Get The App

ડોનાલ્ડ ટ્રમ્પને થઈ ગંભીર બીમારી? હાથ પરના ડાઘ અંગે અટકળો વચ્ચે પોતે જ આપ્યો જવાબ

Updated: Jan 23rd, 2026

GS TEAM

Google News
Google News
Donald Trump Health News


(IMAGE - IANS)

Donald Trump Health News: વિશ્વભરના નેતાઓ જ્યારે સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં 'બોર્ડ ઑફ પીસ'ના ગઠન માટે એકઠા થયા છે, ત્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર પોતાની તબિયતને લઈને ચર્ચામાં આવ્યા છે. કાર્યક્રમ દરમિયાન ટ્રમ્પના ડાબા હાથ પર ઘેરા વાદળી રંગના નિશાન જોવા મળતાં સોશિયલ મીડિયા અને રાજકીય જગતમાં તેમની તબિયત બગડી હોવાની અટકળો તેજ થઈ હતી. જોકે, ટ્રમ્પે પોતે આ મામલે સ્પષ્ટતા કરી છે.

શું છે હાથ પરના નિશાનનું સત્ય?

હાથ પરના નિશાન અંગે પૂછાયેલા સવાલના જવાબમાં ટ્રમ્પે જણાવ્યું કે, 'હું સંપૂર્ણ સ્વસ્થ છું. આ કોઈ ગંભીર બીમારી નથી પરંતુ એક સામાન્ય અકસ્માતનું પરિણામ છે. મારો હાથ ટેબલના ખૂણા સાથે અથડાયો હતો, જેના કારણે આ નિશાન પડ્યું છે. મેં તેના પર મલમ લગાવ્યો છે અને ડૉક્ટરોના મતે ચિંતા જેવું કંઈ નથી.'

લોહી પાતળું કરવાની દવા જવાબદાર

ટ્રમ્પે આ નિશાન પાછળનું વૈજ્ઞાનિક કારણ જણાવતાં કહ્યું કે, 'હું હૃદયના સ્વાસ્થ્ય માટે દરરોજ 325 મિલિગ્રામ એસ્પિરિન(Aspirin) લઉં છું. હું ઇચ્છું છું કે મારા હૃદયમાં લોહીનો પ્રવાહ સારો અને પાતળો રહે. જો તમે હૃદયને સ્વસ્થ રાખવા માંગતા હોવ તો એસ્પિરિન લો, પરંતુ તેની સાથે આવા વાદળી નિશાન સહન કરવા માટે પણ તૈયાર રહો.'

નિષ્ણાતોના મતે, એસ્પિરિન જેવી દવાઓ લોહીને પાતળું કરે છે, જેના કારણે ત્વચા અત્યંત સંવેદનશીલ બની જાય છે અને સામાન્ય અથડામણમાં પણ આ પ્રકારના 'બ્લુ માર્કસ' પડી શકે છે.

આ પણ વાંચો: Explainer: ક્યુબામાં પણ સત્તાપલટાનું ટ્રમ્પનું કાવતરું, જાણો કેવી રીતે અમેરિકાએ વાયા વેનેઝુએલા ભેખડે ભરાવ્યું

વ્હાઇટ હાઉસ અને ડૉક્ટરોનો ખુલાસો

વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે પણ ટ્રમ્પના નિવેદનને સમર્થન આપતાં કહ્યું કે, 'બોર્ડ ઑફ પીસ' કાર્યક્રમ દરમિયાન જ ટેબલ સાથે અથડાવાને કારણે આ ઈજા થઈ હતી. ટ્રમ્પના પર્સનલ ડૉકટર, ડૉ. સીન બારબાબેલાએ પુષ્ટિ કરી છે કે ટ્રમ્પ નિયમિતપણે 325 મિલિગ્રામ એસ્પિરિન લે છે.

જોકે, મેયો ક્લિનિક જેવી સંસ્થાઓના મતે હૃદયની સુરક્ષા માટે સામાન્ય રીતે 75થી 100 મિલિગ્રામ એસ્પિરિન પૂરતી હોય છે. ટ્રમ્પ જે માત્રામાં દવા લે છે તેનાથી લોહી વધુ પાતળું થઈ જાય છે, જે આ પ્રકારના નિશાન પડવાનું મુખ્ય કારણ હોઈ શકે છે.

ડોનાલ્ડ ટ્રમ્પને થઈ ગંભીર બીમારી? હાથ પરના ડાઘ અંગે અટકળો વચ્ચે પોતે જ આપ્યો જવાબ 2 - image