India Economy Survey 2026 : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ રમત અને નિવેદનબાજી વધી ગઈ છે. આ ઉપરાંત અમેરિકન ફેડરલ રિઝર્વે વ્યાજ દરમાં કોઈ ઘટાડો કર્યો નથી. તેમજ ભારત તથા અમેરિકા વચ્ચેના વેપાર કરારમાં પણ વિલંબ થતાં ડૉલર સામે રૂપિયા પર નેગેટીવ ઈમ્પેક્ટ જોવા મળી છે. આ અહેવાલો પાછળ આજે રૂપિયા સામે ડોલરના ભાવ ઝડપી વધી જતાં રૂપિયો ગબડી નવા 91.92ના નીચા તળિયે પટકાયો છે. આમ ભારતીય રૂપિયો આ વર્ષે 2.5 ટકા તૂટ્યો છે. ડૉલર-રૂપિયાની આ ઉથલપાથલ વચ્ચે નાણામંત્રી નિર્મલા સિતારમને આજે (29 જાન્યુઆરી) સંસદમાં ‘આર્થિક સર્વેક્ષણ-2026’ રજુ કર્યું છે. આ સર્વેમાં ડૉલર સામે નબળા પડતા રૂપિયાનો પણ ઉલ્લેખ કરાયો છે અને રૂપિયાને બચાવવા માટે માસ્ટર પ્લાન રજૂ કરાયો છે.
ડૉલર સામે રૂપિયો કેમ ઘટી રહ્યો છે?
આર્થિક સર્વેક્ષણ મુજબ, ભારતીય રૂપિયામાં થઈ રહેલો ઘટાડાને ભારતની આર્થિક પાયાની સ્થિતિ સાથે કોઈ લેવા નથી, કારણ કે ઘટાડો આ સ્થિતિ દર્શાવતો નથી. રૂપિયો પોતાની ક્ષમતા કરતા ઓછું પ્રદર્શન કરી રહ્યો છે. નાણામંત્રીની ટીમ દ્વારા તૈયાર કરાયેલા આ રિપોર્ટનું માનવું છે કે, અમેરિકન ટેરિફમાં વધારો થયો છે, જોકે ભારતીય ચલણની નબળાઈ ટેરિફના કારણે ભારતીય અર્થતંત્ર પર પડતી અસરને આંશિક ઓછી કરે છે. બીજા અર્થમાં કહીએ તો ભારતીય ચલણમાં થઈ રહેલા ઘટાડામાં ટેરિફના અસરનું યોગદાન ઘણું ઓછું છે.
આ પણ વાંચો : ચાંદીની કિંમતમાં રેકોર્ડ વધારો, ખરીદતાં પહેલા જાણી લો તેજી પાછળના આ 10 કારણો
રૂપિયામાં ઘટાડો નુકસાનકારક નથી
રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે, આ તમામ પરિસ્થિતિ પરથી નિશ્ચિત કહી શકાય કે, રૂપિયામાં ઘટાડો નુકસાનકારક નથી. કારણ કે, આ ઘટાડો અમેરિકાના ટેરિફથી ભારતીય ઉત્પાદનો પર પડતી અસરને આંશિક ઘટાડે છે. આ ઉપરાંત ક્રુડ ઓઈલની આયાત પરની ઊંચી કિંમતોથી મોંઘવારી વધવાનો કોઈ ખતરો નથી. જોકે આવી સ્થિતિના કારણે રોકાણકારોમાં શંકા જરૂર હોય છે. ભારતમાં રોકાણ કરવાની ઈચ્છા ન ધરાવતા રોકાણકારોની તપાસ કરવી જરૂરી છે. વિદેશીઓ દ્વારા ભારતમાં રોકાણ અને ભારતમાંથી વિદેશમાં રોકાણ કરતા પરિબળો ધીમા પડવાના કારણે રૂપિયો નબળો પડ્યો છે.
રૂપિયામાં ઘટાડો કેવી રીતે અટકાવી શકાય?
રિપોર્ટમાં ભારતીય રૂપિયાને નબળો પડતો અટકાવવાના કારણો પણ જણાવાયા છે. તેમાં કહેવાયું છે કે, જો રૂપિયાને નબળો પડતો અટકાવવો હોય તો ભારતે ડૉલરમાં ચુકવાતો ખર્ચ ઘટાડવો પડશે અને વિદેશી ચલણમાં નિકાસ કરી આવક વધારવી પડશે.
ઉલ્લેખનીય છે કે, એક વર્ષમાં ડૉલર સામે ભારતીય રૂપિયો 6 ટકાથી વધુ ગગડી ગયો છે, જેના કારણે આયાત મોંઘી અને નિકાસ સસ્તી થઈ છે. આ પરિસ્થિતિના કારણે ભારતીય અર્થતંત્ર સામે પડકારો વધવાની સાથે સ્પર્ધા પણ વધી ગઈ છે. આ સર્વેક્ષણમાં દેશમાં ઉત્પાદન વધારવાની સાથે નિકાસ પર પણ ધ્યાન કેન્દ્રીત કરવા કહેવાયું છે.
આ પણ વાંચો : ‘વહિની’ મહારાષ્ટ્રના નાયબ CM બનશે ! NCPના દિગ્ગજ નેતાઓએ કરી મુલાકાત


