World

અમેરિકાએ કહ્યું- હોર્મુઝમાં જહાજોને સુરક્ષા નહીં આપી શકીએ, તો ચીનના નિર્ણયથી દુનિયા ટેન્શનમાં

By GS TEAM
12 Mar 20264 mins read
TukuTouch Logo
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભીષણ જંગના આજે 13મા દિવસે સ્થિતિ વધુ સ્ફોટક બની છે. ઈરાને હવે તેના હુમલાનો વ્યાપ વધારીને ખાડી દેશોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે, જેના કારણે વૈશ્વિક સ્તરે ચિંતાની લહેર પ્રસરી ગઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકાએ કહ્યું- હોર્મુઝમાં જહાજોને સુરક્ષા નહીં આપી શકીએ, તો ચીનના નિર્ણયથી દુનિયા ટેન્શનમાં

Iran vs Israel-USA War News : મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભીષણ જંગના આજે 13મા દિવસે સ્થિતિ વધુ સ્ફોટક બની છે. ઈરાને હવે તેના હુમલાનો વ્યાપ વધારીને ખાડી દેશોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે, જેના કારણે વૈશ્વિક સ્તરે ચિંતાની લહેર પ્રસરી ગઈ છે.

Iran vs Israel-USA WAR LIVE UPDATES :  

અમેરિકાએ હાથ અધ્ધર કર્યા, કહ્યું - સ્ટ્રેટ ઓફ હોર્મૂઝમાં જહાજોને સુરક્ષા નહીં આપી શકીએ 

મિડલ ઈસ્ટમાં ઈરાન સાથે વધી રહેલા ભયાનક તણાવ વચ્ચે અમેરિકાની નૌસેનાએ એક મહત્વની અને ચિંતાજનક જાહેરાત કરી છે. નૌસેનાએ વ્યાપારી જહાજોને સ્પષ્ટપણે જાણ કરી છે કે હાલમાં 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (Strait of Hormuz) માં સુરક્ષાની સ્થિતિ અત્યંત ગંભીર હોવાથી તેઓ જહાજોને સુરક્ષિત રીતે એસ્કોર્ટ (Escorting) કરી શકે તેમ નથી. અમેરિકન સત્તાધીશોના મતે આ દરિયાઈ માર્ગ અત્યારે પૂરતો સુરક્ષિત રહ્યો નથી, જેના કારણે તેલ અને ગેસના ટેન્કરોની અવરજવર પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે. નૌસેનાની આ પીછેહઠ બાદ વૈશ્વિક એનર્જી સપ્લાય ચેઈન ખોરવાવાની અને આંતરરાષ્ટ્રીય બજારમાં ઈંધણના ભાવમાં મોટો ઉછાળો આવવાની ભીતિ સેવાઈ રહી છે.

વૈશ્વિક તેલ સંકટ: ચીને પેટ્રોલ-ડીઝલની નિકાસ પર લાદ્યો પ્રતિબંધ, ભારત સહિત દુનિયાભરમાં ચિંતા

બ્લૂમબર્ગ ન્યૂઝના અહેવાલ મુજબ, પશ્ચિમ એશિયામાં (મિડલ ઈસ્ટ) ભભૂકી ઉઠેલા ભીષણ યુદ્ધ અને ક્રૂડ ઓઈલના સપ્લાય રૂટમાં સર્જાયેલા અવરોધોને જોતા ચીને એક અત્યંત મોટો અને અભૂતપૂર્વ નિર્ણય લીધો છે. ચીની સરકારે તેની સૌથી મોટી રિફાઇનરીઓને પેટ્રોલ (ગેસોલિન) અને ડીઝલની નિકાસ તાત્કાલિક ધોરણે રોકી દેવા આદેશ આપ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે તેલના પુરવઠામાં સર્જાયેલી તંગી અને કાચા તેલના રૂટ બ્લોક થવાના ડરથી ચીન પોતાના દેશમાં ઈંધણનો જથ્થો સુરક્ષિત રાખવા માંગે છે. ચીનના આ આક્રમક પગલાથી વૈશ્વિક બજારમાં ઈંધણની અછત વર્તાઈ શકે છે, જેની સીધી અસર ભારત સહિત અનેક દેશોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ પર થવાની પૂરેપૂરી શક્યતા છે.

ઈરાને ઈઝરાયલમાં મચાવેલી તબાહીના દૃશ્યો સામે આવ્યા 


દુબઈમાં ડ્રોન હુમલો: હાઈ-રાઈઝ બિલ્ડિંગમાં મોટું ગાબડું, કોઈ જાનહાનિ નહીં

દુબઈના ક્રીક હાર્બર વિસ્તારમાં ગુરુવારે સવારે એક હાઈ-રાઈઝ બિલ્ડિંગ સાથે ડ્રોન અથડાયા બાદ ઈમારતમાં મોટું ગાબડું પડી ગયું હોવાની સનસનાટીભર્યા ઘટના સામે આવી છે. દુબઈ ગવર્મેન્ટ મીડિયા ઓફિસના જણાવ્યા અનુસાર, બુધવારે રાત્રે આ ઘટના બની હતી અને ઈમારત પર ડ્રોન પડતા જ આગ ફાટી નીકળી હતી, જે અંગેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જોકે, ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક આગ પર કાબૂ મેળવી લીધો હતો અને સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા નોંધાઈ નથી. હાલમાં સત્તાધીશો આ ડ્રોન ક્યાંથી આવ્યું હતું અને હુમલા પાછળ કોનો હાથ છે તે અંગે સઘન તપાસ કરી રહ્યા છે.


