Saudi Arabia Visa Rules 2026 : આમ તો વિઝા અને નોકરીના કડક નિયમો મામલે અમેરિકા વિદેશી નાગરિકોને ઝટકા આપતું રહ્યું છે, જોકે હવે સાઉદી અરેબિયાએ પણ પોતાના નાગરિકોનું હિત વિચારીને વિઝા નિયમો આકરા બનાવ્યા છે. સાઉદી સરકારે વર્ક વિઝા અને નોકરીના નિયમોમાં ધરખમ ફેરફારો કર્યા છે. સરકારે સ્થાનિક નાગરિકોને વધુમાં વધુ રોજગારી આપવા અને વર્કફોર્સમાં સુધારો કરવાના હેતુસર વિઝા નિયમો કડક કર્યા છે.
આ 4 પોસ્ટ માત્ર સાઉદી નાગરિકો માટે આરક્ષિત
સાઉદી સરકારના શ્રમ પોર્ટલ ‘કિવા’ (Qiwa) દ્વારા જાહેર કરાયેલા નવા નિયમો મુજબ, ચાર મુખ્ય હોદ્દાઓ પર હવે વિદેશીઓની નિમણૂક કે તેમના હોદ્દામાં ફેરફાર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ પદો માત્ર સાઉદી નાગરિકોને જ નોકરી આપવાનો નિયમ જાહેર કરાયો છે. એટલે કે હવે વિદેશી નાગરિકોને આ ચાર પોસ્ટ રર નોકરી આપી શકાશે નહીં.
હવેથી આ 4 મુખ્ય પોસ્ટ પર વિદેશીઓને નોકરી નહીં
1... જનરલ મેનેજર
2... સેલ્સ પ્રતિનિધિ
3... માર્કેટિંગ સ્પેશિયાલિસ્ટ
4... પ્રોક્યોરમેન્ટ મેનેજર
આ પણ વાંચો : ડોલર સામે કેમ ગગડી રહ્યો છે રૂપિયો! આર્થિક સર્વેમાં સરકારે જણાવ્યું કારણ
વર્તમાન વિદેશીઓની પોસ્ટ જોખમમાં
નિયમોમાં એવું પણ કહેવાયું છે કે, જે વિદેશીઓ પહેલેથી જ જનરલ મેનેજર પોસ્ટ પર કામ કરી રહ્યા છે, તેમને કડક શરતો સાથે CEO કે ચેરમેન જેવી વૈકલ્પિક પોસ્ટ પર જવાની સલાહ અપાઈ છે.
સરકારે પગાર પણ નિર્ધારિત કર્યો
નવા નિયમોમાં હોદ્દાની સાથે લઘુત્તમ વેતનની પણ શરત રાખવામાં આવી છે. જો કંપનીઓ આ શરતો પૂરી નહીં કરે, તો તે કર્મચારીઓને સ્થાનિકીકરણ ક્વોટામાં ગણવામાં આવશે નહીં. સેલ્સ અને માર્કેટિંગમાં કામ કરતા સાઉદી કર્મચારીઓ માટે લઘુત્તમ માસિક વેતન 5,500 સાઉદી રિયાલ નિર્ધારીત કરાઈ છે, જ્યારે ટેકનિકલ અને એન્જિનિયરિંગ પદો માટે લઘુત્તમ માસિક વેતન 8,000 સાઉદી રિયાલ અને માર્કેટિંગ વિભાગમાં ઓછામાં ઓછા 60 ટકા સાઉદી નાગરિકોની નિમણૂક કરવી ફરજીયાત કરાઈ છે.
ભારતીય પ્રવાસીઓ પર કેવી પડશે અસર?
ભારત સહિતના લાખો પ્રવાસી કર્મચારીઓ જે સાઉદીમાં કામ કરે છે, તેમના પર આની સીધી અસર પડશે. હવે આ આરક્ષિત પદો માટે નવા વર્ક વિઝા જારી કરવામાં આવશે નહીં. જે પ્રવાસીઓ અગાઉથી જનરલ મેનેજર જેવા હોદ્દા પર છે, તેમને શરતોને આધીન રહીને 'CEO' અથવા 'ચેરમેન' જેવા હોદ્દા અપનાવવા માટે સૂચના આપવામાં આવી છે.
ત્રણ મહિનાનું અલ્ટીમેટમ
સરકારે ખાનગી કંપનીઓને તેમની ભરતી પ્રક્રિયામાં સુધારો કરવા અને નવા નિયમોના અમલીકરણ માટે ત્રણ મહિનાનું અલ્ટીમેટમ આપ્યું છે. ત્યારબાદ જો કોઈ કંપની નિયમોનું ઉલ્લંઘન કરતી જણાશે, તો તેને નવા પ્રવાસી કર્મચારીઓ રાખવાની મંજૂરી મળશે નહીં.
આ પણ વાંચો : આ વર્ષે જ થઈ જશે ભારત-અમેરિકાની ટ્રેડ ડીલ? સરકારે આર્થિક સર્વેમાં આપ્યો જવાબ


