરી છે, પરંતુ હાલમાં વિઝાના બેકલોગમાં મોટો વધારો થવાની શક્યતા છે.

આ પણ વાંચો : ડોલર સામે કેમ ગગડી રહ્યો છે રૂપિયો! આર્થિક સર્વેમાં સરકારે જણાવ્યું કારણ