માનવીય સંકટ: મિડલ ઈસ્ટ જંગમાં અત્યાર સુધી 1100થી વધુ બાળકોના મોત અથવા ઈજાગ્રસ્ત

યુનિસેફ (UNICEF) દ્વારા જારી કરવામાં આવેલા આઘાતજનક અહેવાલ મુજબ, 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના ભીષણ સંઘર્ષમાં અત્યાર સુધી 1100થી વધુ બાળકો ભોગ બન્યા છે, જેમાંથી એકલા ઈરાનમાં જ 200 બાળકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે લેબનાનમાં 91, ઈઝરાયેલમાં 4 અને કુવૈતમાં 1 બાળકના મોતના અહેવાલ છે. સતત થઈ રહેલા બોમ્બમારો અને વધતી જતી હિંસાને કારણે લાખો બાળકોએ શિક્ષણ ગુમાવ્યું છે અને સેંકડો પરિવારો વિસ્થાપિત થયા છે, જેના પગલે યુનિસેફે ચેતવણી આપી છે કે જો આંતરરાષ્ટ્રીય સમુદાય તાત્કાલિક પગલાં નહીં લે તો આ આંકડો હજુ પણ ભયજનક રીતે વધી શકે છે.

UNSC માં ઈરાન વિરુદ્ધ પ્રસ્તાવ પસાર

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં 13 મતો સાથે એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે, જેમાં ઈરાનને ખાડી દેશો (બહેરીન, કુવૈત, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા) પર હુમલા રોકવા માટે તાકીદ કરવામાં આવી છે. જોકે, ઈરાને આ પ્રસ્તાવને પક્ષપાતી ગણાવીને ફગાવી દીધો છે.

બહેરીન ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે ઈરાની હુમલો

બહેરીનના મુહર્રક આઇલેન્ડ પર આવેલા ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે ગુરુવારે સવારે ઈરાન દ્વારા મોટો હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલાને કારણે એરપોર્ટ નજીક આવેલી તેલની ટાંકીઓમાં ભીષણ આગ ફાટી નીકળી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ટાંકીઓ એરપોર્ટ અને દેશના તેલ ઉદ્યોગ માટે ફ્યુઅલ સ્ટોરેજ તરીકે વપરાતી હતી. આસપાસના લોકોને બારી-બારણાં બંધ રાખી ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી છે.


ઓમાન અને ઈરાકમાં તેલ ટેન્કરો પર ડ્રોન હુમલા

ઓમાનના સલાલાહ પોર્ટ પર તેલ સ્ટોરેજ ટેન્કોને ડ્રોન દ્વારા નિશાન બનાવવામાં આવી છે. આ ઘટના બાદ ઓમાનના સુલતાને ઈરાનના રાષ્ટ્રપતિ સાથે ફોન પર વાત કરી છે. બીજી તરફ, ઈરાકી દરિયાઈ ક્ષેત્રમાં પણ ઈંધણ લઈ જઈ રહેલા બે વિદેશી ટેન્કરો પર હુમલો થતા તેમાં આગ લાગી હતી, જેમાંથી 25 ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત બહાર કઢાયા છે.

લેબનોનના બેરૂતમાં ઈઝરાયલનો કહેર

ઈઝરાયેલની સેનાએ લેબનોનની રાજધાની બેરૂતમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર તોબાતોડ હુમલા કર્યા છે. આ હુમલામાં 7 લોકોના મોત થયા છે અને 21 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

177 ભારતીયોનું પહેલું ગ્રુપ દિલ્હી પહોંચ્યું

ભારત સરકારે પશ્ચિમ એશિયામાં ફસાયેલા પોતાના નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવાનું અભિયાન તેજ કર્યું છે. લેબનાનથી 177 ભારતીય નાગરિકોને લઈને એક ચાર્ટર ફ્લાઈટ બુધવારે દિલ્હી પહોંચી છે. આ ઉપરાંત, કતારથી પણ 500થી વધુ ભારતીયો મુંબઈ અને દિલ્હી પરત ફર્યા છે. ભારત સરકાર હજુ પણ વધારાની ફ્લાઈટ્સ દ્વારા નાગરિકોને પરત લાવવાની વ્યવસ્થા કરી રહી છે.

યુદ્ધના શરૂઆતના 6 દિવસમાં અમેરિકાએ 11.3 અબજ ડોલર ખર્ચ્યા

અમેરિકી સંરક્ષણ મંત્રાલયે સંસદમાં ખુલાસો કર્યો છે કે ઈરાન યુદ્ધના માત્ર પ્રથમ 6 દિવસમાં જ અમેરિકાએ 11.3 અબજ ડોલર (અંદાજે 94000 કરોડ રૂપિયા) ખર્ચી નાખ્યા છે. આ રકમનો મોટો હિસ્સો હથિયારો અને દારૂગોળા પાછળ વપરાયો છે.