Get The App

વધુ એક દેશ પર હુમલો કરશે અમેરિકા? અનેક સૈન્ય જહાજો રવાના, સામે જવાબ મળ્યો- અમારી આંગળી પણ ટ્રિગર પર જ છે

Updated: Jan 23rd, 2026

GS TEAM

Google News
Google News
વધુ એક દેશ પર હુમલો કરશે અમેરિકા? અનેક સૈન્ય જહાજો રવાના, સામે જવાબ મળ્યો- અમારી આંગળી પણ ટ્રિગર પર જ છે 1 - image


US-Iran War Threat : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી ફરી વિશ્વભરમાં ખળભળાટ મચ્યો છે. ટ્રમ્પ અવાર-નવાર ઈરાન પર નિશાન સાધતા રહે છે, તો ઈરાન પણ ટ્રમ્પને ચેતવણી આપતું રહે છે, ત્યારે આ તમામ ઘટનાક્રમ વચ્ચે ફરી અમેરિકા અને ઈરાન વચ્ચે શાબ્દિક પ્રહારો શરુ થઈ ગયા છે. ટ્રમ્પે દાવોસથી પરત ફરતી વખતે કહ્યું હતું કે, અમેરિકા ઈરાન તરફ મોટી સેના મોકલી રહ્યું છે. આ નિવેદન બાદ ઈરાને જવાબ આપ્યો છે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સના કમાન્ડરે અમેરિકાને ચેતવણી આપી છે કે, ‘અમારી આંગળી ટ્રિગર પર જ છે.’

‘આંગળી ટ્રિગર પર જ છે’ ઈરાનની અમેરિકા-ઈઝરાયલને ધમકી

ઈરાની ગાર્ડ્સ કમાન્ડર જનરલ મોહમ્મદ પાકપુરે ચેતવણી આપી છે કે, ‘અમેરિકા અને ઈઝરાયલ ગેરસમજમાં રહ્યા વગર, ઐતિહાસિક અનુભવો અને ગત વર્ષના યુદ્ધથી કંઈક શીખે, નહીં તો તેનાથી પણ પીડાદાયક અને કરુણ અંજામનો સામનો કરવો પડશે. ઈરાની સશસ્ત્ર દળો મુખ્ય શાખા ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) અને ડિયર ઈરાનની આંગળી ટ્રિગર પર જ છે. અમે પહેલાથી પણ વધુ તૈયાર છીએ.’

ઈરાનના અન્ય એક વરિષ્ઠ સૈન્ય અધિકારી જનરલ અલી અબ્દુલ્લાહી અલીબાદીએ ચેતવણી આપી છે કે, ‘જો અમેરિકા હુમલો કરશે તો અમેરિકાના તમામ સ્થળો ઈરાનની શસ્ત્ર દળોના ટાર્ગેટ પર છે.

ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ એક આતંકી સંગઠન !

અત્રે એ યાદ રહે કે, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને અમેરિકા સહિત અનેક દેશો IRGCને એક આતંકવાદી સંગઠન માની રહ્યા છે. એટલું જ નહીં આ દેશોએ IRGC પર પ્રતિબંધ પણ લાદ્યો છે. તાજેતરમાં ઈરાનમાં ભારે વિરોધ-પ્રદર્શનો ચાલી રહ્યા છે, જેમાં IRGCએ દેખાવકારો પર ક્રૂરતા આચરી હોવાના અહેવાલો સામે આવ્યા છે.

આ પણ વાંચો : ડોનાલ્ડ ટ્રમ્પને થઈ ગંભીર બીમારી? હાથ પરના ડાઘ અંગે અટકળો વચ્ચે પોતે જ આપ્યો જવાબ

ટ્રમ્પે શું કહ્યું હતું?

ટ્રમ્પે દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિકલ ફોરમથી પરત ફરતી વખતે ઈરાન વિરુદ્ધનું નિવેદન આપી ખળભળાટ મચાવી દીધો હતો. તેમણે કહ્યું હતું કે, ‘અમેરિકા માત્ર સાવચેતીના ભાગરૂપે ઈરાન તરફ એક વિશાળ નૌકા સૈન્ય મોકલી રહ્યું છે. હું નથી ઇચ્છતો કે ઘટના બને, પરંતુ અમે તેમના પર ખૂબ જ ધ્યાનપૂર્વક નજર રાખી રહ્યા છીએ.’

થોડા દિવસ પહેલા ઈરાને અમેરિકાને આપી હતી ધમકી

આ પહેલા ઈરાની સરકારી મીડિયા ટીવીએ ટ્રમ્પને ધમકી આપતા સમાચાર પ્રસારિત કર્યા હતા. ઈરાની સ્ટેટ મીડિયા ટીવીએ અમેરિકામાં ટ્રમ્પ પર 2024માં થયેલા હુમલાની તસવીર બતાવીને મેસેજ લખ્યો હતો કે, ‘આ વખતે બુલેટ નિશાન નહીં ચૂકે અને ગોળી માથાની આરપાર નીકળી જશે.’ આ સમાચારથી ટ્રમ્પ ભારે ગુસ્સે થયા હતા. અમેરિકાની ગુપ્તચર એજન્સીઓને પણ આશંકા છે કે, ઈરાન ભવિષ્યમાં ટ્રમ્પ પર હુમલો કરવાનો પ્રયાસ કરી શકે છે. ઈરાનની ધમકી બાદ ટ્રમ્પે કહ્યું હતું કે, ‘જો ઈરાન મને મારવાનો પ્રયાસ કરશે તો હું નકશામાંથી ઈરાનનું નામોનિશાન મિટાવી નાખીશ. જો ઈરાન મારી હત્યા કરવાનો પ્રયાસ કરશે તો કોઈપણ ઈરાનની તબાહીને રોકી નહીં શકે.’ અમેરિકાની અવાર-નવાર ધમકીઓના કારણે ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનેઈ (Iran Supreme Leader Ali Khamenei) સુરક્ષિત બંકરમાં છુપાઈ ગયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. છેલ્લા સાત મહિનામાં તેઓ બીજી વખત બંકરમાં છૂપાયા છે.

આ પણ વાંચો : ક્યુબામાં પણ સત્તાપલટાનું ટ્રમ્પનું કાવતરું, જાણો કેવી રીતે અમેરિકાએ વાયા વેનેઝુએલા ભેખડે ભરાવ્યું